દેશની રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને ભારે હોબાળો સર્જાયો છે. ચૂંટણી પંચની કામગીરી અને SIR પ્રક્રિયાના વિરોધમાં આયોજિત પ્રદર્શન પહેલાં જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. CJPના ત્રણ નેતાઓની એરપોર્ટ પરથી અટકાયત, પ્રદર્શનકારીઓની ધરપકડ અને ત્યારબાદ કોર્ટમાં રજૂઆત ,આ સમગ્ર ઘટનાક્રમે દિલ્હીના રાજકીય માહોલને ગરમાવી દીધો છે.જોકે, CJPના ત્રણ નેતાઓને કોર્ટમાંથી મુક્તિ મળી છે, પરંતુ જંતર-મંતર પર જઈને વિરોધ પ્રદર્શન નહીં કરવાની શરતે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. તો શું હતો સમગ્ર ઘટનાક્રમ? કોણ-કોણ પોલીસની કાર્યવાહીમાં સપડાયું અને હવે વિરોધની આગળની રણનીતિ શું હશે? ચાલો જાણીએ વિગતવાર.
એરપોર્ટ પર જ પોલીસની કાર્યવાહી
દિલ્હીમાં 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ગરમાવો વધ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને SIR પ્રક્રિયાના વિરોધમાં CJP સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.આ દરમિયાન મુંબઈથી દિલ્હી પહોંચેલા CJPના ત્રણ નેતાઓ—અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા—ની દિલ્હી એરપોર્ટ પર જ પોલીસે અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહી બાદ CJP તરફથી ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા નેતાઓને અજ્ઞાત સ્થળે લઈ જવાની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
જંતર-મંતર પર કડક સુરક્ષા વ્યવસ્થા
બીજી તરફ, વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. જંતર-મંતર સહિત નવી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.પ્રદર્શન માટે પહોંચેલા અનેક લોકોને પોલીસે અટકાયતમાં લીધા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ દરમિયાન આશરે 3,000 લોકોને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પોલીસની કાર્યવાહી વચ્ચે પ્રદર્શનકારીઓ અને આયોજકો તરફથી વિરોધના અવાજો પણ ઉઠ્યા હતા. ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા સામેનો વિરોધ હવે માત્ર એક સ્થળ પૂરતો મર્યાદિત ન રહેતાં રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો હતો.
કોર્ટમાંથી મુક્તિ, પરંતુ શરત સાથે
આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો, જ્યારે દિલ્હી પોલીસે CJPના ત્રણેય નેતાઓને શાંતિ ભંગ થવાની આશંકા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કર્યા.દિલ્હી કેન્ટ સ્થિત સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત બાદ ત્રણેય નેતાઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, જંતર-મંતર પર જઈને વિરોધ પ્રદર્શન નહીં કરવાની શરત મૂકવામાં આવી હોવાનું જણાવાયું છે.બીજી તરફ, પ્રદર્શન સાથે જોડાયેલા યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શનિવારે મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા.
AISAનાં રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાની અટકાયતના અહેવાલો પણ સામે આવ્યા હતા.હાલ આ સમગ્ર ઘટનાએ લોકશાહી વિરોધ, ચૂંટણી પ્રક્રિયા અને પોલીસની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોલીસની જવાબદારી છે, તો બીજી તરફ વિરોધ પ્રદર્શનના અધિકાર અંગે પણ ચર્ચા તેજ બની છે.હવે જોવાનું એ રહેશે કે CJP અને અન્ય સંગઠનો આગળ કઈ રણનીતિ અપનાવે છે અને ચૂંટણી પંચ સામેનો વિરોધ કેવો વળાંક લે છે.