નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસની નોકરી માટેની ભરતી પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવશે. અગાઉ ભૂતપૂર્વ અગ્નિવીરોને શારીરિક કસોટીઓમાંથી મુક્તિ અને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ, જેલ અને વન વિભાગોમાં નિર્ધારિત જગ્યાઓ પર ૨૦% અનામતની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
સશસ્ત્ર દળોમાં ૪ વર્ષ માટે અગ્નિવીરોની ભરતી
ભારત સરકારની ‘અગ્નિપથ’ યોજના હેઠળ, યુવાનોની ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં ચાર વર્ષના સમયગાળા માટે ભરતી કરવામાં આવે છે; આ ભરતી થયેલા જવાનો ‘અગ્નિવીર’ તરીકે ઓળખાય છે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૨૫% જવાનોને સશસ્ત્ર દળોમાં કાયમી કર્મચારી તરીકે જાળવી રાખવામાં આવે છે જ્યારે બાકીના ૭૫% જવાનોને સેવામુક્ત કરવામાં આવે છે. પાત્રતા અને વય મર્યાદાની વાત કરીએ તો, ઉમેદવારોની ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે.
અગ્નિવીરો માટે પગાર અને પેકેજ
પ્રથમ વર્ષમાં અગ્નિવીરોને ₹૩૦,૦૦૦નો માસિક પગાર અને લાગુ પડતા ભથ્થાં મળે છે. બીજા વર્ષમાં તેમને દર મહિને ₹૩૩,૦૦૦ અને લાગુ પડતા ભથ્થાં મળે છે. ત્રીજા વર્ષમાં માસિક પગાર વધીને ₹૩૬,૫૦૦ અને ભથ્થાં થાય છે. અંતે ચોથા વર્ષમાં અગ્નિવીરોને દર મહિને ₹૪૦,૦૦૦ અને લાગુ પડતા ભથ્થાં મળે છે.
સેવા પૂર્ણ કર્યા પછી અગ્નિવીરો માટે લાભો
‘સેવા નિધિ’ પેકેજનો લાભ: ‘સેવા નિધિ’ પેકેજ હેઠળ ચાર વર્ષ પછી સેવામુક્ત થતી વખતે ભારત સરકાર અગ્નિવીરના પોતાના ₹૫.૦૨ લાખના યોગદાન જેટલી જ રકમનું યોગદાન આપશે. પરિણામે અગ્નિવીરને જમા થયેલા વ્યાજ સાથે કુલ ₹૧૦.૦૪ લાખની રકમ પ્રાપ્ત થશે. ભારતીય સેનાના નિયમિત કેડર (regular cadre) માટે ત્યારબાદ પસંદ કરાયેલા અગ્નિવીરો માટે, ‘સેવા નિધિ’ પેકેજમાં માત્ર તેમનું પોતાનું યોગદાન અને તેના પર મળેલું વ્યાજ જ સામેલ હશે. જો કોઈ અગ્નિવીર તેમનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા સ્વેચ્છાએ સેવા છોડી દે છે તો જમા થયેલું ‘સેવા નિધિ’ પેકેજ લાગુ પડતા વ્યાજ સાથે તેમને ચૂકવવામાં આવશે. આવા કિસ્સાઓમાં ‘સેવા નિધિ’ પેકેજમાં સરકારનું કોઈ યોગદાન રહેશે નહીં. નોંધનીય છે કે ‘સેવા નિધિ’ની રકમ આવકવેરામાંથી મુક્ત છે.
અગ્નિવીર કૌશલ્ય પ્રમાણપત્ર: ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અગ્નિવીરોને કૌશલ્ય સેટનું વિગતવાર પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત કરેલી કુશળતા અને તેમની નિપુણતાના સ્તરનો ઉલ્લેખ હોય છે.
ધોરણ ૧૨નું પ્રમાણપત્ર: ધોરણ ૧૦ પાસ કર્યા પછી જોડાયેલા અગ્નિવીરોને ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ, તેમણે પ્રાપ્ત કરેલી કુશળતાના આધારે ધોરણ ૧૨ (સમકક્ષ)નું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત સરકારે તાજેતરમાં ‘ઓપરેશન ગંગાજળ’ શરૂ કર્યું છે અને બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે.