Business

‘ગુજરાતમાં હેલ્મેટનો કાયદો નથી?’ અન્ય રાજ્યોના જજોના સવાલનો હાઇકોર્ટે કર્યો ઉલ્લેખ

ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ અકસ્માતોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં ટ્રાફિકની સ્થિતિ અંગે સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચે હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા, દિવસે ડમ્પર દોડવા પર નિયંત્રણ મૂકવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા મુદ્દે ટકોર કરી હતી. આ દરમિયાન સરકારી વકીલે અત્યાર સુધી થયેલી કાર્યવાહી અંગે કોર્ટને માહિતી આપી હતી. ટ્રાફિક પોલીસમાં ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB)ના જવાનોની ભૂમિકા અંગે પણ વિગતો રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટે હેલ્મેટના નિયમોનું પાલન થતું ન હોવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા ન્યાયાધીશો પણ અહીં હેલ્મેટના નિયમો અંગે સવાલ કરે છે. દરેક રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવા છતાં ગુજરાતમાં ઘણા ટુ-વ્હીલરચાલકો આ નિયમનું પાલન કરતા નથી. વાહન ચલાવનાર વ્યક્તિ હેલ્મેટ પહેરતી નથી અને પાછળ બેઠેલી વ્યક્તિ માટે પણ નિયમનું પાલન થતું નથી, તે અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

અમદાવાદ જેવા શહેરોમાં દિવસે પણ ડમ્પરો બેફામ રીતે ફરતા હોવાના મુદ્દે હાઇકોર્ટે તંત્રનું ધ્યાન દોર્યું હતું. માર્ગ અકસ્માતોમાં લોકો જીવ ગુમાવતા હોવાનો ઉલ્લેખ કરીને કોર્ટે દિવસે ડમ્પરોના સંચાલન પર પ્રતિબંધ હોય તો તેનો કડક અમલ કરાવવા જણાવ્યું હતું. ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ અને ટ્રાફિકના નિયમોનું પાલન અકસ્માતો અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ હોવાનું પણ સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું. વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાના વધતા જોખમ અંગે પણ હાઇકોર્ટે ટકોર કરી હતી. કેટલાક વાહનચાલકો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાતો કરે છે, વીડિયો કોલ કરે છે અથવા વીડિયો જોતા હોય છે.

આવી સ્થિતિમાં તેમનું ધ્યાન રસ્તા અને વાહન ચલાવવા પર રહેતું નથી, જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. આ બાબતે ટ્રાફિકના નિયમોનો અસરકારક અમલ થાય તે જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું. અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થાપન અંગેની સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે હેલ્મેટ, ભારે વાહનોની અવરજવર અને ડ્રાઇવિંગ વખતે મોબાઇલના ઉપયોગ જેવા મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું. આ કેસમાં વધુ સુનાવણી બે અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top