National

સોનમ વાંગચૂકની સરકારને ચેતવણી, ‘અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને છોડો, નહીં તો અનશન કરીશ’

લદ્દાખના પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પહેલાં કાર્યકરો અને યુવા નેતાઓની અટકાયતને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન પહેલાં CJP સાથે જોડાયેલા અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ વાંગચૂકે પ્રતિક્રિયા આપી હતી. તેમણે દેશમાં લોકશાહી અને શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ અટકાયત કરાયેલા તમામ પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. જો તેમને મુક્ત કરવામાં નહીં આવે અને કડક કાર્યવાહી ચાલુ રહેશે, તો ફરીથી અનશન અથવા પદયાત્રા શરૂ કરવાની ચેતવણી પણ આપી હતી.

સોનમ વાંગચૂકે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયો સંદેશમાં કહ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું લોકશાહી તંત્ર અઘોષિત કટોકટી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન પહેલાં તેમણે લોકોને શાંતિ જાળવવા અને એકતા દર્શાવવાની અપીલ કરી હતી. પરંતુ પ્રદર્શન માટે દિલ્હી આવી રહેલા વિદ્યાર્થીઓ, યુવા નેતાઓ, સામાજિક કાર્યકરો અને અન્ય લોકોને અગાઉથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની ઘટનાથી તેમને દુઃખ થયું છે.

વાંગચૂકે જંતર-મંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે તેઓ પોતે દિલ્હીમાં યોજાનારા પ્રદર્શનમાં સામેલ નહીં થાય. તેમનું કહેવું હતું કે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા માગતા લોકોને અટકાવવા અને સુરક્ષાના નામે તેમના પર નિયંત્રણો મૂકવા અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તેમણે અટકાયત કરાયેલા તમામ લોકોને મુક્ત કરવાની માંગ કરતાં પ્રશાસનને પોતાની કાર્યવાહી પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. સોનમ વાંગચૂકે ચેતવણી આપી હતી કે જો સરકાર અને પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓને મુક્ત કરવામાં નહીં આવે તથા આવી કાર્યવાહી ચાલુ રહેશે, તો તેઓ ફરીથી અનશન પર બેસી શકે છે અથવા પદયાત્રા શરૂ કરી શકે છે. તેમની આ ચેતવણીથી દિલ્હીમાં પ્રદર્શનકારીઓની અટકાયતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

લદ્દાખ પરત ફર્યા બાદ વાંગચૂકે જણાવ્યું હતું કે હાલમાં તેઓ પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે. તેમાં કૃત્રિમ ગ્લેશિયર તૈયાર કરવા અને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) એટલે કે હિમનદીના સરોવરમાંથી અચાનક પાણીનો મોટો પ્રવાહ છૂટી પડવાથી સર્જાતા પૂરના જોખમનો સામનો કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. લદ્દાખ જેવા પર્વતીય વિસ્તારમાં હિમનદીઓ અને પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ સ્થાનિક લોકોના જીવન અને પર્યાવરણ માટે મહત્ત્વપૂર્ણ છે.

પોતાના સંદેશમાં વાંગચૂકે જાણીતા કવિ ફૈઝ અહેમદ ફૈઝની પંક્તિઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે રાજકારણ સિવાય પણ દુનિયામાં અનેક દુઃખો અને પડકારો છે. આ સંદર્ભમાં તેમણે પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત પણ દર્શાવી હતી. વાંગચૂકે યુવાનો અને Gen Zના પ્રદર્શનકારીઓને ખાસ અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં અહિંસાનો માર્ગ છોડે નહીં. વિરોધ દરમિયાન શાંતિ જાળવવી અને હિંસાથી દૂર રહેવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના મતે, પોતાની માંગણીઓ રજૂ કરતી વખતે અહિંસક માર્ગ અપનાવવો લોકશાહી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ છે.

Most Popular

To Top