યુપી કોંગ્રેસ મુખ્યાલયમાં હોબાળો થયાના અહેવાલો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે લખનૌ સ્થિત મુખ્યાલયમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પરસ્પર ઘર્ષણ થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા અને કાર્યકારી અધ્યક્ષ ઈમરાન મસૂદના પદભાર સંભાળવાના સમારોહ માટે કાર્યકરો એકઠા થયા હતા. આરોપ છે કે અવધ ઝોનના અધ્યક્ષ મમતા ચૌધરી અને અજય રાય વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ અજય રાયના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ ઝડપથી વણસી અને શાબ્દિક ઝઘડા બાદ કાર્યકરો એકબીજાને ધક્કા-મુક્કી કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ભાજપે પણ આ ઘટનાને લઈને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે અને ‘X’ પર લખ્યું છે કે “‘મોહબ્બત કી દુકાન’ માં જૂતા ફેંકાયા અને મારામારી”.
કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
અહેવાલો અનુસાર આજે યુપીના નવા પ્રદેશ અધ્યક્ષ આરાધના મિશ્રા અને કાર્યકારી અધ્યક્ષ ઈમરાન મસૂદનો પદભાર સંભાળવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રેસના કાર્યકરો લખનૌ મુખ્યાલય ખાતે એકઠા થયા હતા. કહેવાય છે કે અવધ ઝોનના અધ્યક્ષ મમતા ચૌધરી અને અજય રાયના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. મમતા ચૌધરી પર અપશબ્દો બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અજય રાયના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિવાદ બાદ અજય રાયે પ્રમોદ તિવારી અને ઈમરાન મસૂદ સમક્ષ ફરિયાદ કરી અને મમતા ચૌધરીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. અજય રાયે કહ્યું કે આવા લોકો પાર્ટીની છબી ખરાબ કરે છે. જોકે અંતે મધ્યસ્થતા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ભાજપનું કોંગ્રેસ પર નિશાન
કોંગ્રેસ મુખ્યાલયમાં થયેલા હોબાળા બાદ યુપી ભાજપે પાર્ટી પર નિશાન સાધ્યું હતું. યુપી ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું, “‘મોહબ્બત કી દુકાન’માં જૂતા ફેંકવાની મારામારી; કોંગ્રેસ કાર્યાલયમાં નવા પ્રદેશ અધ્યક્ષે પૂર્વ અધ્યક્ષ અજય રાયનું અપમાન કર્યું!” ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં ચૂંટણીલક્ષી વાતાવરણ ગરમાયું છે. આ પહેલા અખિલેશ અને સીએમ યોગી વચ્ચે પણ શાબ્દિક જંગ ખેલાયો હતો, જેમાં બંને નેતાઓએ એકબીજાને અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.