ભાજપે દિલ્હીમાં CJP (નાગરિક સમાજ જૂથો) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે જંતર-મંતર પર જે વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે તે ભારતની વાસ્તવિક તસવીર રજૂ કરતું નથી. જંતર-મંતર પર જે થઈ રહ્યું છે અને જે ટીવી તથા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દેખાઈ રહ્યું છે તે ભારતની વાસ્તવિકતા નથી. સુશાસન હેઠળ ભારત શાંતિપૂર્ણ રીતે પ્રગતિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે દિલ્હીના એક ખૂણામાં અરાજકતાવાદી તત્વોને અંધાધૂંધી ફેલાવતા જોયા છે, પરંતુ આજે આ અરાજકતાવાદીઓ નિષ્ફળ ગયા છે. આ અરાજકતાવાદી તત્વો દ્વારા યોજાયેલ પ્રદર્શન ‘ફ્લોપ શો’ ગયો છે. આગચંપી અને હિંસા દ્વારા રાષ્ટ્રીય રાજધાનીને બંધક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આજે ‘લોકશાહી’નો ‘ભીડશાહી’ પર વિજય થયો છે.
ભાજપનું AAP અને કોંગ્રેસ પર પણ નિશાન
સાંસદ સંબિત પાત્રાએ નોંધ્યું હતું કે કોંગ્રેસે થોડા દિવસો પહેલા ‘બંધ’નું એલાન આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે અન્ય તત્વોએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ૧૨મી તારીખે વધુ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આટલા ટૂંકા ગાળામાં ભારતમાં પરિસ્થિતિને અસ્થિર કરવાના કેવા પ્રયાસો થઈ રહ્યા છે તે જોઈ શકાય છે. જોકે તેની પાછળનો મૂળ ઈરાદો પણ સમજવો જરૂરી છે. શ્રેય કોણ લેશે તે બાબતે અરાજકતાવાદી તત્વોમાં પણ અંધાધૂંધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
રાહુલ ગાંધી પર નિશાન
કોંગ્રેસ પર નિશાન સાધતા સંબિત પાત્રાએ ઉલ્લેખ કર્યો કે ગઈકાલે કેટલાક નેતાઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. તેમણે ટિપ્પણી કરી કે રાષ્ટ્રપતિ ભવનથી બહાર નીકળતી વખતે રાહુલ ગાંધીનું નિવેદન એક નાલાયક નેતા જેવું હતું. અગાઉ ક્યારેય રાષ્ટ્રપતિને રાજકીય ઝઘડામાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી, છતાં એક અસમર્થ નેતાએ રાષ્ટ્રપતિને આવા સંઘર્ષમાં ખેંચવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધી ભારતના રસ્તાઓ પર અરાજકતા ફેલાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો કે જો રાહુલ ગાંધી પાસે મતની ચોરીના કોઈ પુરાવા હતા, તો તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ તે કેમ રજૂ ન કર્યા? વાસ્તવમાં રાહુલ ગાંધી પાસે મતની ચોરીનો કોઈ પુરાવો નથી. ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે અયોગ્ય છે.
વિપક્ષી નેતાઓ પર નિશાન
એલોન મસ્કના નિવેદન અંગે વિપક્ષી નેતાઓના ટ્વીટ્સનો ઉલ્લેખ કરતા પાત્રાએ કહ્યું,” આ મોદી વિરુદ્ધ મીર જાફરની લડાઈ છે. આ એવા લોકો છે જે સત્તા માટે દેશને પણ ગીરવે મૂકી શકે છે. દેશે એ સમજવાની જરૂર છે કે રસ્તાઓ પર અરાજકતા ફેલાવવાનો આ પ્રયાસ ચૂંટણી જીત્યા વિના કે ચૂંટણી લડ્યા વિના પણ સત્તા હસ્તગત કરવાની તેમની ઈચ્છામાંથી ઉદ્ભવ્યો છે. તેઓ સખત મહેનત કર્યા વિના વડાપ્રધાન બનવા માંગે છે, ભલે તેના માટે દેશને ગીરવે મૂકવો પડે. મીર જાફરો બેવડા ધોરણો અપનાવવા તૈયાર છે. આ મોદી વિરુદ્ધ મીર જાફરની લડાઈ છે…”