Business

લડાયક આંચલ ‘કાલી કાલી આંખે’ દેખાડે છે

ફિલ્મો તો અત્યારે ફરી પાછા ડબ્બામાં બંધ થઇ રહી છે. થિયેટરોમાં રજૂ થવાની તારીખ નક્કી થઇ ચુકેલી પણ હવે તે બધી પોસ્ટ પોન થઇ રહી છે. ત્યારે વેબ સિરીઝ ફરી જોર કરશે. વિપુલ શાહની શેફાલી શાહ અભિનીત ‘હયુમન’ આ 14મી તારીખથી શરૂ થશે અને નેટફલિકસ પર ‘યે કાલી કાલી આંખે’ આવી રહી છે. આંચલસીંઘ, તાહિર ભસીન, શ્વેતા ત્રિપાઠી અભિનીત આ સિરીઝ રાજકારણ અને પ્રેમકહાણીનું મિશ્રણ છે. એટલે તમે એને રોમેન્ટિક થ્રીલર કહી શકો. આંચલ સીંઘ આ પહેલાં ‘શ્રી સિધ્ધાર્ય ગૌતમ’માં રાજકુમારી યશોદરા બનેલી ‘રમૈયા વસ્તાવૈયા’માં રિયા અને ‘જખ્મી’નાં હીરોઇન હતી જો કે તેને ‘અનદેખી’માં તેજી ગ્રેવાલ તરીકે જ ઓળખ મળી અને હવે ‘યે કાલી કાલી આંખે’માં પૂર્વા તરીકે દેખાશે. અત્યાર સુધીમાં 300 જેટલી ટીવી કમર્શીઅલમાં દેખાય ચુકેલી આંચલ મૂળ ચંડીગઢની છે. તેણે ફિલ્મોમાં જ કારકિર્દી બનાવવી હતી પણ હજુ તેનો આરંભ જ છે.

તેના પિતા ઇન્ડિયન એરફોર્સમાં હતા એટલે લડાયક મિજાજ તો લઇને જ આવી છે. ચંડીગઢથી મુંબઇ આવી કારકિર્દી બનાવવી સરળ તો નથી પણ તમે એશીયન પેઇન્ટસની જાહેરાતમાં રણબીર કપૂર સાથે તેને જોઇ હશે. તેની ઇચ્છા તો રણબીર સાથે ફિલ્મોમાં કામ કરવાની છે પણ અત્યારે જાહેરાત પણ ખોટી નથી. ‘યે કાલી કાલી આંખે’ સુધીની કારકિર્દી કાંઇ કમ તો નથી. તેણે શ્રીલંકાની સિંહાલી ભાષાની ફિલ્મ ‘શ્રી સિધ્ધાર્થ ગૌતમ’થી આરંભ કરેલો. પછી ‘ઢીલ્લુકુ ઢુડ્ઢુ’ નામની હોરર કોમેડીમાં કામ કર્યું. તે પંજાબી છે ને પંજાબી ફિલ્મ ‘જખ્મી’માં હીરોઇન બનવા મળ્યું તો તેમાંય કામ કરી લીધું. તે ભાષા વિશે યા માધ્યમ વિશે કોઇ પ્રોબ્લેમ નથી. ‘યે કાલી કાલી આંખે’ એક જૂદો વિષય ધરાવે છે. હમણાંજ ‘83’માં સુનીલ ગાવસ્કરની ભૂમિકા ભજવી ચુકેલો તાહીર રાજ ભસીન સાથે તેની મુખ્ય ભૂમિકા છે, સિરીઝમાં સૌરભ શુકલા પણ છે. આંચલને લાગે છે કે અત્યારની વેબસિરીઝ વચ્ચે તેની સિરીઝ પણ લોકોને રોમાન્સ અને થ્રીલ પૂરું પાડશે.

Most Popular

To Top