National

સુરતમાં બે ભાઈઓ ડુમસમાંથી બાઈક ચોરી ભાગ્યા અને પેટ્રોલ પુરાવ્યું ત્યાં તો પોલીસ આવી ગઈ

સુરત : ડુમસ બીચ પરથી બાઈક ચોરી ગયેલા બે પિતરાઈ ભાઈઓ રાજસ્થાન ભાગી રહ્યા હતા. દરમિયાન કોસંબા પાસે પેટ્રોલ પુરાવી ઓનલાઈન પેમેન્ટ ચુકવતા પોલીસે તેમને ટ્રેસ કરી લેતા રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.

  • બાઈક ચોરી ભાગતા બે ભાઈઓએ પેટ્રોલ પુરાવી ઓનલાઈન પેમેન્ટ કરતા પોલીસે ટ્રેસ કરી ઝડપી પાડ્યા
  • ડુમસ બીચ પરથી બાઈક ચોરી રાજસ્થાન ભાગી રહેલા બે જણા ઓનલાઈન પેમેન્ટથી પોલીસની જાળમાં ફસાયા
  • જયપુરથી ગોપીપુરા કાકાના ત્યાં બંને પિતરાઈ ભાઈઓ ફરવા આવ્યા હતા

ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરીયા ગણેશ બીચ ખાતે વરસાદી વાતાવરણને લઇ સહેલાણીઓની સંખ્યા વધુ રહે છે. ગત 12 જુને બીચ પરથી એક યુવકની કેટીએમ બાઈક ચોરી થઈ હતી. ડુમસ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીઆઈ અંકિત સોમૈયા અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ.એચ.સાંકળીયાની ટીમે સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. દરમિયાન બાઈક કોસંબા સુધી જતી અને ત્યાં આવેલા એક પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતી જોવા મળી હતી. આરોપીઓએ પેટ્રોલનું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું.

લોકેશન ટ્રેસ કરી ઓનલાઇન ટ્રાન્જેક્શનના આધારે ઝડપી
ઓનલાઇન ટ્રાન્જેક્શનના આધારે આરોપીનો મોબાઇલ નંબર મેળવી આરોપીઓનું લોકેશન ટ્રેસ કરતા રાજસ્થાન જયપુર ખાતે હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસની ટીમે રાજસ્થાન જયપુરથી અવિનાશ પવનકુમાર તુહાણીયા (ઉ.વ.૨૨, રહે-૬/૩૭૯, SFS સોસા. સીપ્રાપથ રોડ, માનસરોવર જયપુર, રાજસ્થાન) તથા રાહુલ સુરજભાન તુહાણીયા (ઉ.વ.૨૩) ને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. બંને પિતરાઈ ભાઈઓ સુરતમાં ગોપીપુરા ખાતે કાકાના ઘરે ફરવા આવ્યા હતા. અને ડુમસ ફરવા ગયા બાદમાં ત્યાંથી આ બાઈક ગમી જતા ચોરી કરી રાજસ્થાન જયપુર ભાગી ગયા હતા.

Most Popular

To Top