Gujarat

બોડેલીમાં ભારે વરસાદના પગલે ચાણોદના રેલવે ટ્રેક નીચેથી જમીન સરકી ગઈ, આ ટ્રેનો રદ

બોડેલી: બોડેલી(Bodeli)માં ભારે વરસાદ(Heavy Rain)નાં પગલે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદનાં પગલે ચાણોદ( Chanod) નો રેલ્વે ટ્રેક(Railway Track) ધોવાતાં ટ્રેન (Train) સેવા બંધ (Cancel) રાખવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

ભારે વરસાદનાં પગલે રેલ્વે ટ્રેકનું ધોવાણ, આ ટ્રેનો કરાઈ રદ
શનિવારની રાત્રિથી છોટાઉદેપુરના બોડેલીમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહીં એક જ રાતમાં 20 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. તેના લીધે છોટાઉદેપુર, બોડેલીમાં ભારે તારાજી સર્જાઈ છે. અહીં ભારે વરસાદનાં પગલે ચાણોદ-એકતાનગર વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. જેના કારણે રેલ્વે વ્યવહારને અસર પહોંચી છે. રેલ્વે ટ્રેકનું ધોવાણ થતા આજે ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • 09108 એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09110 એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09109 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર ટ્રેન રદ
  • 09113 પ્રતાપનગર-એકતાનગર પેસેન્જર ટ્રેન રદ
  • 02947 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ડભોઈ સુધી ટૂંકાવી છે જ્યારે ડભોઈ-એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

વોટ લેવા આવતી સરકાર પાણી ભરાતા જ ગાયબ થઇ જાય છે: બોડેલીના લોકોમાં આક્રોશ
ભારે વરસાદનાં પગલે મોટું નુકશાન થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેઓએ જણાવ્યું હતું કે, વરસાદનાં પગલે ઘરોમાં પાણી ભરાઈ જતા બધી વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. અમે રાતના ભૂખ્યા છીએ. અમારી પાસે ખાવા માટે કંઇ નથી. અમારી પાસે અનાજ કે કપડા પણ નથી. અમને કોઈ જોવા નથી આવ્યું. અમે નાના-નાના બાળકો સાથે રસ્તા પર આવી ગયા છીએ. અમારા બાળકો પણ ભૂખ્યા છે. સરકાર અમને કંઇક સહાય કરે. અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, ખાવા-પીવાનું, કપડા સહિતની તમામ વસ્તુઓ પાણીમાં તણાઈ જતા અમને બહુ મોટું નુકસાન થયું છે. સરકાર દર વખતે વોટ લેવા આવી જાય છે, પરંતુ અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે તે કોઈ જોવા આવે છે? અમારું અનાજ પાણીમાં પલળી ગયું છે. અમારી એક જ માંગ છે કે, અમને સુવિધા કરી આપો અને અમારી નુકસાનીની ભરપાઈ કરી આપો.

છોટાઉદપુર જિલ્લામાં 5700 લોકોનું સ્થળાંતર
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં 22 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમા પાણી ભરાયા હતાં. જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીમાં ફેરવાઇ ગઈ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે સુકીભઠ્ઠ જિલ્લાની ઓરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ છે. જયારે માર્ગો તુટી જવાના કારણે વ્યવહાર બંધ થયો હતો.ભારે વરસાદનાં પગલે પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે 369 લોકોને રેસ્ક્યૂ કરવામં આવ્યા છે. વડોદરાથી ફાયર બ્રિગેડની 2 ટીમ બોડેલી પહોંચી ગઈ છે. આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ અતિ ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોટાપાયે નુકસાન થયું છે.

Most Popular

To Top