Columns

સુરતની જાહોજલાલી એવી કે ચોર્યાસી દેશના વહાણો અહીં આવી લાંગરતા

ગુજરાતના વિશાળ દરિયા કિનારાના ઇતિહાસમાં આધુનિક યુગ પહેલાં મધ્ય યુગમાં સુરતનું શહેરીકરણ એક અદ્વિતીય ઘટના લેખી શકાય. તાપી નદીને કિનારે આવેલા આ શહેરના ઉદય અને વિકાસમાં શરૂઆતમાં જો કોઇ પરિબળોએ ભાગ ભજવ્યો હોય તો કુદરતી પર્યાવરણ-Ecology, ભૂસ્તરીય રચના topography અને ભૌગોલિક સ્થાન Geographical condition. સુરત ખંભાત, માંડવી, મુદ્રા કે બીજા દરિયાકિનારે આવેલા બંદરો જેવું નથી. તાપી નદી સાતપૂડા પર્વતોમાંથી નીકળી મધ્ય પ્રદેશ, ખાનદેશ, વિદર્ભ, મહારાષ્ટ્રના પર્વતાળ ટેકરી અને ખીણોવાળા પ્રદેશો કાપતી સુરતના દક્ષિણ ગુજરાતના મેદાની ઇલાકામાં દાખલ થાય છે. સુરતના 90 માઇલના મેદાની પ્રદેશો કાપે છે.

તાપી નદી ઉત્તર ભારતમાં ગંગા, જમુનાની માફક દક્ષિણ ગુજરાતની જીવાદોરી- life line બને છે. મેદાનના પ્રદેશમાં કાંપ ઠલવાતા જમીન કાળી, અતિશય ફળદ્રુપ બને છે. સુરતને ‘સોનાની મૂરત’ બનાવે છે. કાળી જમીન ખેતી માટે સોનાના ટુકડારૂપ પુરવાર થાય છે. અહીં કપાસ, તેલીબિયા, જુવાર, બાજરી, ઘઉં, ચોખા, શાકભાજી, ફળફળાદિ એટલા પ્રમાણમાં સૈકાઓથી થાય છે કે સુરત એ ગુજરાતનો ‘બગીચો’ અને ‘અનાજનો કોઠાર’ કહેવાય છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેતીનો માલ સુરત શહેરમાં ઠલવાય તેથી સુરત એ hinterland અગત્યનો પીઠ પ્રદેશ કહેવાયો. અહીં કુદરતી વરસાદની મહેર છે. 60’’ થી 70’’ વરસાદ પડે છે.

બારેમાસ બેય કાંઠે વહેતી તાપી નદી 470 માઇલની કુલ મુસાફરી કરે છે. સુરતની આસપાસના પ્રદેશમાં 90 માઇલનું અંતર કાપે છે. તાપી સુરતથી 6 માઇલ દૂર ડુમસ, આગળ ખંભાતના અખાત દ્વારા અરબી સમુદ્રને મળે છે. સુરતને મુખત્રિકોણનો પ્રદેશ બનાવે છે જેનો ઘેરાવો 32 માઇલ છે. અહીં તાપીના મોજાની ભરતી થાય છે તેથી સુરત કુદરતી બંદર ના હોવા છતાં 100 ટનના નાના વહાણો અને હોડકાઓ સુરતના કિનારાને સ્પર્શી શકે છે. આમ તાપી નદી હોવા છતાં સુરતને બંદરનો દરજ્જો બક્ષે છે. મધ્ય યુગમાં મુસ્લિમ સલ્તનતના સમયમાં સુરત ‘બંદર મુબારક’, ‘પશ્ચિમની બારી’ અને ‘મક્કા હજ’ કરવા અહીંથી જવું વધારે અનુકૂળ મુસલમાનોને રહેતું હોવાથી ‘મક્કાનો દરજ્જો’ પણ કહેવાતું.

આમ તો સમગ્ર ભારત મોસમી દેશ ગણાય. અહીં મોસમ પ્રમાણે પવનો ફૂંકાય છે. ઉનાળામાં મે, જૂન, જુલાઇ, ઓગસ્ટમાં દરિયા તરફથી પવન ફુંકાઇ વરસાદની ઋતુ બને છે. પરંતુ સપ્ટેમ્બરથી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જમીન તરફથી પવન ફુંકાય. સુરત ગુજરાતના પશ્ચિમ કિનારે અગત્યનું બંદર એટલા માટે બન્યું કે સપ્ટેમ્બર-ફેબ્રુઆરી અને માર્ચ સુધી દરિયા તરફ જતા જમીની પવનો વહાણોના શઢમાં પવન ભરાતા ખૂબ ઝડપથી હરીફરી શકે છે. પરિણામે 17મી સદીમાં સુરત શહેર ધમધમતું વેપારી મથક બન્યું. અહીં 84 દેશોના વાવટા ફરકતા.

અરબી સમુદ્રમાં સુરતની હાક વાગતી. ઉત્તર તરફ કચ્છનો અખાત, ખંભાતનો અખાત, બાજુમાં અરબી સમુદ્ર, પશ્ચિમે ઇરાનનો અખાત, રાતો સમુદ્ર અને દક્ષિણ બાજુ વિશાળ હિંદી મહાસાગર. આ કુદરતી Oceanic enclare સ્પર્શ કરતા અનેક littoral states આરબ, ઇજીપ્ત, યુથોપિયા, મસ્કત, એડન, આફ્રિકાનો પૂર્વ કિનારો આ આખો Oceanic enclare became conglomeration of cross cnltural aecumulation. સુરતની સમૃધ્ધિમાં આ કુદરતી પરિબળોએ અદ્‌ભૂત ભાગ ભજવ્યો. આજે પણ આ જ પરિબળો અસ્તિત્વ ધરાવે છે. સુરત 17મી સદીમાં સાંસ્કૃતિક શહેર તરીકે પણ તેની ઓળખ જન્માવી શકયું.

સુરત, મધ્ય યુગમાં અમદાવાદની માફકના તો પ્રાન્તીય રાજધાની કે સત્તાનું કેન્દ્ર હતું ન’તો ફત્તેહપુરીસિક્રી કે આગ્રા જેવી કેન્દ્રીય સરકારની સત્તાનું કેન્દ્ર હતું. સુરતના નામ વિષે અનેક દંતકથાઓ છે. સામાન્ય રીતે કહેવાય છે કે સૂર્યપુર તરીકે ઓળખાતું. 10 થી 13મી સદી દરમિયાન ગુજરાતના ચાલુકય રાજાઓના કબજામાં હતું. 1407-1573 સુધી ગુજરાત મુસ્લિમ સુલતાનો હસ્તક રહ્યું. 1573માં અકબરે સુરતને જીત્યું. સ્થાયી મજબૂત રાજકિય સત્તા મળતા સુરતનો વિકાસ 17મી સદી શહેરીકરણ શરૂ થતા ચરમસીમાએ પહોંચ્યો. કહેવાય છે કે 16મી સદીની શરૂઆતમાં રાંદેરના ગવર્નર ગોપી મલિકે સુરતને વેપારી મથક બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો. તે પોતે વડનગર નાગર સુરતની સામે આવેલું તાપી નદીના કિનારે રાંદેરનો તે સૃધ્ધ વેપારી હતો. ગોપીપુરા અહીં વસાવ્યું. ગોપી તળાવ વિશાળ ઘેરાવાવાળુ બનાવ્યું. જો કે 1668માં તે સૂકાઇ ગયું.

સુરતની શરૂઆતની વસ્તી આદિવાસી હતી. તાપી નદીની આસપાસ આવેલા સુરત જિલ્લાના મેદાનોમાં ઠલવાયેલી કાંપની કાળી જમીને ખેતીવાડી માટે આદિમ જાતિના જૂથોને અહીં વસવાટ માટે ઉત્તમ તક આપી. આદિવાસીને માટે જીવાદોરી સમાન આ નદી હતી. ધોડિયા, ભીલ, દૂબળા, નાયકડા, ચૌધરા વગેરે અનેક જૂના આદિવાસીઓ વસ્યા. આજે પણ દક્ષિણ ગુજરાતની વસ્તીના 60 ટકા આદિવાસીઓ છે. પ્રાણીઓ અને પશુ પક્ષીઓને પણ તાપી નદીએ પર્યાવરણ ecology પૂરી પાડી. ગોપી મલિકના સમયમાં સુરતમાં વેપારીઓ જૈનો, ગરાસિયા, મુસલિમો, શરાફો, નાણાવટનો ધંધો કરનારા, દલાલો વગેરે આવીને વસ્યા. સુરતના વિકાસમાં 16મી સદીમાં મહાન અવરોધક બળ તરીકે ફિરંગીઓ- પોર્ટુગીઝ સત્તા રહી. તેઓએ 1536 સુધીમાં ગુજરાતના પશ્ચિમ કિનારે દિવ, દમણ, ગોવા જીતી લીધા. વેપાર કબજે કરવા ચાંચિયાગીરી, લૂંટફાટનો આશરો લેતાં.

સુરતને વેપારી મથક તરીકે ઉપજાવવામાં આંતરિક અને બાહ્ય પરિબળો
સુરતનું મહત્વ વધારવામાં તેની આસપાસના વેપારી મથકો હતા જે સૈકાઓથી કાર્યરત હતા. સુરતના સામેના કિનારે રાંદેર સૈકાઓથી જૈનો અને પછીથી આરબ વેપારીઓએ વેપારી મથક તરીકે વિકસાવ્યું હતું. ઇ.સ.પૂ. 4 થી 5 સદીથી તેના ઉલ્લેખો મળે છે. પરંતુ 13મી સદીમાં રાંદેર ઉપર આરબો જૈનોને હઠાવી વર્ચસ્વ સ્થાપી શકયા. તેઓએ રાંદેરને ખૂબ સમૃધ્ધ અને ધનાઢય નગર બનાવ્યું. ધીમે ધીમે પોર્ટુગીઝ, ડચ, આર્મેનિયન વેપારીઓએ પણ વસવાટ શરૂ કર્યો. પોર્ટુગિઝોની લૂંટફાટ, યુધ્ધ અને આગ લગાડતાં 1530માં રાંદેર પડી ભાંગ્યું અને સુરતને ઉત્થાનમાં ઘણું Feed back મળ્યું. કારણ કે શરૂઆતમાં વેપારીનું હબ બનાવવામાં રાંદેરનો ફાળો નાનોસૂનો હતો.

સુરતથી 15 કિલોમીટર દૂર ઓલપાડ તાલુકામાં આવેલા સુંવાલી બંદરે સુરતને જબરજસ્ત ટેકારૂપ વેપારી માળખું પૂરૂં પાડયું. સુરતના બારાના સાંકડા પ્રદેશમાં કાંપને લીધે મોટા વહાણો જતા નહિં. પરિણામે સ્વાલી મેરાઇન કે swally hole તરીકે જાણીતા બંદરે મોટા જહાજો છેવટ સુધી આવતા. અહીં, માલસામાન ઠલવાતો અને નાના હોડકા બોટ અને વહાણો દ્વારા સુરતના કાંઠે માલ પહોંચાડાતો. સુરતના આ દૃશ્યને સર ટોમસ રો અંગ્રેજ એલચી 1618માં નોંધે છે કે ‘વહાણોની અવરજવર આમને સામને એટલા મોટા પ્રમાણમાં રહેતી જાણે કે યુધ્ધના મેદાનમાં સામસામી પક્ષે તીર છૂટતા હોય’. સુંવાળી બંદર સુરતના ઉપગ્રહરૂપ બની રહ્યો. મોસમી પવનોમાં સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન જેવા વિદેશી જહાજો સુરત બંદરે આવતા કે સુરતના વાણિયા, જૈન, ડચ, ફ્રેન્ચ, આરબ, અંગ્રેજ વેપારીઓ તંબુ તાણી તેમના ડેરા નાંખતા. અહીં પારસીઓએ જહાજનું સમારકામ પણ વિકસાવ્યું હતું.

સુરતને અડકીને આવેલું માછીવાડાએ પણ સુરતની જાહોજલાલીમાં ઉમેરણી કરી. આરબ સોદાગરોએ આ સ્થળને વિકસાવ્યું હતું. પાસે જ જહાજીવાડામાં વહાણોનું બાંધકામ થતું અને સમારકામ પણ અંગ્રેજોનું Falcan વહાણ અહીં સમારાયું હતું. માછીવાડા દરિયાઇ ચાંચિયાને ડામવાનું મોટું મથક હતું. આરબો ફિરંગી, ડચ, અંગ્રેજ, ચાંચિયાઓને અહીં પૂરી દેતા. કહેવાય છે કે મહમદ બેગડાનો કુશળ નૌકા સેનાપતિ મલિક આયાઝ જીવ્યો ત્યાં સુધી પોર્ટુગીઝોને અરબી સમુદ્રમાં ફાવટ અનુભવી ના હતી. 1521માં તે મૃત્યુ પામ્યો.

Objectire Condition
સુરતના વિકાસમાં અગત્યની ભૂમિકા બાહ્ય પરિસ્થિતિએ ભજવી મધ્ય એશિયાના વિસ્તારોમાં મહાન સામ્રાજયના ઉદય વિકાસ રાજકીય સ્થિરતા થતા ઇરાનનો અખાત, રાતા સમુદ્ર, અરબી સમુદ્રની આસપાસ આવેલાં રાજયોમાં વેપાર વાણિજય અદ્‌ભૂત વિકસ્યા. 16મી સદીની શરૂઆતમાં સફાવીદ સામ્રાજયે ઇરાક, ઇરાન, સિરીયાના રાજયોમાં સ્થિરતા સ્થાપી. તૂર્કી ઓટોમન સામ્રાજયે ગ્રીસથી માંડી આરબ રાજયો યેમેન,મોચા, એડન, ઇજીપ્ત, લિબિયા, યુથોપિયા સુધી રાજકિય સ્થિરતા અને સમૃધ્ધિ ઉભી કરી. હિંદમાં અફઘાનિસ્તાનથી માંડી બીજાપુર ગોવળકોંડા સુધી મજબૂત મુધલ સામ્રાજય વિકસ્યું.
(સુરતની જાહોજલાલી અને વેપારની વાતો હવે પછી…)
– શિરીન મહેતા

Most Popular

To Top