Columns

ગાયનું ધાર્મિક નહીં પણ આર્થિક મહત્ત્વ વધુ છે

ભારતમાં ગોહત્યા અને ગોમાંસનો વિવાદ ખોટી દિશામાં ફંટાઇ ગયો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદે કતલખાનાં બંધ કરાવ્યાં તેને ખોટી રીતે ધાર્મિક વિવાદનું સ્વરૂપ અપાઇ રહ્યું છે. હિન્દુ સંગઠનો એવી દલીલ કરી રહ્યા છે કે ગાય માતા છે, ગાયનાં પૂંછડાંમાં ૩૩ કરોડ દેવી-દેવતાનો વાસ છે માટે ગાયની હત્યા કરનારને દેહાંતદંડની સજા કરવી જોઇએ. મુસ્લિમ સંગઠનો એવી દલીલ કરી રહ્યા છે કે ગોમાંસ ખાવું તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. જો માત્ર ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તો બંને ભીંત ભૂલી રહ્યા છે. રામાયણ, મહાભારત અને વેદોમાં ઠેકઠેકાણે હિન્દુઓ ગોમાંસ ખાતા હોવાનો ઉલ્લેખ આવે છે. વળી ઇસ્લામમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે મુસ્લિમોએ ગોમાંસ ખાવું જોઇએ. ઇસ્લામનો જ્યાં જન્મ થયો ત્યાં ગાયો જ નહોતી માટે ગોમાંસ બાબતમાં બંને પક્ષની ધાર્મિક લાગણીઓ ભૂલભરેલી છે.

ભારતમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે તેનું એકમાત્ર કારણ એ છે કે ગાય ભારતના કૃષિપ્રધાન અર્થતંત્રની કરોડરજ્જુ છે. ગોહત્યાને કારણે આજે કિસાનો આપઘાત કરી રહ્યા છે. દેશના ગ્રામીણ અર્થતંત્રનો જો ઉદ્ધાર કરવો હોય તો દેશભરમાં ગોવંશની હત્યા પર કડક પ્રતિબંધ મૂકવો જોઇએ. આપણા દેશના અર્થતંત્રના કેન્દ્રમાં જ્યાં સુધી ગોવંશ હતો ત્યાં સુધી ગરીબી, બેકારી, અપોષણ, બીમારીઓ વગેરેનું નામોનિશાન જોવા મળતું નહોતું. દેશમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી અને સમૃદ્ધિની છોળો ઊડતી હતી. બ્રિટિશ રાજમાં ગોવંશની કતલ શરૂ કરવામાં આવી તેને કારણે જગતનો તાત કિસાન લાચાર બન્યો છે અને ગામડાંઓ ભાંગી રહ્યાં છે.

મહાભારતમાં લખ્યું છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ગાય જે છાણ આપતી હતી તેના વડે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા અને લક્ષ્મીજી રળતા હતા. જમીન ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાયનું અને બળદનું છાણ ખેડૂતોને તદ્દન મફતમાં મળતું હતું. આ છાણને સૂકવીને તેનો રસોઇ કરવા માટે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે લોકોને બળતણ પણ મફતમાં મળતું હતું. છાણાં બાળીને જે રાખ મળે તેનો ઉપયોગ ઘરમાં વાસણ સાફ કરવા માટે કરવામાં આવતો હતો. ગામડાંના લોકોને પોતાનું ઘર બનાવવું હોય તો ગોબર અને તળાવની માટીનું મિશ્રણ કરીને તેઓ મફતમાં ગારમાટીનાં ઘરો બનાવી લેતા હતા.

ગાય દૂધ આપતી હતી. તેના વડે ઘરના આબાલવૃદ્ધને પોષણ મળતું હતું માટે દેશમાં કુપોષણ કોને કહેવાય તેની કોઇને ખબર પણ નહોતી. ઘેર ઘેર દૂઝણાં હતાં. દૂધ વેચવામાં પાપ માનવામાં આવતું હતું. જે ઘરે દૂઝણી ગાય ન હોય તેને પાડોશી પોતાની ગાયનું દૂધ મફતમાં આપતા હતા. ગાયનું દૂધ વધે તેનું દહીં જમાવવામાં આવતું હતું અને વલોણું કરવામાં આવતું હતું. વલોણામાં જે માખણ નીકળે તેનું ઘી બનાવીને સંઘરી રાખવામાં આવતું હતું અથવા બજારમાં વેચી દેવામાં આવતું હતું. આ શુદ્ધ ઘી અન્નાહારીઓ માટે પોષણનું ઉત્તમ સાધન હતું. વલોણાની છાશ ગરીબોને મફતમાં મળતી હતી.

ભારતમાં મોગલોના કાળમાં બિલકુલ ગોહત્યા થતી નહોતી તેનું કારણ પણ ધાર્મિક કરતાં આર્થિક વધુ હતું. ભારતમાં ગોવંશની કતલનો પ્રારંભ ઇ.સ. 1857ની સાલમાં વિપ્લવ પછી અંગ્રેજ સલ્તનત દ્વારા કરવામાં આવ્યો હતો. ભારતમાં જે અંગ્રેજ લશ્કર અડ્ડો જમાવીને બેઠું હતું તેનું પેટ ભરવા માટે મોટા પાયે ગાયોની હત્યા શરૂ કરવામાં આવી. આ કામ મુસ્લિમોની કુરેશી કોમને સોંપવામાં આવ્યું, જેઓ પહેલા કદી ગોહત્યા કરતા નહોતા. યુરોપમાં ચામડાનો જે ઉદ્યોગ વિકસી રહ્યો હતો તેને કાચો માલ પૂરો પાડવા માટે પણ ભારતમાં મોટા પાયે ગોહત્યા કરવામાં આવતી હતી.

ભારતમાં ઇ.સ. 1960ના દાયકામાં જે હરિયાળી ક્રાંતિનો પ્રચાર કરવામાં આવ્યો તે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સંકર બિયારણ અને ટ્રેક્ટર જેવાં યંત્રો બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો વેપાર વધારવા માટે જ કરવામાં આવ્યો હતો. છાણિયું ખાતર ખેડૂતોને તદ્દન મફત મળતું હતું પણ રાસાયણિક ખાતર ખરીદવા ખેડૂતો દેવાદાર થવા લાગ્યા. દેશી બિયારણ ખેડૂતો જાતે બનાવી લેતા હતા પણ સંકર બિયારણ તેમણે બજારમાંથી ખરીદવું પડતું હતું. રાસાયણિક ખાતર અને સંકર બિયારણ વાપરવાને કારણે પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોવાથી જંતુનાશક દવાઓની જરૂર પડવા લાગી. જંતુનાશકો ખોરાકમાં જવાને કારણે લોકોને કેન્સર અને હાર્ટએટેક જેવા રોગો થવા લાગ્યા.

ખેડૂતો ગામના સુથાર પાસે હળ બનાવડાવી લેતા હતા. હવે ટ્રેક્ટર ખરીદવા તેમણે દેવું કરવું પડે છે. ટ્રેક્ટર માટે ડિઝલનો પણ ખર્ચો કરવો પડે છે. પહેલાં કૂવામાંથી પાણી કાઢવા માટે બળદસંચાલિત કોસનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તે માટે વીજળીનું બિલ ભરવું પડે છે અથવા ડિઝલનો ખર્ચો કરવો પડે છે. પહેલાં બળતણ માટે છાણાં મફતમાં મળતાં હતાં; હવે લાકડું, કેરોસીન કે રાંધણ ગેસનો ખર્ચો કરવો પડે છે. આ બધા જ ખર્ચાઓને કારણે દેશના કરોડો કિસાનો દેવામાં ડૂબી ગયા છે.

આપણા દેશમાં જે બેકારી જોવા મળે છે તેના મૂળમાં પણ ગોવંશની હત્યા છે. ગામડાંના કરોડો ભૂમિહીન લોકો માટે ગોવંશ રોજગારીનું સાધન હતું. ગોવંશ મીની ફર્ટિલાઇઝર ફેક્ટરી છે, મીની ગોબર ગેસ પ્લાન્ટ છે, મીની ડેરી છે, મીની ટ્રાન્સપોર્ટ વેહિકલ છે, મીની સિમેન્ટ ફેક્ટરી છે, મીની હોસ્પિટલ છે, મીની ડિઝલ પમ્પ છે, મીની ટ્રેક્ટર છે અને મીની ફાર્મસી પણ છે. જો દેશમાં ગોહત્યા પર પ્રતિબંધ મૂકવામાં આવે તો ગોવંશ આજે પણ કરોડો લોકોને રોજી આપી શકે તેમ છે.

Most Popular

To Top