Charchapatra

મોતની કિંમત

ઈરાનના હુમલાને નિષ્ફળ કરવામાં ઇઝરાયેલને એક જ દિવસમાં 8,000 કરોડનો ખર્ચ થયો. તેની એક જ મિસાઈલ 25 કરોડની હતી. વિચાર કરો: દુનિયામાં જીવ બચાવવા અને જીવ લેવા પાછળ કેટલો ખર્ચો થાય છે? માની લીધેલી વિચારધારાના રક્ષણ કે વિનાશ માટે આત્યંતિક બની સત્તાવાર કે બિનસત્તાવાર રીતે મોતની મજલીસ જમાવનારાઓ ક્યારેય આ વિચાર કરે છે ખરા? આજનો માનવી જે રીતે લોહીતરસ્યો થાય છે તે 21મી સદીમાં વાજબી ઠેરવી શકાય? સર્જનહારની કલ્પના કર્યા પછી પોતાની માન્યતા સાચી છે એવી પ્રાણઘાતક જીદ માનવીએ ક્યારથી શરૂ કરી?

સર્જનહારની પોતાની માન્યતા માટે બીજાની જિંદગીનું વિસર્જન કરનાર માનવી સિવાય બીજું કોઈ પ્રાણી છે? સર્જનહાર છે તો તે બીજાના વિસર્જનની પ્રેરણા કેવી રીતે આપી શકે? નામ – રૂપ અલગ હોઈ શકે, પણ દરેક ધર્મમાં વાત તો એક જ   ઈશ્વરની છે ,એમાં કયો ભગવાન મોટો  એવો વિવાદ કેવી રીતે આવી શકે? દુનિયાના રક્તસ્નાનના ઘણા બનાવો જુઓ તો તેમાં આ વિવાદ રહેલો છે. સત્તા કે સંપત્તિ આ વિવાદની આડપેદાશ છે. 21મી સદીમાં આ ભૂતકાળની બાબત બની જવી જોઈએ.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોલેજકાળનાં સંસ્મરણો
નજીકના ભૂતકાળમાં પી. ટી. સાયન્સ કોલેજના બાયોલોજી વિષયનાં પ્રાધ્યાપિકા નલિનીબહેન જોગળેકરનું અવસાન થયું. તેમના વિશે એક ચર્ચાપત્ર પણ આવી ગયું છે. પરંતુ આજે તેમની એક ખાસિયત વિશે વાત કરવી છે અને તે એ છે કે તેઓશ્રી ડાબા અને જમણા બંને હાથે લખી શકતા. જો જમણા હાથે લખવાનું ચાલુ કર્યું હોય તો બ્લેક બોર્ડ પર જેવી લીટી પૂરી થાય કે તરત બીજી લીટી ડાબે હાથે લખવાનું ચાલુ કરી દેતાં અને બન્ને હાથે અક્ષર એકસરખા જ નીકળતા. આવી ખાસિયત એમના સિવાય મેં તો અન્ય કોઇમાં જોઈ નથી.

તેમના અવસાન નિમિત્તે શોકવ્યથા પ્રકટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમની સાથે ,હું ભણતો હતો ત્યારના જાણીતા પ્રોફેસરો સર્વ શ્રી આર. એમ. દેસાઈ સાહેબ, શ્રી બી. જે. ભટ્ટ સાહેબ, શ્રી એન. એમ. ચિનાઈવાળા સાહેબ, શ્રી સોલંકી સાહેબ, શ્રી ડે સાહેબ, શ્રી ડેનિયલ સાહેબ, શ્રી ખેર સાહેબ, શ્રી આર. કે. મપારા સાહેબ, શ્રી પી. ડી. દેસાઈ સાહેબ, શ્રી હેમલતાબહેન કાજી મેડમ, ઉષાબહેન કાજી મેડમ, અંગ્રેજીના વિષય માટે શ્રી આર. એમ. જોશી સાહેબ અને પી. એમ. દેસાઈ વગેરે યાદ આવી ગયાં. સર પી. ટી. સાયન્સ કોલેજના તે સમયના પ્રોફેસરોનો પણ એક જમાનો હતો, દબદબો હતો અને એ અદ્ભુત સમય જીવનભર સાથે વણાઈ ગયેલો છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top