Charchapatra

દૂરદર્શનને દરવાજો દેખાડનાર કવિ સ્વ. નયન દેસાઈ

સુરતના કવિ નયન દેસાઈ સાથેના એક અવિસ્મરણીય પ્રસંગની અહીં વાત કરવી છે. બેંકમા નિવૃત્તિ બાદ ગઝલ શીખવામાં સૌથી પહેલો એકડો ઘુંટાવવાનું કામ એમણે મારા માટે કર્યું. પછી અમે મિત્ર બની ગયા.આટલી ઉંમરે હું કેટલું ગ્રહણ કરી શકયો એની મને ખબર નથી. પણ એમણે મને હાસ્ય વ્યંગમાં વધુ કામ કરવા કહ્યું .પણ .મારે એમાં નથી પડવું . મૂળ પ્રસંગની જ વાત કરું.રાત અગિયાર વાગે એમનાં પત્નીનો ફોન આવ્યો.

નયનભાઈ સાથે અમદાવાદ સવારે ગુજરાત કવીનમાં જવાનું છે.સવારથી જ એક સામાજિક પ્રસંગમાં ખૂબ થાકી માંડ પથારી ભેગો થયેલ.એટલે ના પાડી. પણ દસ મિનિટમાં ફરી રીંગ વાગી.તમારી ટીકીટ આવી ગઇ છે.એટલે હવે કેન્સલ નહિ થાય અને રિફંડ નહિ મળે. ટ્રેનમાં ઊંઘી જજો.મેં કમને હા પાડી .શા માટે અમદાવાદ ? મારી ટીકીટ ? જવા અંગે તો કોઇ વાત જ નહોતી.પછી એમણે ટ્રેનમાં કહ્યું કે દિવાળી નિમિત્તે હાસ્ય કવિ સંમેલન દૂરદર્શન પર છે અને સુરતના એક કવિ આવી શકે એમ નથી.તારે એક પણ રૂપિયો કાઢવાનો નથી.બસ, મને કંપની આપવા જ તને સાથે લીધો છે.

દૂર દર્શનના નિયામકે કહ્યું કે એક કવિ ઓછા છે તો શું કરવું ? પછી મારી તરફ ફરીને પૂછ્યું, કે આ ભાઈ કોણ છે ? નયનભાઈએ કહ્યું, આ તો મારા મોટા ભાઈ સમાન છે, એમની પાસેથી હું પણ ઘણું શીખ્યો છું.એ પણ સુરતમાં હાસ્ય વ્યંગની રચનાઓ રજૂ કરતા રહે છે.પછી નિયામકે મને પૂછયું કે,અહીં હાલ કશું તમારી પાસે છે?  સદ્ભાગ્યે થોડીક રચનાઓ પાકીટમાંથી નીકળી.છે તો સરસ.પણ આમાં અગાઉ રજિ. કરેલને જ અમે રજૂ કરી શકીએ અથવા કાર્યક્રમમાં વ્યકિતની ફેરબદલી માટે સરકારની પરવાનગી જોઈએ.મેં કહ્યું, હાલ તો હું એમને કંપની આપવા જ આવ્યો છું.માટે ચિંતા ના કરો.એમણે નયનભાઈને સ્ટુડિયોમાં મેઈકઅપ માટે કહ્યું, તો એમણે લાક્ષણિક અદામાં કહયું.સ્ટુડિયોમાં પછી,પહેલાં હોટલમાં .અમને તમારા આદર માનની નહિ.,

ખાવાની ખેવના હોય છે.સુરતથી ચાર વાગે નીકળ્યા છીએ.આટલું કહી નિયામકના જવાબની પરવા કર્યા વિના અમે હોટલ તરફ નીકળ્યા તો પટાવાળાએ બૂમ પાડી.મને કહે ચાલો સરકાર શ્રી તરફથી નાસ્તો હશે.અમે પાછા ફર્યા તો અમને બંનેને કહે, મેં આમને જ બોલાવ્યા છે.મેં દિલ્હીથી ટેલિફોનિક પરવાનગી લઈ લીધી છે.ભાઈ, તમે આ કોન્ટ્રાક્ટ પર સાઈન કરો અને હોલમાં ઓડીયન્સ સામેના સ્ટેજ પર બાર મિનિટ માટે બોલજો.મને તો જાણે બગાસું ખાતાં પતાસું મોં માં આવ્યું હોય એવી આનંદની લાગણી થઇ અને સરસ પુરસ્કારનો ચેક પણ ત્યાં જ આપી દીધો….આવા અનોખા મિજાજના, વિશાળ હ્રદયી કવિ નયનભાઈને આપણાં સૌનાં શ્રદ્ધા સુમન.
સુરત     – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top