Business

પક્ષ બદલવાની ફિલસૂફી

થોડા સમય પહેલાં એક અદાલતે પક્ષપલટાવિરોધી કાયદાનું ઉદાર અર્થઘટન કર્યું. ઉદારતા આમ તો સારો ગુણ છે પણ ડોક્ટર દર્દી પ્રત્યે ઉદાર થઈને તેના શરીર પર કાતર કે છરી ચલાવવાની ના પાડી દે તો દર્દી ઉકલી જાય. એવી જ રીતે, અદાલતી ઉદારતાથી પક્ષપલટાવિરોધી કાયદાનું રહ્યુંસહ્યું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે એવી બીક ઘણાને પેઠી છે. એવા નકારાત્મક વિચારો માટે પક્ષપલટાને અનિષ્ટ તરીકે જોવાની વૃત્તિ જવાબદાર છે. ‘પોઝિટિવ થિંકિંગ’થી જોતાં જણાશે કે પક્ષપલટો ખરેખર તો વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાના ગુણનું પ્રતીક છે. તે ખાસિયતને કારણે તો સજીવ પૃથ્વી પર ટક્યો, ઉત્ક્રાંતિ પામ્યો અને આખરે માણસ બન્યો. કોઈ તેને ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ કહે તો કોઈ પક્ષપલટો. એ તો નજર નજરનો ફેર છે.‘વસુધૈવ કુટુમ્બકમ્’ અને વિશ્વબંધુત્વના આદર્શ સેવતા આપણા મહાન રાષ્ટ્રમાં મોટે પાયે પક્ષપલટા ન થાય તો જ નવાઈ લાગવી જોઇએ. ખરેખર તો, તેની ચિંતા પણ થવી જોઇએ.

કવિઓ-લેખકો જેના માટે કલમ ઘસી ઘસીને મરી ગયા એવા એ મહાન આદર્શોને સાકાર કરવા માટે પક્ષપલટુઓ ભારે મહેનત કરે છે. જાવેદ અખ્તરે ‘પંછી, નદીયાં, પવનકે ઝોંકે, કોઇ સરહદ ના ઇન્હેં રોકે’ કહ્યું હતું. આ યાદીમાં પાટલીબદલુઓને સહેલાઈથી સામેલ કરી શકાય. તેમને પક્ષ, વિચારધારા, રૂઢિ જેવાં કોઈ બંધન નડતાં નથી. ખુદ પોતાનાં વચન-વલણનાં બંધનોને તે કાંચળી ઉતારતા સાપની માફક, ફગાવી શકે છે. દુનિયામાં મોટા ભાગની તકલીફો ‘અપુન બોલા વો ફાઇનલ’ એ અભિગમનું પરિણામ છે. પોતાનો કક્કો ખરો કરાવનારા દુનિયા વિશે કદી વિચારી શકતા નથી. રશિયન પ્રમુખ પુતિન તેનો તાજો દાખલો છે. બીજી તરફ, પક્ષપલટો કરનારા એવી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચી ચૂક્યા હોય છે કે પોતે કરેલી વાતને વળગી રહેવાનો દુરાગ્રહ તો શું, સદાગ્રહ પણ તે રાખતા નથી. સવારે એક પક્ષની ટીકા કર્યા પછી સાંજે એ જ પક્ષમાં જોડાવાનું આવે તો તેમને બિલકુલ ખચકાટ થતો નથી અને બીજી સવારે વળી જે પક્ષમાંથી આવ્યા હતા, ત્યાં જ પાછા જવાનું થાય તો? કશો વાંધો નહીં.

જીવ અને શિવને એકાકાર ગણતા પક્ષપલટુઓને બધા મનુષ્યોમાં ઇશ્વરનો અને બધા પક્ષોમાં સત્તાનો વાસ દેખાય છે. હરિના મારગની જેમ પક્ષપલટાનો પંથ શૂરાનો છે. કાયર-કાચાપોચા કે લોકનિંદાથી ડરનારા એ રસ્તે કદમ માંડી શકતા નથી. પોતાની હિંમતના અભાવને તે વફાદારી અને નિષ્ઠા જેવા રૂપાળા વાઘા પહેરાવીને દુનિયા સમક્ષ રજૂ કરે છે. પોતાનો અપરાધભાવ ઓછો કરવા, તે પાટલીબદલુઓના મનમાં અપરાધભાવ જગાડવાની કોશિશ કરે છે. પરંતુ ‘કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી’નો મિજાજ ધરાવતા પલટુઓ આવી જાળમાં ફસાતા નથી. પોતાના કર્તૃત્વ વિશે તે એટલા આશ્વસ્ત હોય છે કે હસતા મોંઢે ટીકા અને લોકનિંદા ખમી લે છે. લોકો ગમે તેટલા નિંદે કે હાંસી ઉડાવે, પક્ષપલટુઓ ‘બધા પક્ષો મારા છે ને હું બધા પક્ષોનો છું’ એવી વિશાળ સમદૃષ્ટિ છોડી દેતા નથી.

પક્ષપલટા કરનાર માટે ચુનંદા વિશેષણ વાપરવામાં આવે છે. કોઇ તેમને વારંવાર રંગ બદલતા કાચીંડા કહે છે, તો કોઇ તકસાધુ પાટલીબદલુ. ‘સમાજસુધારક’ કે ‘રાજકીય પરિવર્તનના મશાલચી’ તરીકે તેમની ઓળખ બહુ થોડા લોકો કરી શકે છે. સમજુ લોકો કહે છે કે બધા પક્ષ સરખા છે. તેમની વચ્ચે આદર્શોનો કે સિદ્ધાંતોનો કશો તફાવત રહ્યો નથી. આ વાત ચવાયેલી-ઘસાયેલી છે. છતાં, લોકો આ વાતને ભૂલી ન જાય તે સમાજહિતમાં અને લોકશાહીના હિતમાં જરૂરી છે. પક્ષપલટુઓ આ સચ્ચાઈને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમાજ સમક્ષ મૂકી આપે છે અને મોખરે રહીને નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

પક્ષપલટુઓ સમાજહિતમાં જ કોઈ પણ પક્ષની ટોપી કે ખેસ પહેરી લેવા તત્પર હોય છે. તે સવારે એક પક્ષમાં હોઈ શકે છે ને સાંજે બીજા પક્ષમાં. ગઈ ચૂંટણી એક પક્ષની ટિકિટ પરથી લડ્યા હોય તો આ ચૂંટણી બીજા પક્ષની ટિકિટ પરથી લડે છે. ચૂંટણી લડ્યા પછી પણ તે પક્ષ બદલી શકે છે. સામાન્ય લોકો આ ચેષ્ટાને તકવાદ, બેશરમી અને સિદ્ધાંતહીનતા ગણે છે. પણ આ રીતે પક્ષ બદલનારાનો સાંકેતિક સંદેશો બહુ સ્પષ્ટ હોય છે. તે બોલ્યા વગર, પોતાનાં પગલાંથી ગાઈવગાડીને કહે છે કે ‘જુઓ, જુઓ, હું કાલે ફલાણા પક્ષમાં હતો ને આજે ઢીકણા પક્ષમાં છું. છતાં, તેમણે મને ટિકિટ આપી દીધી છે. તમે જ વિચારો, આવા પક્ષો પર કેટલો વિશ્વાસ રખાય?’ પણ મોટા ભાગના લોકો આટલો ગહન સંદેશો પામી શકતા નથી અને પક્ષપલટુઓને ભાંડવામાં અટવાઈ જાય છે. પક્ષપલટુઓ માટે ‘પાટલીબદલુ’ કે ‘મિર્ઝાપુરી લોટા’ જેવા તુચ્છકારસૂચક શબ્દ વપરાય, તે લોકશાહીપ્રેમીઓ માટે શોભાસ્પદ નથી. જાતની પરવા કર્યા વિના કે પક્ષોના હાઇકમાન્ડોના આદેશ ગણકાર્યા વિના, કેવળ લોકશાહીની તંદુરસ્તીની ચિંતા કરનારા આ નેતાઓ હકીકતમાં વધારે માનના અધિકારી છે. છુપાઈને લડનારા માટે ‘શિખંડી’ જેવો શબ્દપ્રયોગ થાય છે તેમ યુદ્ધટાણે પક્ષપલટો કરનાર બહાદુરોને ‘વિભીષણ’ ન કહી શકાય? અને લોકશાહી જેવી મહાન ચીજ માટે પક્ષ જેવા પક્ષનો ત્યાગ કરનારા લોકોને થોડા સો કરોડ રૂપિયા મળે, તો પણ શું? લોકશાહી કરતાં કરોડો રૂપિયા કંઈ વધારે છે?

Most Popular

To Top