SURAT

‘ગુજરાતમિત્ર’નું ઇન્વેસ્ટિગેશન સાચું સાબિત થયું: હજીરાની બંધ ફેક્ટરીમાં ચોરી થાય જ છે

સુરત : હજીરા ખાતે બંધ પડેલી સિમેન્ટ કંપનીમાંથી ત્રણ ચોર ભંગાર ચોરી કરી લઈ જતી વખતે સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. હજીરા પોલીસ આવી જતા ચોર જંગલી બાવળામાં ભાગવા જતાં બે નાસી ગયા હતા. જ્યારે એકને પોલીસે પકડી પાડ્યો હતો. ‘ગુજરાતમિત્ર’ દ્વારા શરૂ કરાયેલા આ ઇન્વેસ્ટિગેશનમાં કરોડોની ચોરી જે કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તે સાચી ઠરી છે.

  • બંધ પડેલી કંપનીમાંથી ભંગાર ચોરી કરી લઈ જતા સિક્યોરિટીએ પોલીસને જાણ કરતા 3 પૈકી 1 ચોર પકડાયો
  • ચોરી કરાવવામાં ઇચ્છાપોર ડીસ્ટાફ શંકાના દાયરામાં હોવાની વાત
  • આ મામલે તપાસ કરાવાઇ તો ચોરો સાથે પોલીસની સાંઠગાંઠ બહાર આવવાની શક્યતા

વદરાજ સિમેન્ટને યુનિયન બેન્ક દ્વારા સીલ મારવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં દિવાલ કૂદીને કરોડોનો સ્ક્રેપ અત્યાર સુધી ચોરાઇ ગયો છે. આ ચોરી છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી હોવાની વિગતો પોલીસ બેડામાં ચર્ચાઇ રહી છે. તેમાં ઇચ્છાપોરના ડી સ્ટાફ મળેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન પ્રથમ તબક્કામાં હાલમાં વદરાજ સિમેન્ટ કંપનીને તાળા મારવામાં આવ્યા છે. તેમાંથી કરોડોના સ્ક્રેપની ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. આ ચોરી કરવાના ચક્કરમાં એક યુવાનનો જીવ ગયો હતો. અલબત પોલીસે આ મામલો છુપાવ્યો હોવાની વાત છે. કમિ. અજય તોમર તપાસ કરે તો ઇચ્છાપોર ડીસ્ટાફના જવાનોની મિલીભગત બહાર આવી શકે છે. આ આખા પ્રકરણમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ વાકેફ હોવા છતા આ ચોરી બેરોકટોક થઇ રહી હતી તે બાબત ગંભીર કહી શકાય તેમ છે.

હજીરા ખાતે વદરાજ સિમેન્ટ કંપનીની સિક્યુરિટી ઓફિસમાં રહેતા 24 વર્ષીય નારાયણસિંગ હિરાસિંગ ગૌડ આ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમના દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં સરદાર જીયારૂલ કુબ્બાત (ઉ.વ.23, રહે.ઉનપાટિયા, ભીંડીબજાર), સુજાન રાજમુનચી કલામ અને સમાદ ઉર્ફે મુન્ના રોકલ વિશ્વાસની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વદરાજ સિમેન્ટ કંપની ઘણા વર્ષથી બંધ પડેલી છે. નારાયણસિંગ કંપનીની અંદર પેટ્રલિંગમાં ગયા ત્યારે ત્રણ જણા અંદર ચોરી કરવા ગયાનું ધ્યાને આવ્યું હતું. તેણે પોલીસને જાણ કરતા હજીરા પોલીસના માણસો સાથે અંદર ગયા હતા. અંદર જઈ તેમને રોકવા જતા જંગલી બાવળોની જાળીઓમાં નાસવા લાગ્યા હતા. તે પૈકી એકને રોકીને નામ પુછતા સરદાર જીયારૂલ કુબ્બાત હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથે ચોરી કરવા આવનારના નામો જણાવ્યા હતા. ત્રણેય જણા થ્રી વ્હિલ ટેમ્પોમાં સામાન ચોરી કરી લઈ જતા હતા. તેમના ટેમ્પોમાં લોખંડના પાના, પેચિયા, છીણી, હથોડી, પિતળની ધાતુની મોટરની રિંગ, તુટેલી મોટર તથા ટેમ્પો મળીને કુલ 44 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીને પકડી બીજા બેને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Most Popular

To Top