Business

જિંદગી પ્રત્યેની ચાહના

એક કાલ્પનિક કથા છે. યમરાજના દરબારમાં પૃથ્વીલોક પરથી આયુષ્ય પૂર્ણ  થતાં ચાર વ્યક્તિઓને લાવવામાં આવી. તેમાં એક વેપારી માણસ, એક વૈજ્ઞાનિક, એક આધેડ વયની મહિલા અને એક યુવતી. આ ચારેયના મુખારવિંદ પર ભારે ગમગીની હતી. યમરાજે તેમની તરફ નજર કરી મલકાતા ચહેરે પૂછ્યું કે ‘‘તમે બધાં કેમ ઉદાસ છો? શું પૃથ્વી  ઉપર તમારી કોઈ મનગમતી વસ્તુઓ રહી ગઈ છે?’’ આ સાંભળીને વેપારી તરત જ બોલ્યો ‘‘હું મોટો અનાજ- કરિયાણાનો  વેપારી- વેપારમાં રાતદિવસ ખૂંપેલો, અનાજ સડી ન જાય તે માટે ખૂબ  કાળજી રાખું. એક નંબરનું અનાજ વેચું. મેં આખી જિંદગી અનાજ સાચવ્યું  પણ મારા ખુદનાં છોકરાંને ન સાચવ્યાં-તેઓ બગડી ગયાં, સમાજમાંથી દૂર  ફેંકાઈ ગયાં.’’

વિજ્ઞાનીએ ક્હ્યું- ‘‘હું બહુ મોટો વિજ્ઞાની છું, નાની ઉંમરથી જ મેં ખૂબ બધી  સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. માન-સન્માન મેળવ્યાં છે. દેશ-વિદેશમાં ફર્યો છું.  ખૂબ બધી ટ્રોફી અને એવોર્ડ મેળવ્યાં છે. અત્યારે તો હું મૃત્યુ પર વિજય  કેવી રીતે મેળવી શકાય તેના પર સંશોધન કરી રહ્યો હતો. આ બધી  ભાંજગડમાં મને મારાં સ્વજન, પરિવાર વિશે કાંઈ જ ખબર નથી.’’ આધેડ વયની મહિલાએ ખૂબ આક્રોશ સાથે પોતાનો અસંતોષ વ્યક્ત કરતાં  કહ્યું કે- ‘‘હું સાવ જ મધ્યમ વર્ગની છું.

ઘરમાં પાંચ બાળકની માતા છું. મારો  જીવનવ્યવહાર બરાબર ચાલી શકતો નહોતો. મને નોકર-ચાકર, ગાડી બંગલા બધું જોઈતું હતું તે ન મળતાં મારી જિંદગી નીરસ હતી.’’ છેલ્લે એક  યુવતીનો વારો આવ્યો તો એ જોરથી જોરથી રડવા લાગી ફરિયાદ કરતી  બોલી કે- ‘‘મને તો રોજ રોજ મરી જવાના જ વિચાર આવતા હતા, પોતે  દેખાવમાં કુરૂપ હોવાથી કોઈ તેની સામે જોવા કે તેની સાથે સંબંધ રાખવા  પણ તૈયાર નહોતું. ઘરમાં કે બહાર તેને તિરસ્કાર જ મળતો હતો, કોઈનો  પ્રેમ તેને મળતો નહીં, સારું થયું તમે મને અહીં બોલાવી લીધી તો!’’

આ ચારે જણાની મનોભાવના જાણ્યા પછી યમરાજે તેમને કહ્યું- ‘‘તમને આ  પૃથ્વીલોક પર અમૂલ્ય એવી માનવ જિંદગી મળી. તમને સૌને તમારી  લાયકાત મુજબ બધું જ પ્રાપ્ત થયું તેમ છતાં ધન, સંપત્તિ-કીર્તિ, સુંદરતા,  નામના વગેરેમાં તમે એવા મોહી પડ્યા કે તમે તમારી જિંદગીને પ્રેમ  કરવાનો વિચાર જ ન કર્યો. ટેન્શન અને ડિપ્રેશનમાં જીવન જીવી રહ્યા અને જિંદગીનો સાચો  આનંદ માણી ન શક્યા.

જગતને પામવાની, જાણવાની ઘેલછામાં ઘણી વાર પોતાની જિંદગીને ચાહવાનું જ બાજુ પર રહી જાય છે. બહાર વિસ્તરવાના નાદમાં ભીતરનો વિકાસ ભુલાઈ જાય છે. ભીતરમાં પીડા કણસતી રહે છે. એક યુવક એક યુવતીને ચાહતો હતો. યુવતી સામાન્ય ઘરની હતી. યુવક  પણ સામાન્ય ઘરનો હતો. બંનેના લગ્નમાં કોઈ મુશ્કેલી નહોતી. બંનેનાં  માતાપિતા પણ સંમત હતાં પરંતુ યુવાનના મનમાં ખૂબ જ આગળ  વધવાની મહેચ્છાઓ હતી. ધન અને કીર્તિ એક સામાન્ય ઘરના સંતાન માટે  એ મુશ્કેલ હતું. અચાનક એમની જ જ્ઞાતિના ખૂબ જ શ્રીમંત ઘરની પુત્રીનું  માંગું આવ્યું. યુવાનના મનમાં પડેલી મહેચ્છાઓ સળવળી ઊઠી. એ બધું જ  ભૂલી ગયો, પેલી પ્રેમિકાનો પ્રેમ પણ ભૂલી ગયો તેને તરછોડીને એણે  લગ્ન માટે શ્રીમંત ઘરની પુત્રીને હા પાડી દીધી.

આ લગ્નને કારણે એને ખૂબ પૈસા મળ્યા. જિંદગીમાં ખૂબ એશો-આરામ  મળ્યા પણ પત્નીનું સુખ ન મળ્યું. જિંદગીની જે ચાહત હતી તે વિસરીને  તેની ખરી પત્ની સાથે સુખ માણી જ ન શક્યો. પત્ની સાથે ક્યારેય મનમેળ થયો નહીં. જીવતો હતો પણ જીવનરસ ન હતો. આમ આપણે સંસારમાં જોઈએ તો પ્રત્યેક માનવીની દૃષ્ટિ ભૌતિક પદાર્થો  પર જ  ટકેલી છે. જીવનનું ધ્યેય પ્રતિષ્ઠા, ધનદોલત વગેરે પ્રાપ્ત કરવાનું  એક માધ્યમ બની રહે છે. માણસને બધું જ બાહ્ય રીતે ગમે છે. ભોગવિલાસમાં રચ્યાંપચ્યાં રહી આનંદ માણી શકે છે પરંતુ આ બધાની વચ્ચે  સ્વને ભૂલી જાય છે. તેને યાદ આવતું નથી કે મારી ભીતર પણ મારી પોતાની એટલે કે ‘સ્વ’ની એક અલગ જિંદગી છે. પોતાની જિંદગીને પોતે  જ કેમ ચાહતો નથી? માણસ પાસે બધું જ છે, સરસ મજાનું ઘર છે, ખોબામાં સમાઈ જાય એવું નાનું અમથું કુટુંબ છે પરંતુ એને ચાહવાનો સમય ક્યાં છે? પત્નીને સગવડ બધી જોઈએ છે પણ પતિની પૈસા પાછળની દોટ એને ગમતી નથી. આખો  દિવસ ઘરની બહાર તો અમારું શું?

પોતાના કરતાં બીજા કેમ વધારે સુખી? તેને જીવનમાં અભાવ જ વર્તાય છે તેથી જીવન નીરસ બને છે, જે માણસો પોતાની જિંદગીને પ્રેમ કરી શકતા  નથી, પોતાની જિંદગીને ચાહી શકતા નથી, તેઓ બીજાને પણ પ્રેમ કરી  શકતાં નથી. દંભી બનીને સામેની વ્યક્તિને પોતાના પ્રિયજન છે તેવો  અહેસાસ કરાવવા ‘આઈ લવ યુ’ બોલનારની સંખ્યા સમાજમાં ઘણી છે  પણ જે પોતાની જાતને પ્રેમ કરે છે તેની પાસે એક સુંદર કળા છે, પ્રેમ આપે છે અને પ્રેમ મેળવે છે. આવા માણસોની ભાવનામાં મીઠાશ,  સ્વભાવમાં સુવાસ, પ્રેમનો અહેસાસ હોય છે. ત્યારે જ તેમનું જીવન અને  જિંદગી બંને સુંદર બને છે. બીજાનાં આંસુ લૂછતાં જેને આવડે છે તે  ચિત્તની પ્રસન્નતા મેળવી શકે છે. આ જ તો છે જીવનનો વૈભવ જેના દ્વારા તેની જિંદગી નંદનવન બની જાય છે.

તો વાચકમિત્રો! ખુદને ચાહો તો ખુદા પણ હાથવેંતમાં છે. ભૌતિક પદાર્થો કરતાં પણ જિંદગી પ્રત્યેની ચાહના રાખો કારણ જ્યાં છે માત્ર  પ્રેમ-પ્રેમ-પ્રેમ…..! જિંદગી ખૂબસૂરત ગિફ્ટ છે. જીવન છે સમસ્યાઓ તો આવવાની જ. ભગવાને  જીવન અને મૃત્યુ બંને આપ્યાં છે. જિંદગીને વહાલી બનાવવી છે કે મૃત્યુને વહાલું બનાવવું છે? નિર્ણય આપણે કરવાનો છે. આ માટે જરૂર  છે સાચી  સમજણની. આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પણ આપણી જિંદગીને ભરપૂર ચાહીએ. જિંદગી ખૂબ જ મજાની છે, જો તમને જીવતાં આવડે  તો….!

  • સુવર્ણરજ
  • ફૂલોંકી તરહ મુસ્કુરાતે રહો
  • સિતારોંકી તરહ, ઝગમગાતે રહો,
  • જિંદગી કો ચાહતે રહો,
  • સબકો પ્રેમ કરતે રહો…!

Most Popular

To Top