Comments

સેમિકન્ડક્ટરની માંગ ઘટી રહી છે જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે

ઉત્તર એશિયાના હાઇ-ટેક નિકાસકારો દ્વારા સેમિકન્ડક્ટરની ઘટતી માંગ અંગે ચિંતા વ્યક્ત કરાઇ છે જે આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે ખતરાની ઘંટી છે. દક્ષિણ કોરિયાની મોટી કંપનીઓ સેમસંગ અને એસકે હાઇનિક્સે રોકાણના ખર્ચ અંગે પુનર્વિચારણાનો સંકેત આપ્યો છે. પૂર્વ ચીની સમુદ્રમાં વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ચિપમેકર તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીએ પણ આવી જ અપેક્ષા દર્શાવી છે.

યુક્રેન પર રશિયાના યુદ્ધ અને વધતા વ્યાજ દરોને કારણે તકનીકી માંગ ઘટી રહી છે. કોરિયાની નિકાસ લાંબા સમયથી વૈશ્વિક વેપારના બેરોમીટર તરીકે ગણાય છે. તાજેતરમાં મુખ્ય ચિપ ઉત્પાદકો માઇક્રોન ટેક્નોલોજી, એનવીડિયા કોર્પ., ઇન્ટેલ કોર્પોરેશન અને એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસીસે નબળી નિકાસની ચેતવણી આપી છે. ગાર્ટનર ઇન્ક. દ્વારા સૌથી મોટા તેજી ચક્રમાંના એકના અચાનક અંતની આગાહી કરવામાં આવી છે. રિસર્ચ ફર્મે ૨૦૨૨માં તેની આવક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને માત્ર ૭.૪ ટકા કર્યો છે જે ત્રણ મહિના અગાઉ ૧૪ ટકા જોવા મળ્યો હતો. ગાર્ટનર ૨૦૨૩માં તે વધુ ઘટીને ૨.૫ ટકા અંદાજે છે.

મેમરી ચિપ્સ વૈશ્વિક આર્થિક કામગીરી માટે ૫૦૦ બિલિયન ડોલરના સેમિકન્ડક્ટર માર્કેટમાં સૌથી વધુ મહત્વપૂર્ણ સેગમેન્ટ્સમાંની એક છે. સેમસંગ અને એસકે હાઇનિક્સની ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) – એક ચિપ કે જે ડેટાના બિટ્સ ધરાવે છે તેનું વેચાણ કોરિયન વેપારની મુખ્ય વસ્તુ છે. અત્યારે પુરવઠા કરતાં માંગ નબળી છે. ટેક સંશોધક ટ્રેન્ડફોર્સ કોર્પ કહે છે કે આગામી વરસે DRAMની માંગ માત્ર ૮.૩ ટકા વધવાની સંભાવના છે, જે અત્યાર સુધીની સૌથી નબળી વૃદ્ધિ છે, જ્યારે પુરવઠામાં ૧૪.૧ ટકાની વૃદ્ધિ થશે. બીટ વૃદ્ધિ એ ઉત્પાદિત મેમરીની માત્રાનો સંદર્ભ આપે છે અને વૈશ્વિક બજારની માંગ માટે મુખ્ય બેરોમીટર તરીકે વપરાય છે.

જ્યારે માંગ બીટ વૃદ્ધિના પુરવઠા કરતાં વધી જાય ત્યારે સાઉથ કોરિયાની નિકાસને પ્રોત્સાહન મળે છે. પરંતુ આવતા વરસે માંગ કરતાં લગભગ બમણી ઝડપે પુરવઠો વધવાની સંભાવના હોવાથી નિકાસમાં મોટો ઘટાડો આવી શકે છે. અત્યારથી જ વેપાર ઘટાડાના સંકેત મળી રહ્યા છે. કોરિયાની ટેક્નોલોજી નિકાસ બે વર્ષમાં પ્રથમ વખત જુલાઈમાં ઘટી હતી, જેમાં મેમરી ચિપ્સમાં ઘટાડાએ મુખ્ય ભાગ ભજવ્યો. સેમિકન્ડક્ટર ઇન્વેન્ટરીઝ જૂનમાં છ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ ભરાઈ હતી. વિશ્વની સૌથી મોટી મેમરી-ચિપ ઉત્પાદક અને કોરિયાની વેપાર-નિર્ભર અર્થવ્યવસ્થાની ચાવી એવી સેમસંગ કંપનીને આની સૌથી વધુ અસર થશે. સેમસંગ અને એસકે હાઇનિક્સ વૈશ્વિક મેમરી માર્કેટના લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. મેમરી મોબાઈલમાં વપરાતી ચિપ્સથી માંડી ગ્રાફિક્સ કાર્ડ જેનો ઉપયોગ ગેમ્સથી લઈને ક્રિપ્ટો માઇનિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની દરેક બાબતમાં વપરાય છે. તાજેતરના વર્ષોમાં મેમરીની માંગમાં ઘટાડો આવ્યો છે.

કોરિયન નિકાસ લાંબા સમયથી વૈશ્વિક વેપાર સાથે મજબૂત સંબંધ ધરાવે છે. માટે કોરિયન નિકાસમાં ઘટાડો ભૂરાજકીય જોખમોથી લઈને દેવાના ઊંચા ખર્ચ સુધીની સમસ્યાનો સામનો કરી રહેલા વૈશ્વિક અર્થતંત્ર માટે મુશ્કેલીના સંકેતોમાં ઉમેરો કરશે. એશિયાનું આર્થિક ચક્ર તકનિક નિકાસ પર ખૂબ જ નિર્ભર છે. નવા ઓર્ડરમાં ઘટાડો અને મોટી ઇન્વેન્ટરીનો અર્થ એ છે કે એશિયાના ટેક સેક્ટરમાં લાંબી ડિસ્ટોકિંગ સાયકલ અને ઘટતો નફો જોવા મળશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ગયા મહિને તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું હતું અને કહ્યું હતું કે ૨૦૨૩ ચાલુ વર્ષ કરતાં વધુ મુશ્કેલ હોઈ શકે છે. ડોઇશ બેંક એજી ૨૦૨૩ના મધ્યમાં અમેરિકામાં મંદીની આગાહી કરે છે અને વેલ્સ ફાર્ગો એન્ડ કંપની ૨૦૨૩ની શરૂઆતમાં મંદીની અપેક્ષા રાખે છે. બ્લૂમબર્ગ ઇકોનોમિક્સ મોડલ આગામી ૨૪ મહિનામાં યુએસ મંદીની ૧૦૦ ટકા સંભાવના જુએ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top