Editorial

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી નક્કી કરવામાં વિલંબ ભાજપની નબળાઈ છતી કરે છે

નરેન્દ્ર મોદીએ ભાજપની ધૂરા સંભાળ્યા બાદ ભાજપમાં આંતરિક માથાકૂટ થયાની ઘટનાઓ બંધ થઈ જવા પામી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈને ગાંઠતા નથી અને તેઓ જે ઈચ્છે છે તેવું થાય છે તેવું કહેવાય રહ્યું હતું પરંતુ તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ભાજપમાં પણ આંતરિક સાઠમારી તેજ થઈ જવા પામી છે. જે ભાજપમાં છેલ્લા 10 વર્ષોમાં કોઈ મોટી આંતરિક માથાકૂટ જોવા મળી નહોતી તે ભાજપમાં હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગીના મામલે હાઈકમાન્ડને પરસેવો વળી ગયો છે.

ચૂંટણી પરિણામો જાહેર થયાને પાંચ દિવસનો સમય થઈ ગયો હોવા છતાં પણ ભાજપ હાઈકમાન્ડ આ ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી નક્કી કરી શકી નથી. રાજસ્થાનમાં વસુંધરા રાજે અને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણને પડતા મૂકીને અન્યને મુખ્યમંત્રી બનાવવા એ ભાજપ માટે મોટો માથાનો દુખાવો બની શકે છે. આ હકીકત જાણતાં ભાજપ હાઈકમાન્ડે હવે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે નિરીક્ષકોની નિમણુંકો કરવાની જાહેરાત કરી છે પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીપદ માટેની સ્પર્ધા તીવ્ર બની જવા પામી છે અને તેમાંથી તાત્કાલિક રસ્તો નીકળી શકે તેવી સંભાવના નથી.

સામાન્ય રીતે ભાજપની ગણના શિસ્તબદ્ધ પાર્ટી તરીકે થાય છે પરંતુ જેમ જેમ પાર્ટી મોટી થતી જાય છે અને પાર્ટીની જીત થતી જાય છે તેમ તેમ અશિસ્ત વધતી જાય છે. રાજસ્થાનમાં ભાજપે વસુંધરા રાજેને ચૂંટણી પહેલાથી જ સાઈડમાં રાખ્યા હતા. ચૂંટણી દરમિયાન ભાજપે પરિસ્થિતિ જોતાં તેમને મહત્વ આપ્યું અને હવે ભાજપની રાજસ્થાનમાં જીત થઈ ગઈ છે અને વસુંધરા રાજેની ઈચ્છા ફરી રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાની છે પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વસુંધરા રાજેને ફરી મુખ્યમંત્રી બનાવવાના મતના નથી. આ જ કારણે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગીનો મામલો ઘોંચમાં પડ્યો છે. આવી જ સ્થિતિ મધ્યપ્રદેશમાં પણ થઈ છે.

મધ્યપ્રદેશમાં ભાજપે અત્યાર સુધી શિવરાજસિંહ ચૌહાણને મુખ્યમંત્રી બનાવેલા રાખ્યા હતા. જોકે, ચૂંટણી પહેલાથી જ એવું મનાતું હતું કે ભાજપ ફરીથી જીતશે તો શિવરાજસિંહ ચૌહાણ ફરી મુખ્યમંત્રી નહીં હોય અને હવે જ્યારે જીત થઈ ગઈ છે ત્યારે શિવરાજસિંહને બદલે નવા મુખ્યમંત્રી કોને બનાવી શકાય તેની મથામણ ભાજપમાં થઈ રહી છે. અત્યાર સુધી જે તે રાજ્યની ચૂંટણીમાં ભાજપની એક સિસ્ટમ હતી કે મુખ્યમંત્રીપદનો ચહેરો પહેલેથી જ જાહેર કરી દેવામાં આવતો હતો. ભાજપ વિપક્ષો પર આક્ષેપો પણ કરતો હતો કે વિપક્ષો પોતાના મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કેમ કરતાં નથી? હવે ભાજપની સ્થિતિ એવી થઈ ગઈ છે. ભાજપે હાલની પાંચેય રાજ્યોની ચૂંટણી સીએમપદના ઉમેદવારના નામ સિવાય લડી છે અને હવે ભાજપ એ જ પરંપરા આગળ ધપાવશે. હવેથી બની શકે છે કે જે રાજ્યોમાં ભાજપ જીતે ત્યાં નિરીક્ષકો મોકલીને મુખ્યમંત્રીની પસંદગી કરશે.

ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીત બાદ હવે નિરીક્ષકોની નિમણુંક કરી છે. આ નિરીક્ષકો આગામી દિવસોમાં ધારાસભ્યોનો મત લેશે અને ત્યારબાદ રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે અને નિર્ણય લેવામાં આવશે.
કોણ મુખ્યમંત્રી બનશે તે તો બાદમાં ખબર પડશે પરંતુ એક વાત એટલી ચોક્કસ થઈ ગઈ છે કે ભાજપનું પણ કોંગ્રેસીકરણ થવા માંડ્યું છે અને જો ભાજપ નેતાગીરી નહીં સમજે તો આગામી દિવસોમાં ભાજપના વળતાં પાણી થશે તે નક્કી છે.

Most Popular

To Top