Charchapatra

દેશની કમનસીબી છે

પચાસ-સાઠ વર્ષોથી અગાઉની સરકારોએ અને છેલ્લા નવ-સાડા નવ વર્ષથી ભાજપા સરકારે અચ્છે દિન આયેંગેનો આલાપ આપી, મન કી બાત રેડિયો ઉપર ગજવીને ખરેખર કામ મંદિર = રોજીરોટીનાં કેન્દ્રો ખોલવા જરૂર હોય ત્યાં શ્રધ્ધા – અંધશ્રધ્ધાની હેલીને રીતસર ગેરલાભ ઉઠાવીને ફક્ત  રામનામના મુદ્દે ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ તરફ લક્ષ્ય સાધીને લોકમાનસમાં આજની તારીખે પણ યેનકેન હાંસલ કરેલી સત્તા ટકાવી રાખવાના ધમપછાડા કર્યા કરે છે.

ભલે કરે અને ખુરશી ઉખડી નહીં જાય એ માટે એડીચોટીનું જોર પણ જરૂરી છે. એની પાછળ લાખો ને કરોડો રૂપિયાના ખર્ચ કરી  ચૂક્યા હતા,એવા સાંસદોને ખરીદીને પક્ષાંતર કરાવીને પીઠબળ મેળવ્યાની હકીકતો પણ નકારી નહીં શકાય એવી જગજાહેર વાત છે.   ચોકીદારની આરંભે જ આસમાની ઉડાઉડ , જૂની સંસદે માથા ટેકવાયું ત્યારે  સ્વપ્નમાં પણ નવી સંસદ નહીં દેખાઈ હશે, છતાં પણ કરોડોના ખર્ચે કોરોના કાળના કાળમુખી લપડાકની ઐસી તેસી કરી કરાવી, એક સમયે નિયમોને પણ નેવે મૂકી-મૂકાવી એક માત્ર રાજહઠના પરિપાકરૂપે આજે બની ઠનીને તૈયાર પણ થઈ ગઈ!  ખેર.. રાજકીય પક્ષોની અને રાજકરણની વાતો હરિ અનંત, હરિ કથા અનંતા જેવી છે.

આપણે સૌ જાણીએ જ છીએ છતાં એક વાત સર્વસ્વીકૃત કરાયેલ છે કે,આ દેશને સાંપ્રત સમયના ચોકીદાર જેવા કંઈ કેટલીય દેશભક્ત રાજકીય હસ્તીઓની આવનજાવન રહેશે અને દેશને વૈશ્ચિક સ્તરે વધતા જતા વર્ચસ્વની વધામણી સાથે અમેરિકાની તુલના કરી-કરાવી વિશ્વગુરુનું અને હિન્દુ રાષ્ટ્રના વિરાટ સ્વપ્નને ..ફક્ત દિવાસ્વપ્ન કહો કે, મૂગેરીલાલ કે હસીન સ્વપ્નોની આડે આવતાં મુખ્ય ત્રણ કારણો કહો કે, દેશમાં ફૂલેલા ફાલેલા તગડા બની તાગડધિન્ના કરતા બિહામણા ત્રિનેત્રધારી તક્ષકો જે.. ક્રમશઃ ( ૧ ) ધર્મ ( ૨ ) રાજકારણ અને.. ( ૩ ) દલાલીના નામે ઓળખાય છે,આ, ત્રણેય ધંધા બિલકુલ જ કરમુક્ત..( ટેક્ષ ફ્રી બિઝનેસ) છે,જેનો વણથંભ્યો વિકાસનો દર સતત ઉચ્ચ સપાટીએ પહોંચી રહ્યો છે. આપણા દેશની વિકાસયાત્રા આગળ ધપાવવા અનુકરણોની ખાસ જરૂરત ખરી, પરંતુ ચાદર જેટલા જ પગ પસારવાવાળી આપણી જાણીતી કહેવત કેમ કરી ભૂલાઈ જાય છે.    આજની તારીખે વિકસિત દેશ અમેરિકાના આંકડા બોલે છે, ત્યાં દર પાંચ હજાર માથે એક વૈજ્ઞાનિક છે અને એક ધંધાદારી વ્યક્તિ ,એની તુલનામાં અહીં ઈન્ટરનેશનલ આઈટમછાપ ઈન્ડિયા કહો કે, ભાતીગળ કહેવાતા ભારતના આંકડા બોલે છે દર હજાર માથે એક બાવો,યાને.. બનાવટી બાવઠો અને એક અંગૂઠાછાપ યાને અભણ નેતા / પક્ષનો કાર્યકર.
 સુરત – પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top