Columns

સમય ન બગાડો

એક દિવસ એક નવો શિષ્ય ભિખ્ખુ બોધિસત્વ પાસે આવ્યો અને કહ્યું, ‘ગુરુજી,મને ધ્યાનમાં બેસું છું ત્યારે એકદમ શાંતિનો અનુભવ થાય છે પણ કોઈ મારી વાત માનવા જ તૈયાર નથી તો તેઓ મારી વાત માને તેને માટે હું શું કરું?’ બોધિસત્વ બોલ્યા, ‘તું કંઈ નહિ કર. શું કામ તું તારો સમય બગાડે છે.જો તને સાચી શાંતિનો અનુભવ થાય છે તો બહુ સારી વાત છે, પણ તે વાત બીજાને સાબિત કરીને તું શું કામ તારી શક્તિ અને સમય બગાડે છે અને ધ્યાનમાં મેળવેલી શાંતિ પણ ખોઈ દે છે.જા, તું સાચો છે તો જે કરે છે તે કરતો રહે, કોઈને સાબિત કરવાની જરૂર નથી.સમય બહુ જ ઉપયોગી છે.સમય બિલકુલ વેડફવો જોઈએ નહિ.આજે હું તમને ચાર સંજોગો જણાવું છું, જેમાં સમયનો બિલકુલ વેડફાટ કરવો નહિ.’

શિષ્ય ચાર સંજોગો જાણવા આતુર બન્યો.બોધિસત્વ બોલ્યા, ‘જો પહેલો સંજોગ કે સ્થિતિ એટલે તારી હાલની પરિસ્થિતિ. જો તમે જાણો છો કે તમે સાચા જ છો તો તમારે તે બીજા સમક્ષ સાબિત કરવા માટે કોઈ સમય બગાડવાની જરૂર નથી.બીજો સંજોગ છે જો તમને ખબર છે કે તમે ખોટા છો તો તમારે તમે સાચા જ છો તેવો ડોળ કરવામાં સમય બગાડવાની જરૂર નથી.બંને સંજોગોમાં તમારું જ નુકસાન થવાનું છે.’

શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, કેમ મારું નુકસાન?’ બોધિસત્વ બોલ્યા, ‘તું સાચો છે તો સાબિત કરવાની જરૂર નથી અને ખોટો છે તો ડોળ કરવાની જરૂર નથી, પણ જો તું સચ્ચાઈ સાબિત કરવામાં સમય બગાડીશ તો તારો સમય બગડશે ..શક્તિ વેડફાશે ..મનની શાંતિ હણાશે.નુકસાન તારું થશે…અને તું ખોટો હોઈશ પણ સાચો છે તેવો ડોળ કરવામાં તારો સમય બગાડીશ તો તારો સમય બગડશે અને તું સાચી હકીકતથી દૂર જ રહીશ.

એક દિવસ તો તું ખોટો છે તે સાબિત થઈ જ જશે તેની ચિંતામાં તારા બધા દિવસ બગડશે.’  બોધિસત્વ આગળ બોલ્યા, ‘બીજા બે સંજોગો સાંભળ.જયારે તને લાગે કે કોઈ પરિસ્થતિમાં મદદની જરૂર છે તો સમય બગાડ્યા વિના જેની મદદ જોઈતી હોય તેની મદદ માંગી લેવી.મારું ખરાબ લાગશે…કોઈ આવીને આપોઆપ મદદ કરશે.હું નબળો લાગીશ, જેવા કોઈ વિચારોમાં સમય બગાડ્યા વિના મદદ માંગી લેવી અને હંમેશા યાદ રાખજે કે જીવન બહુ ટૂંકું છે એટલે દુઃખમાં ,નકારાત્મક વિચારોમાં ,અભિમાનમાં સમય બગાડવો નહિ.’બોધિસત્વે સુંદર વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top