Comments

મહિલાઓના આર્થિક વિકાસમાં અપાયેલા યોગદાનની નોંધ લેવાઈ અને સન્માન પણ અપાયું

“દુનિયામાં બધા જ અસમાન છે પણ સ્ત્રીઓ વધુ અસમાન છે”-સ્ત્રીઓના સામાજિક આર્થિક અસમાનતા માટેનો દસ્તાવેજ ગણવામાં આવે છે તેવી પોતાની સુખ્યાત નવલકથાની પ્રથમ પંક્તિમાં કુન્દનિકા કાપડિયાએ આ વાક્ય લખ્યું છે. જે આંકડાકીય આધાર સાથે અર્થશાસ્ત્રીય સંશોધન દ્વારા અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને તાજેતરમાં જ પ્રસ્થાપિત કર્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને આ વર્ષનું પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવ્યું છે.

ક્લાઉદિય ગોલ્ડીને શ્રમ બજારમાં મહિલાઓના યોગદાન અને વળતર ની અસમાનતા સાબિત કરતાં સંશોધન કર્યાં છે. છેલ્લાં બસો વર્ષના આંકડાઓના આધારે ક્લાઉડીયા આ શોધનનાં તારણો આપ્યાં છે. મહિલાઓના શ્રમ બજારમાં યોગદાન વિષે ક્લાઉડિયા ગોલ્ડિન સતત સંશોધન કરતા આવ્યા છે. તેમના સંશોધનમાં ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે. રોજગાર ક્ષેત્રે મહિલાઓને યોગ્ય તક આપવામાં આવી નથી,આવતી નથી. મહિલાઓને પુરુષોની સરખામણીમાં વળતર ઓછું આપવામાં આવે છે અને ત્રણ મહિલાઓના ફાળાને પણ ઓછો નોંધવામાં આવ્યો છે.

ક્લાઉડિયા ગોલ્ડિન નોંધે છે કે સ્ત્રીઓના શ્રમ બજારમાં યોગદાન U શેપ ધરાવે છે. મતલબ કે સમય સાથે તે ઘટ્યું પછી સ્થિર થયું અને પછી વધ્યું. પહેલાંના સમયમાં જ્યારે અર્થતંત્ર મહદ્ અંશે ખેતી આધારિત હતું ત્યારે મહિલાઓનો ફાળો વધુ હતો, પછી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વધતાં તેમનો ફાળો ઘટ્યો અને પછી શિક્ષણ અને સામાજિક બદલાવને કારણે તે પાછો વધ્યો. ક્લાઉડિયા ગોલ્ડિન નોંધે છે કે ગર્ભનિરોધક ગોળીઓનો મહત્ત્વનો ફાળો છે, જેણે સ્ત્રીઓની સામાજિક, આર્થિક ભાગીદારી બદલી બલકે વધારી છે.

સામાન્ય રીતે સ્ત્રીઓ કામમાં લાગતી, પછી લગ્ન કરતી અને કામ છોડતી, પરિવાર અને બાળકો બન્નેની જવાબદારી તેને આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાંથી નિવૃત્ત કરાવે. ગર્ભનિરોધક ગોળીઓના આવ્યા બાદ મહિલાઓ લાંબા સમય સુધી માતૃત્વ રોકી શકી અને નોકરીનાં વર્ષો વધ્યાં. છેલ્લાં વર્ષોમાં એવું પણ જોવા મળ્યું કે સ્ત્રીઓ ૫૦ વર્ષ બાદ ફરી રોજગાર ક્ષેત્રમાં આવી. ખાસ કરીને માતૃત્વ અને કુટુંબ સંભાળ માટે નોકરી છોડનાર મહિલાઓ બાળઉછેરનાં વર્ષો પતાવ્યા પછી ફરી કામ કરતી થઇ છે. અહીં ક્લૌડીયા એ પણ સ્પષ્ટ કરે છે કે “છોડે છે તો સ્ત્રી અને પુરુષ બન્ને. પુરુષ કારકિર્દી માટે કુટુંબ છોડે છે અને સ્ત્રી કુટુંબની જવાબદારી માટે કારકિર્દી!”

ક્લાઉડિયા ગોલ્ડિનએ અમેરિકાના શ્રમ બજારનાં 200 વર્ષના આંકડાઓ દસ્તાવેજોનો આધાર લઇ શ્રમ બજારમાં મહિલાઓની ભાગીદારી માટે મહત્ત્વનાં તારણો આપ્યાં છે. જેમનાં મહત્ત્વનાં તારણો એ છે કે મહિલાઓ કુટુંબ અને બાળઉછેરની જવાબદારીને કારણે કામ કરવાનું છોડે છે. એક અતિ અગત્યની બાબત ક્લૌડીયા પોતાના સંશોધનમાં જણાવે છે તે એ છે કે સમાન કામગીરી માટે પુરુષોની તુલનામાં સ્ત્રીઓને ઓછું વળતર ચૂકવાય છે. તે વલણ વૈશ્વિક છે, પણ સ્ત્રીઓના આર્થિક યોગ્દાન્નને નોંધવામાં પણ ઓછું આવ્યું છે.

હકીકતે તે ઘણું વધારે હતું. અમેરિકી શ્રમ બજારનાં 200 વર્ષના ઇતિહાસના આધારો આપતાં તે જણાવે છે કે ક્યાંય સુધી તો સ્ત્રીઓના ફાળા વિષે કોઈ ડેટા ઉપલબ્ધ જ નથી. વળી સ્ત્રીને  કુટુંબ ચલાવનારી કે ગૃહિણી (હાઉસ વાઈફ) દર્શાવાઈ છે ત્યાં તેનો પશુપાલનમાં ખેતીમાં કે અન્ય ખેતસહાયક પ્રવૃત્તિઓમાં જે ફાળો છે તેની ઉપેક્ષા જ કરવામાં આવી હતી. હવેના આર્થિક સર્વેમાં આ ફાળો પણ નોંધવામાં આવી રહ્યો છે. (અહીં યાદ રાખવું જોઈએ કે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ડેરી ઉદ્યોગની મહત્ત્વની કામગીરી મહિલાઓ જ કરે છે અને નોંધપાત્ર મૂલ્ય સર્જન કરે છે)

અર્થશાસ્ત્રમાં નોબલ પારિતોષિક મેળવનાર આ ત્રીજી મહિલા ક્લોડીયા ડેલ ગોલ્ડીનનો જન્મ ૧૪ મે 1946 માં ન્યુયોર્ક અમેરિકા ખાતે થયો. તેમણે ૧૯૬૭ માં બી એ તથા ૧૯૬૯ માં એમ. એ. નો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૭૨ માં તેઓ પી. એચ. ડી. થયાં અને હાલ તેઓ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ઇવન ક્લોડીયા જ્યારે અધ્યાપિકા તરીકે જોડાયાં ત્યારે ઘણાં વિદ્યાર્થીઓ પણ એવું માનતાં હતાં કે શિક્ષણમાં પણ અર્થાશાસ્ત્ર અને કોમર્સના ક્ષેત્ર સ્ત્રીઓ માટે નથી. પુરુષ આ ક્ષેત્રમાં સારી રીતે કામ કરી શકે પણ ક્લોડીયાએ સાબિત કરી બતાવ્યું કે સ્ત્રી રોજગારીના તમામ ક્ષેત્રમાં સારું કામ કરી શકે છે. સ્વીડીશ નોબેલ કમિટીએ પણ આ નોંધ્યું કે મહિલાઓના ફાળાને આપણી સમક્ષ મૂકવાનું મહત્ત્વનું કામ તેણીએ કર્યું છે.

છેલ્લે એ કુદરતી કટાક્ષ પણ ધ્યાન ઉપર આવે છે કે ડાઈનેમાઈટ જેવા વિસ્ફોટકોની શોધ અને તેની પેટન્ટ દ્વારા કરોડો ડોલરની કમાણી કરનારા આલ્ફ્રેડ નોબલને જીવનનાં છેલ્લાં વર્ષોમાં જ્ઞાન થયું કે આ તો બધું માનવજીવનને હાનિકારક છે. માનવજગત માટે કલ્યાણકારી હોય તેવું આપણે શું કર્યું? અને તેમણે પોતાની વસિઅત કરી કે મારી સંપત્તિમાંથી ટ્રસ્ટ બને અને તેમાંથી દર વર્ષે માનવકલ્યાણ માટે ઉપયોગી શોધ કરનારા, વિશ્વશાંતિ માટે કામ કરનારા કે માનવમૂલ્યો માટે સાહિત્યસર્જનને પુરસ્કાર આપવામાં આવે અને માટે નોબલ પુરસ્કારની શરૂઆત થઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top