Columns

ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીનો ધીકતો ધંધો

ભારતમાં સ્ત્રીઓ ઉપર વધી રહેલા અત્યાચારોનો સીધો સંબંધ ઇન્ટરનેટ અને મોબાઇલ જેવાં માધ્યમોમાં સહેલાઇથી જોવા મળતી રતિક્રીડાની ફિલ્મો સાથે છે. આપણી સરકાર ઇન્ટરનેટ ઉપર અંકુશ નહીં મેળવે ત્યાં સુધી આ અત્યાચારો અટકવાના નથી. ઇન્ટરનેટ ઉપર હજારો નહીં પણ કરોડોની સંખ્યામાં પોર્નોગ્રાફીની સાઇટો ચાલે છે. અગાઉ ઇન્ટરનેટ ઉપર નગ્ન સ્ત્રીઓની અને રતિક્રીડાની તસવીરો અપલોડ કરવામાં આવતી હતી. હવે બ્રોડબેન્ડના જમાનામાં પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ કરવામાં આવે છે. તેમાં પણ હજારો વેબસાઇટો ઉપર ભારતીય સ્ત્રી-પુરુષોની રતિક્રીડાની કામોત્તેજક ફિલ્મો બતાવવામાં આવે છે. આ ફિલ્મો જોઇને પુરુષોની વાસના ભડકી ઊઠે છે અને તેઓ ભાન ગુમાવી બેસે છે. છેલ્લાં 2-3 વર્ષથી ભારતની સોશ્યલ મીડિયા વેબસાઇટો ઉપર પોર્નોગ્રાફી પીરસવા માટે મુંબઈમાં સ્ટુડિયો ભાડે રાખીને પોર્ન ફિલ્મો તૈયાર કરવાનો વ્યવસાય વિકસ્યો છે.

ભારતમાં ઇન્ટરનેટ પોર્નોગ્રાફી ઉપર પ્રતિબંધ મૂકવાની જ્યારે જ્યારે માંગણી કરવામાં આવે છે ત્યારે સરકારની એવી દલીલ હોય છે કે આવી વેબસાઇટોનું સંચાલન વિદેશની ભૂમિ ઉપરથી થતું હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવો પ્રેક્ટિકલી શક્ય નથી. સરકારની આ દલીલ વાહિયાત છે. ચીન અને પાકિસ્તાન જેવા ભારતના પાડોશી દેશોએ સફળતાપૂર્વક ઇન્ટરનેટની પોર્ન સાઇટોને બ્લોક કરી છે. દક્ષિણ અમેરિકાના ગુયાનામાં અને ઇજિપ્તમાં ઇન્ટરનેટ પોર્નોગ્રાફી ઉપર પ્રતિબંધ છે. દક્ષિણ કોરિયામાં તો 81.1 % લોકો ઓનલાઇન હોય છે તો પણ ત્યાંની સરકારે ઇન્ટરનેટ પોર્નોગ્રાફી ઉપર જડબેસલાક પ્રતિબંધ અમલમાં આણ્યો છે; તો ભારતમાં કેમ પ્રતિબંધ ન લાવી શકાય?

ભારતમાં સ્ત્રીઓ ઉપરના વધી રહેલા અત્યાચારો છતાં આપણી સરકાર ઇન્ટરનેટ ઉપરના પોર્નોગ્રાફીના પૂરને ખાળવામાં અસફળ પુરવાર થઇ છે ત્યારે કમલેશ વાસવાની નામના નાગરિકે દેશની સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી કરીને પોર્નોગ્રાફી જોવાની પ્રવૃત્તિને પણ બિનજામીનપાત્ર ગુનો બનાવવાની માંગણી કરી છે. કમલેશ વાસવાનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી જોવાને કારણે આપણી નવી પેઢી દુરાચારી બની રહી છે અને સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે.

આ જાહેર હિતની અરજીની ગંભીર નોંધ લઇને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિતના 3 જજોની બેન્ચે કેન્દ્રનાં વિવિધ ખાતાંઓ ઉપર નોટિસો કાઢી છે. કમલેશ વાસવાનીએ પોતાની અરજીમાં એવો દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પોર્નોગ્રાફીને સરકારે પ્રતિબંધિત કરી નહીં હોવાથી ભારતને લગતી પોર્નોગ્રાફીની 20 કરોડ ફિલ્મો ઇન્ટરનેટ ઉપર છે, જેને ડાઉનલોડ કરીને લોકો તેનો વિકૃત આનંદ માણી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ વેબસાઇટો તાત્કાલિક બ્લોક કરી દેવી જોઇએ. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં દર સેકન્ડે આશરે 2,80,258 લોકો ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી જોતા હોય છે.

અત્યાર સુધીમાં દુનિયાના 159 કરોડ લોકો ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી જોઇ ચૂક્યા છે. અમેરિકામાં દર 3 મિનિટે પોર્નોગ્રાફીનો નવો વીડિયો તૈયાર કરીને નેટ ઉપર અપલોડ કરવામાં આવે છે. ઇન્ટરનેટ પોર્નોગ્રાફી એક ધીકતો ધંધો છે. દર સેકન્ડે ઇન્ટરનેટ પોર્નોગ્રાફી પાછળ 3.07 લાખ ડોલરનો ખર્ચો કરવામાં આવે છે. ‘એક્સવીડિયોઝ’ નામની દુનિયાની મોટામાં મોટી પોર્નસાઇટને મહિને 44 અબજ હિટ્સ મળે છે. ઇન્ટરનેટ ઉપર પોર્નને લગતી કરોડો સાઇટો છે. ઇન્ટરનેટ ઉપરની 30 % વેબસાઇટો માત્ર પોર્નોગ્રાફી જ પીરસે છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફીને પ્રતિબંધિત કરવું ટેક્નિકલી શક્ય જ નથી. આ વાત ચીને ખોટી પુરવાર કરી છે.

ચીને વિદેશથી અપલોડ કરવામાં આવતી તમામ પોર્નોગ્રાફીની સાઇટોને સફળતાથી બ્લોક કરી છે. જો સરકારની દાનત શુદ્ધ હોય તો ઇન્ટરનેટ ઉપર પણ લગામ તાણી શકાય તેમ છે. ઇન્ટરનેટની પોર્નોગ્રાફી ઉપર લગામ તાણવાના 2 ઉપાયો છે. પહેલો ઉપાય છે, ઇન્ટરનેટ ઉપરથી આવી સામગ્રી દૂર કરવાનો. જે દેશમાંથી આ પ્રકારની સામગ્રી અપલોડ કરવામાં આવતી હોય ત્યાં તેને પ્રતિબંધિત કરતા કાયદાઓ ન હોય તો આ ઉપાય કારગત નિવડતો નથી. બીજો ઉપાય છે જે URL ઉપરથી પોર્નોગ્રાફી વહેતી મૂકવામાં આવતી હોય તેને બ્લોક કરવાનો.

ભૂતકાળમાં ‘સવિતાભાભી ડૉટ કોમ’ નામની બીભત્સ વેબસાઇટને બ્લોક કરવા માટે સરકાર આ ઉપાય અજમાવી ચૂકી છે. જો કે આ વેબસાઇટે પોતાનું એડ્રેસ બદલી નાંખ્યું અને પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને નવા નામે પોર્નોગ્રાફી પીરસવાનું ચાલુ રાખ્યું હતું. સરકાર જો પ્રોક્સી સર્વર અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કને પ્રતિબંધિત કરે તો આવી તમામ વેબસાઇટોને બ્લોક કરી શકાય છે. ભૂતકાળમાં મુંબઇ હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજીમાં ઇન્ટરનેટ ઉપરની તમામ પોર્ન સાઇટને બ્લોક કરવાની માંગણી કરવામાં આવી હતી.

હાઇકોર્ટે ટેકનિકલ નિષ્ણાતો અને વકીલોની એક સમિતિને આ શક્ય છે કે કેમ તે ચકાસવાની કામગીરી સોંપી હતી. ટેક્નિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તે શક્ય જ નથી. વર્તમાન કાયદાઓ મુજબ પોર્નોગ્રાફીનો પ્રચાર કરવો તેને ગુનો ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં જે જાહેર હિતની અરજી કરવામાં આવી છે તેમાં ઇન્ટરનેટ ઉપર પોર્નસાઇટ જોવાની પ્રવૃત્તિને પણ બિનજામીનપાત્ર અપરાધ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. હકીકતમાં આપણને ઇન્ટરનેટની સેવાઓ આપતા ઓપરેટરો આપણે કઇ વેબસાઇટ જોઇએ છીએ તેની ઉપર વોચ રાખી શકે છે. જો પોર્નોગ્રાફી જોવી તેને ગુનો માનવામાં આવે તો પોર્નોગ્રાફીનો પ્રચાર અટકી શકે છે.

Most Popular

To Top