Comments

મતદારોને રિઝવવા માટે ભાજપને પોતાની સિદ્ધીઓ તેમના સુધી પહોંચાડવાની જરૂરીયાત

ચોમાસાના અંતિમ દિવસોમાં રસ્તાઓ પર રખડતાં ઢોરોની સમસ્યા પણ જાણે આ વખતે વધુ વકરેલી જણાય છે એટલે ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખે ઇન્ટરવિન થઇને માલધારી સમાજને સમજાવવાના પ્રયાસો કર્યા છે. રસ્તાઓ પર રખડતાં ઢોરની સમસ્યા માટે હાઇકોર્ટના આદેશ છતાં સરકાર જોઇએ એવી કડક બની શકતી નથી. સામી ચૂંટણીએ ભલભલી સરકારો ડિફેન્સિવ રોલમાં આવી જાય છે. પરંતુ ગુજરાત સરકાર આ વખતે કંઇક વધુ સંરક્ષણાત્મક બની ગઇ છે. સરકાર સામે બાંયો ચડાવવાની જાણે આજકાલ મોસમ ખીલી છે.

કંઇક સંગઠનો ઊંચાં થઇ રહ્યાં છે.  રાજ્ય સરકારના કર્મચારીઓ, શિક્ષકો, માજી સૈનિકો, ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, તલાટીઓ વગેરે એક પછી એક સરકારનું નાક દબાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇની તાજેતરની મુલાકાત બાદ રાજ્ય સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી છે. અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપવિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રચાયેલી આ કમિટીના સભ્યો વિવિધે કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરી રહી છે.

જો કે આ તો વિરાધ ખાળવાનો એક પ્રયાસ ગણી શકાય, પણ ભાજપે હજુ વધારે કસરત કરવી પડવાની છે. મોદી સાહેબે ગયા અઠવાડિયે આપેલી શિખામણ મુજબ રાજ્ય સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની ખરી જરૂર હવે જ સર્જાઇ રહી છે. જો કે આવું કરવાથી મોંઘવારી, બેરોજગારી, રસ્તા, તેના પર રખડતાં ઢોર વગેરે સહિત સ્થાનિક સમસ્યાઓ વડોદરા પાસેની ઢાઢર નદીમાં આજકાલ જે રીતે અનેક મોટા મોટા મગરમચ્છો મોં ફાડીને શિકારનો ઇન્તેજાર કરતા હોય છે એમ સમસ્યાઓ સરકાર સામે મોં ફાડીને ઊભેલી છે.

ભાજપના કમળની પાંદડીઓ અને એની દાંડી અંદરખાનેથી થોડી ઢીલી પડવા બેઠી હોવાની બીક ભાજપને થઇ રહી છે. સારું છે કે મોદી સાહેબે ગુજરાતના પ્રવાસો ખેડી ખેડીને આ બધી બાબતે લાલ બત્તીઓ ધરી છે ને અહીંના નેતાઓ પણ ધરતી પર આવ્યા છે. હજુ પણ સમય છે. દિવાળી પછી ચૂંટણીના નગારે દાંડી પિટાય એવી સંભાવનાઓ હોવાથી ભાજપ (ધારે નહીં,) સમજે તો ઘણું કરી શકે એમ છે. આમ પણ કેજરીવાલે લીધેલો ઉપાડો સરકાર માટે માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. કેજરીવાલની પાર્ટીને ગુજરાતમાં કેવી રીતે પાછી પાડવી એની ચિંતાઓ અને ચર્ચાઓ દરેક કમલમોમાં થઇ રહી છે.

ભાજપને ડર છે કે કેજરીવાલ પોતાની સાચી-ખોટી વાતો કરીને વિવિધ ક્ષેત્રોમાં સિમ્પથી મેળવી જશે. જો કે ભાજપને એટલો તો કોન્ફિડન્સ તો છે જ કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદી થકી એટલા વોટ તો મળવાના જ છે કે જેનાથી ફરીથી સરકાર રચી શકાશે. તાજેતરમાં એક પ્રતિષ્ઠિત અખબારી જુથ દ્વારા કરાયેલા સેમ્પલ સર્વેમાં તારણ નીકળ્યું છે કે હાલમાં જો ચૂંટણી થાય તો ભાજપને 115થી 125 જેટલી બેઠકો મળે. કોંગ્રેસને 39થી 44 અને આમઆદમી પાર્ટીને 13થી 18 બેઠકો મળી શકે.

આમઆદમી પાર્ટી ભાજપ વિરોધી વોટમાં વધુ ભાગ પડાવશે એવી વાત હતી ત્યાં સુધી ભાજપને શાંતિ હતી, પણ આમઆદમી પાર્ટીની સંભવિત શક્તિ વધતી જણાતાં ભાજપે આ પાર્ટીનો વોટ શેર રોકવો પડે એવી હાલત છે. ન રોકે તો પોતાને નુકસાન વધે એમ છે. તે જોતાં આમઆદમી પાર્ટીના વોટશેર કરતાં કોંગ્રેસનો વોટશેર વધવો ન જોઇએ. પરિણામે સ્થિતિ તો એવી સજર્વા બેઠી છે કે કોંગ્રેસને તેના થોડા પરંપરાગત વોટ અને થોડી બેઠકો મળે એની દરકાર ખુદ ભાજપે રાખવી પડે એમ છે, એટલે આ ચૂંટણીમાં ભાજપે વધુ વ્યૂહાત્મક બનવું પડી રહ્યું છે.

જોકે ત્યાં પેલા અણ્ણા હજારે એકાએક મેદાનમાં આવ્યા છે. દિલ્હીની આમઆદમી પાર્ટીની સરકારે દારૂ માટે નવી એક્સાઇઝ પોલિસી અમલમાં મૂકતાં નારાજ થયેલા અણ્ણાએ એક લાંબો લસ પત્ર લખીને કેજરીવાલ સરકારને આડે હાથે લીધી છે. અણ્ણાએ તો પોતાની લક્ષણિક શૈલીમાં કહી પણ દીધુ કે સત્તાના નશામાં ડૂબેલા અરવિંદ કેજરીવાલની કથની ને કરણીમાં ફરક છે.

કેજરીવાલ પણ ઓછા નથી, એઓ પણ અણ્ણા આંદોલનની જ નીપજ છે. એમણે પોતાના કહેવાતા રાજકીય ગુરુને સંભળાવી દીધું કે તેઓ ભાજપની ભાષા બોલી રહ્યા છે.  ગમે તેમ પણ આમઆદમી પાર્ટી ગુજરાતમાં ગેમ ચેન્જર બનવા ખૂબ પ્રયત્નશીલ છે. કોંગ્રેસે પણ મોંઘવારી સામેનો હલ્લાબોલ, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, 10 મી સપ્ટેમ્બરના ગુજરાત બંધ સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા ચૂંટણીના વાતાવરણમાં પોતાની હાજરી અને સક્રિયતા દેખાડવાનું શરૂ કરી દીધું છે.

પોતાની પરંપરાગત વોટબેન્કને સજીવ કરવાનો એનો સ્વાભાવિક ઇરાદો છે, પણ ભાજપે બધાની વોટ બેન્ક છીનવી લીધી હોવા છતાં એ ઝાડૂ પાર્ટીથી જે ફફડાટ અનુભવે છે,  એ જોતાં કોંગ્રેસમાં નવી દિલ્હી લેવલે ગમે તે ચાલતું હશે, પણ એમ કંઇ એ મેદાન છોડીને બેસે એવી નથી. કોંગ્રેસની સક્રિયતા ભાજપ માટે પોતાની સક્રિયતા જેવી જ છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે કેટલા વોટ વહેંચાય છે, તેના પર રાજ્ય વિધાનસભાની સમગ્ર ચૂંટણીનો મદાર રહેશે.
                – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top