Comments

નવી સંગીત ખુરશી

નાનપણથી આપણે આ રમત રમ્યા જ છીએ.જુદી જુદી રીતે અને જુદા જુદા સમયે.આપણે નાનપણમાં જ બાળકોને કે.જી.માં સંગીત ખુરશી રમાડીએ છીએ. જેટલાં બાળકો હોય તેનાથી એક ખુરશી ઓછી હોય.બધાં બાળકો ખુરશીઓની લાઈનની આજુબાજુ દોડે, સંગીત વાગે અને જેવું સંગીત બંધ થાય કે બધાએ ખુરશી પર બેસી જાય, જે બાકી રહી જાય એટલે કે જેને બેસવા માટે ખુરશી ન મળે તે રમતની બહાર.આમ રમત આગળ વધતી જાય અને ખુરશીઓ એક પછી એક ઓછી થતી જાય છેલ્લે બે ખુરશી અને ત્રણ બાળકો અને પછી એક જ ખુરશી અને બે બાળકો.

અને જે ખુરશી પર બેસે તે જીતી જાય.જે બાકી રહી જાય તે હારી જાય.આ રમત બધા રમ્યા છે અને રમાડે છે. પણ ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે, ‘આ રમત રમાડી આપણે બાળકોને શું શીખવાડીએ છીએ? આપણે બાળકોને શીખવાડીએ છીએ કે જીતવું હોય તો બીજાને હરાવીને મેળવી લેવા પર ધ્યાન આપવાનું ,માત્ર પોતાના વિષે વિચારવાનું અને પોતાનો ફાયદો થાય તેમ જ કરવાનું.આ રમત બાળકને સમજાવે છે કે જો જીતવું હોય તો બીજાને દૂર કરવા પડે તો જ એકલા આગળ વધી શકાય.’ જાપાનની શાળામાં આ રમત રમાડવામાં આવે છે.

ત્યાં પણ સંગીત ખુરશી રમવામાં આવે છે પણ જરા જુદી રીતે.તે રીત જાણવા જેવી અને સમજવા જેવી છે.ત્યાં પણ ખુરશી ,બાળકો અને સંગીત હોય છે અને બાળકો કરતાં ખુરશી પણ ઓછી હોય છે પણ નિયમ જુદો હોય છે કે જો કોઈ એક બાળક પણ બેસવામાં બાકી રહી જશે તો બધાં હારી જશે.એટલે આ રમતમાં બધા એકબીજાને પકડી પકડીને પોતાની બાજુમાં બેસાડી દે છે.પહેલાં બધાં બાળકો એક એક ખુરશી પર બેસે છે અને એક ખુરશી પર બે બાળકો.તે બે બાળકોને ઇનામ મળે છે અને આઉટ તો કોઈ થતું જ નથી!

ધીરે ધીરે ખુરશી ઓછી થાય છે અને ખુરશીમાં સાથે બેસતાં બાળકો.ઇનામ મેળવતાં બાળકો વધે છે.છેલ્લે એક ખુરશીમાં દસ બાળકો એકબીજાને ચીટકીને ભેટીને ઊભા રહી જાય છે અને બધા જીતી જાય છે.આ રીતની સંગીત ખુરશી બાળકોને સમજાવે છે કે તમે બીજાના સાથ અને મદદ વિના જીતી શકતાં નથી.જીતવા માટે બીજાને હરાવી આગળ વધવાની નહિ, બીજાને સાથે રાખી આગળ વધવાની જરૂર છે.  ચાલો, આવી સંગીત ખુરશી રમીએ અને રમાડીએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top