Comments

૨૧મી સદીનો આધાર : બૌદ્ધિક કામ (સેક્સ)

સિગ્મન્ડ ફ્રોઈડ નામના માનસશાસ્ત્રીએ જગતના વિકાસક્રમને કામ (સેકસ) સાથે જોડી ઉત્ક્રાંતિના ક્રમ અને માનવવર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વી ઉપર જીવિત પ્રાણીજગતમાં મનુષ્યને બાદ કરતાં જીવસૃષ્ટિનાં તમામ એકમો હજુ પણ ભયથી બચાવ, ભૂખ માટે સંઘર્ષ અને વંશવૃદ્ધિ માટે સમૂહમાં જોડાવા સિવાય કશો ઉદ્દેશ દાખવતાં નથી. વિકાસ ક્રમે માણસને વિકસિત મગજ આપ્યું. સાથોસાથ તર્ક અનુસંધાન અને આનંદની અનુભૂતિનાં કેન્દ્રો આપ્યાં. આથી મનુષ્યે આનંદિત રહેવાની અનેક રીતો શોધી કાઢી છે. કામ એ માનવશરીર અને બુદ્ધિને આનંદિત રાખવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આપણાં શાસ્ત્રોએ પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેવી સ્થિતિ દર્શાવી માનવજીવનને વધુ બળવત્તર અને સમૃદ્ધ બનાવવા પ્રયાસ કર્યો છે.

સ્ત્રીની ઉંમર ૧૩ વર્ષની થાય અને પુરુષની ઉંમર ૧૮ વર્ષની થાય તે પછી તેમના શરીરમાં આવતા રાસાયણિક ફેરફારો સાથે કામ એક રુચિ તરીકે ઊભરી આવે છે. શરીરના કામજન્ય સમન્વયથી પ્રજોત્પત્તિનો હેતુ પ્રાકૃતિક રીતે સધાય છે. પરંતુ બદલાતા સામાજિક પરિવેશમાં હવે કામજન્ય સ્થિતિને વિશેષ રીતે આનંદ સાથે જોડી દેવાની ઘેલછા વધી છે. એક વિષય તરીકે કામુકતા જગાવતી વાતો, તસવીરો અને ભાવભંગિમા રજૂ કરી કેટલાક લોકો ઊંચી કમાણી કરી રહ્યા છે.
પ્રાચીનકાળમાં કામવૃત્તિનો ઉદ્દેશ વંશવૃદ્ધિ સાથે જોડાયેલો હતો, મધ્યકાલીન યુગમાં તેજસ્વી પ્રજાના નિર્માણ સાથે કામ પ્રવૃત્તિને જોડવાનો વિચાર આકાર પામ્યો હતો.

તો અર્વાચીન યુગમાં કામ આનંદ સાથે જોડાયો છે. જો કે કામનાનો સુવિકસિત વિચાર અકાળે મૃત્યુ પામ્યો હોઈ કામના વિકાસનો ખ્યાલ ભારતીય સંસ્કૃતિમાં વિકસ્યો નહીં. આર્યો પહેલાંના તંત્રના સમયમાં કામ (સેકસ)એ તાંત્રિક સાધનાનો પ્રકાર હતો. પરંતુ શંકરાચાર્યજીએ તાંત્રિકો અને કર્મકાંડીઓના સકંજામાંથી સમાજને મુક્તિ અપાવવા વૈદિક ધર્મનો વિચાર આવ્યો. પોતાના વિચારને દઢીભૂત કરવા અને સમયની માગ અનુસાર બ્રહ્મચર્ય અનુસરતા સન્યાસીઓની પ્રતિષ્ઠિત પરંપરા રચી. આથી ગૃહસ્થી લોકો બીજા સ્તરનાં નાગરિકો ગણાયાં.

પરંતુ રાજ્યવ્યવસ્થા જેમ બળવત્તર બની તેમ રાજાઓ પ્રથમ સ્તરના નાગરિકની રૂએ કામ જીવનનો આનંદ લેતા, પરિણામે સ્થાપત્યમાં કોણાર્ક અને ખજુરાહો રચાયાં. રાગમાં બહાર અને આશાવરી રચાયા, રસમાં શ્રૃંગાર અને મુદ્રાઓમાં આસનો જાણીતાં થયાં. પરંતુ આ બધું એક ખાસ વર્ગ માટે રહ્યું હતું અને અંગ્રેજકાળમાં સૈનિકોના મનોરંજન માટે સ્ત્રીદેહનું જાહેર પ્રદર્શન, ગુલામ સ્ત્રીઓ સાથે વ્યભિચાર અને તેમનું જાતીય શોષણ થવા લાગતાં ધીરે ધીરે અધિકાર સ્વરૂપે જન સામાન્ય સુધી ફેલાયો. જો કે પોતાને સંસ્કારી ગણાવતા, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે તો કામ વંશવૃદ્ધિ માટેની પ્રવૃત્તિથી કંઈ વિશેષ ન રહ્યો.

પરંતુ ગાંધીયુગમાં બ્રહ્મચર્યને જીવનની આચારસંહિતા તરીકે વિકસાવવા ભરપૂર પ્રયત્નો થયા. ૧૯૬૦થી ૧૯૮૦ના દાયકામાં રજનીશજીએ કામને માનવચેતના સાથે જોડી એક નવો અનુબંધ આપ્યો. સંભોગથી સમાધિની તાર્કિક કડીઓ આપી. ઓશોએ માનવચેતનાના પ્રાગટ્યમાં કામ પણ એક મહત્ત્વનો સ્વીકાર છે તેવું પ્રસ્થાપિત કર્યું. નારીમુક્તિના હિમાયતીઓના ૧૯૫૦ પછીનાં આંદોલનમાં સ્ત્રી જાતીય શોષણથી મુક્ત રહેવાનો અધિકાર આપતો થયો અને દિલ્હી શહેરમાં મારો ઘાઘરો જો ઘૂમ્યો. ગીત ગાનાર ઈલા અરુણે કહ્યું કે આ ગીતથી શરૂ થતા દાયકાથી સ્ત્રીઓ પોતાના જાતીય આનંદના અધિકારને પોકારી શકશે. ૨૧મી સદીમાં તો ટી.વી.ના પરદે સ્ત્રી પોતાને સેકસી સેકસી કહી પોતાની પ્રતિષ્ઠાનો સામાજિક એકરાર કબૂલે છે. પોતાના સેકસીપણામાં ગૌરવ અનુભવે છે. જીવનક્રમનાં લાખો વર્ષ વીતવા છતાં પૃથ્વી ઉપરના બીજા જીવો માટે કામ પ્રજોત્પત્તિ સુધી જ મર્યાદિત રહ્યો છે.


શરીરરચનાની રીતે સ્ત્રીઓને બાળ જન્મની પ્રક્રિયામાં એકાંગી રીતે જોતરવાનું ન હોત તો સમાજવ્યવસ્થાની પાર વિનાની ગૂંચો આપોઆપ ઉકેલાઈ જાત. પણ સ્ત્રીશરીરની જૈવિક મર્યાદાની આડઅસર તરીકે પવિત્રતા, વફાદારી અને સરવાળે લગ્નના બંધનને સામાજિક મૂલ્ય તરીકે જાણીતું બનાવી દેવાયું છે, પરંતુ આધુનિક સમાજે જે સ્ત્રીઓને બાળકના જન્મની જવાબદારી ન જોઈતી હોય તેને ગર્ભનિરોધક સાધનો અને દવાની મદદથી તેમાંથી મુક્ત રહેવાની મોકળાશ આપી છે. તેમ મિત્રભાવે સહજીવન જીવવા માગતાં સ્ત્રી-પુરુષને લિવ ઈન રિલેશનની સમજથી સાથે રહેવાનો ન્યાયિક અભિગમ અપનાવી બૌદ્ધિક કામને સમૃદ્ધ કર્યો છે.

બૌદ્ધિક કામ અંગેનો મધ્યકાલીન ભારતીય અભિગમ અપનાવવા જતાં પ્રથમ પગલે સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘટે તેવી ભીતિ પેદા થશે. પ્રત્યક્ષ સ્વરૂપે જોતાં ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં દર ૧૦૦૦ પુરુષોએ ૯૪૫ સ્ત્રીઓની સંખ્યા નોંધાઈ છે અને કામજીવનને આનંદ સાથે જોડી રાખવાથી યુરોપનાં દેશોમાં બન્યું છે તેમ ભારતમાં પણ વસ્તીઘટાડાનું વલણ અખત્યાર થતું જોવામાં આવશે.

પરંતુ આ પ્રકારની ધારણાઓનો તાર્કિક આધાર સ્ત્રીઓના રાસાયણિક ધર્મ સામે ટકકર લઈ શકશે નહીં. સ્ત્રીઓના મગજના આગળના ભાગે પુરુષ કરતાં ૧૫% વધુ ઘનતામાં કોષો સંકલિત થયેલા હોય છે. તેથી સ્ત્રીઓ વધુ ધીરજથી માનસિક પરિશ્રમ વેઠી શકે છે. કૅનેડાની મેડિકલ ઈન્સ્ટિટયૂટનાં સંશોધન તારણો અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં સંવેદનાની આપ-લે વધુ તીવ્રતાથી થાય છે. ડૉ. સાન્દ્રા વાઈટલસમ પોતાના સંશોધનમાં જણાવે છે કે સ્ત્રી શરીરનો મૂળભૂત ઉદ્દેશ રીપ્રોડક્ટિવિટિ છે અને સ્ત્રી શરીરમાં રહેલ એસ્ટ્રોનજન સ્ત્રી શરીરને સુંદર અને નાજુક રાખી પુરુષ શરીર માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી રાખે છે.

એટલું જ નહીં પણ સ્ત્રી શરીર માતૃત્વ માટે સદા તત્પર રહે છે.સમાજજીવનનો આધાર મૂલ્ય હોય છે અને મૂલ્યો સદા પરિવર્તનશીલ હોય છે. તેવી સ્થિતિમાં એક સમયે ગાંધારીને ૧૦૦ સંતાનો માટે ગૌરવ હશે. જરાસંઘ અને કૃષ્ણને હજારો પટરાણીઓ હોવાનું ગૌરવ હશે. આવા ભારતવર્ષમાં આજે રાજ્યના મંત્રીને ૨-૩થી વધુ સંતાનો હોય, તો છાપે છાપવા લાયક ઘટના બને છે અને હિંદુ ધર્મમાં તો બે પત્ની એ ગુનાહિત કૃત્ય બને છે.

આજકાલ કામના પ્રજોત્પત્તિ સંદર્ભને સાધનો અથવા તકનીકના સહારે દૂર કરી શકાતો હોવાથી કામના આનંદનો અર્થ મજબૂત બને છે. પરંતુ સ્ત્રીઓની જૈવિક રચનાથી ઉદ્દભવેલા સૌંદર્યને જાહેર ખબરના પાટિયે, ફિલ્મના પડદે દેખાડાય કે પછી રિસેપ્શનિસ્ટ તરીકે ઉપયોગમાં લેવાય, સ્ત્રીઓના સ્નેહ અને ધીરજના ગુણને શિક્ષક અને નર્સ તરીકેના વ્યવસાય સાથે જોડાય કે પછી સ્ત્રીઓના મસ્તિષ્કના અગ્રભાગે રહેલા કોષોની પ્રગાઢતાને કોઈ કંપનીનાં વફાદાર અધિકારી તરીકે ઉપયોગમાં લેવાય અને વ્યવસાયના ભાગરૂપે સ્ત્રી-પુરુષ અનુકૂળતા મુજબ પરસ્પરને કામ-આનંદ સાથે જોડી રાખે છે તો પણ બૌદ્ધિક કામનો હેતુ તો સરતો નથી.

મધ્યયુગમાં પ્રચલિત બનેલા બૌદ્ધિક કામનો અભિગમ એટલે સ્ત્રી અને પુરુષ શરીરની મુક્ત અભિવ્યક્તિ અને તેજસ્વી સંતાનોનું નિર્માણ. પરંતુ તમામ માતાપિતા જાણે છે કે પોતાનું પહેલું સંતાન મહદંશે એક અકસ્માત હોય છે. માતા-પિતાના પ્રથમ બાળકની ભાવુકતાના મૂળમાં તો મા- બાપની પ્રથમ મિલનની સંવેદનશીલતા પડઘાય છે. પરંતુ પાંચેક વર્ષ વીત્યા પછી પતિ-પત્ની જાતીય વ્યવહાર પ્રત્યે વધુ આનંદિત અને ઓછાં સંવેદનશીલ બન્યાં હોય તે પછીનું બીજું બાળક તરવરાટ અને ચતુરાઈનું પ્રતીક બની રહે છે. આ અનુભવ તમામ સંસારીઓને છે. આ પરિવર્તનશીલનું કારણ પતિપત્નીના સેક્સમાં રહેલું છે; બદલાયેલી અવસ્થામાં થયેલા સમાયોજનામાં રહેલું છે.

આ ઈન્ટલેકટયુઅલ સેકસની વાત હવે ચર્ચવી જોઈએ. સ્ત્રી-પુરુષના કામમાં બૌદ્ધિકતા જળવાઈ રહે તે અંગેના અભિગમની વાત ચર્ચાવી જોઈએ જેથી આપણા દેશનું તમામ પહેલું સંતાન વધુ બુદ્ધિમાન બની રહે. બૌદ્ધિક કામ તાર્કિક બને, સ્વીકાર્ય બને તો, કયારેક દલિતોએ આનંદ ઉજવ્યો તેવું વંચાશે. આપણા સમાજની ભાવુકતા તૂટશે લશ્કરના જવાનો બહાદુરીના જોમથી આગળ વધી તકનીક અને રણનીતિ આધારે યુદ્ધ જીતી શકશે. બૌદ્ધિક કામ દ્વારા બૌદ્ધિક સંતાનોની ઉત્પત્તિના ખ્યાલને પ્રચલિત બનાવવા કયાંક પહેલ થાય તો નવા યુગનું મંડાણ સહેલું બની શકે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top