Columns

બુક પબ્લિશિંગ કેવી રીતે થાય તે શીખો ચિંતનભાઈ શેઠ પાસેથી

ઘણી વ્યક્તિઓને લખવાનો શોખ હોય છે. ઘણાને એવું પણ હોય કે મારી પોતાની બુક પબ્લિશ થાય પરંતુ પોતાની બુક બનાવવા માટે શું કરવું જોઈએ તે મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. આજે આપણે પોતાના આર્ટિકલ અથવા તો બુક પબ્લિશકેશન કેવી રીતે થાય તેની જાણકારી આર.આર.શેઠના ચિંતનભાઈ પાસેથી જાણીશું. આર.આર.શેઠ બુક પબ્લિશિંગ ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે. ચિંતનભાઈ શેઠ અને તેમના ભાઈ રત્નરાજ બંને ભાઈઓએ આર.આર.શેઠ કંપનીને એક નવી ઊંચાઈ આપી છે. હાલના મોબાઈલ યુગમાં દરેક વાચકોને કેવી રીતે વધારેમાં વધારે પુસ્તકપ્રેમી બનાવી શકાય તે માટે બંને ભાઈઓ પ્રયત્નશીલ છે.

1926માં સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીમૂલ્યોના પ્રણેતા શ્રી ભૂરાલાલ શેઠ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લિ.ગુજરાતી પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે છેલ્લાં 96 વર્ષથી કાર્યરત છે. ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉત્તમ લેખકોનાં 5000 ઉપરાંત શ્રેષ્ઠ પુસ્તકોનું પ્રકાશન આ સંસ્થા દ્વારા આજ સુધીમાં કરવામાં આવ્યું છે. ભૂરાલાલ શેઠ બાદ તેમના દીકરા ભગતભાઈ શેઠની રાહબરી નીચે આ સંસ્થાએ સફળતાના અનેક મુકામો હાંસલ કર્યા છે.

ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન પબ્લિશર્સ દ્વારા આપવામાં આવતો ઉત્તમ પ્રકાશક અને ઉત્તમ વિક્રેતાનો એવોર્ડ મેળવનાર એકમાત્ર ગુજરાતી પ્રકાશક તરીકેનું ગૌરવ ધરાવે છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ પુસ્તકોને સરળતાથી વાંચી શકે એ માટે ગુજરાતી પુસ્તકોને eBook તરીકે સૌ પ્રથમ પ્રકાશિત કરવાનો શ્રેય આ સંસ્થાને જાય છે. પુસ્તક પસંદગી, તેનું સુંદર અને સુઘડ પ્રકાશન અને વિતરણ ક્ષેત્રના અનેક માર્ગદર્શક અને મહત્ત્વપૂર્ણ પ્રદાનો આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. ગુજરાતી પુસ્તકોના પ્રકાશનમાં વિવિધતા અને વ્યાપ વધારવા માટેની અનેક યોજનાઓ દ્વારા વાચકોને પુસ્તકો સાથે જોડી આપવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા કરાયું છે.

ચિંતનભાઈ શેઠ યુવાન છે અને મૃદુભાષી વ્યક્તિવ ધરાવે છે. બુક પબ્લિશિંગ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા ચિંતનભાઈ વાચકોના દ્રષ્ટિકોણને સારી રીતે સમજી શકે છે. વાચકોને વિવિધ પસંદગીનાં પુસ્તકો પ્રિન્ટ સ્વરૂપમાં અને ઓનલાઇન મળી શકે તે માટે ચિંતનભાઈએ સફળ પ્રયત્નો કર્યા છે. ઘણી વ્યક્તિઓએ પોતાની બુક બનાવવી હોય છે તે અંગે ચિંતનભાઈનું માનવું છે કે દરેક વ્યક્તિમાં એક સર્જક છુપાયેલો હોય છે. ચિંતનભાઈ પોતાના સરળ અને હૃદયસ્પર્શી સ્વભાવ માટે ખૂબ જાણીતા છે. ચિંતનભાઈએ ઘણા નવા લેખકોને તક આપી છે. ચિંતનભાઈને પહેલા 4-5 પેજનું લખાણ જોઈને જ લેખકની સ્કિલ્સનો ખ્યાલ આવી છે.

ઘણા જૂના અને નવા લેખકોને ચિંતનભાઈ વાચકોને શું ગમશે તે બાબતે ઊંડાણપૂર્વક સમજ આપે છે. હંમેશાં શાંત એવા ચિંતનભાઈ પડદા પાછળના ખેલાડી છે. તેઓએ ઘણા લેખકોને મોટા બનાવ્યા છે પરંતુ પોતે હંમેશાં બેક સીટ પર રહ્યા છે. ચિંતનભાઈ લેખકની સફળતાને હંમેશાં પોતાની સફળતા માનતા આવ્યા છે. આર.આર.શેઠ પબ્લિકેશનના બંને ભાઈઓ ચિંતનભાઈ અને રત્નરાજ આગામી દિવસોમાં વાચકો માટે ઘણા સરપ્રાઈઝ પેકેજ આપે તો નવાઈ નહિ.

  • ચિંતનભાઈએ નવા લેખકો માટે નીચે મુજબનાં સૂચનો કર્યાં છે
  • કોઈ પણ વસ્તુ બાબતે લખતાં પહેલાં તમારે તે બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.
  • તમે જ્યારે પણ લખવા બેસો ત્યારે તમને ગમતું હોય તે નહિ પરંતુ વાચકોને શું ગમશે તે ઉપર વધુ ભાર મૂકવો.
  • તમારું લખાણમાં સારું કન્ટેન્ટ હોવું જોઈએ. સાદી, સરળ અને સ્પષ્ટ ભાષામાં લખવું.
  • તમે જે બાબત માટે લખતા હોવ તે મુદ્દાની યોગ્ય છણાવટ અને રસપ્રદ રજૂઆત કરવી જોઈએ.
  • વધુ પડતું લાંબું લખવા કરતાં સરળ અને મુદ્દાસર લખશો તો વાચકો બોર નહિ થાય.
  • તમે પુસ્તક પ્રકાશિત કરવાનું નક્કી કરો તે પહેલાં પોતાનો બ્લોગ લખી અને સામાન્ય વ્યક્તિઓના અભિપ્રાય જાણવા જોઈએ.
  • તમે રાતોરાત મોટા લેખક નહિ બની શકો, તમારી લાંબાગાળાની મહેનત જ તમને સફળ બનાવી શકશે.
  • જો તમે ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખવાનું વિચારતા હોવ તો શરૂઆત નાના ન્યૂઝપેપરથી અને નવીન વિષયથી કરવી.
  • તમારું લખાણ મૌલિક અને વાચકોને મનભાવે તેવું હોવું જોઈએ.
  • પુસ્તકના શરૂઆતના પહેલાં 10 પાનાં તમે કેવા લખો છો એ મહત્ત્વનું છે. વાચકોને જકડી રાખે એવું લખાણ હોય તો જ વાચકો આખું પુસ્તક વાંચે છે.
    ubhavesh@hotmail.com

Most Popular

To Top