Columns

દેવેન્દ્ર ફડનવિસ અને નવાબ મલિકના આક્ષેપોની તપાસ થવી જોઈએ

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે વણકહી સમજૂતી હોય છે કે તેમણે એકબીજાના ગોટાળાઓ બહાર પાડવા નહીં, જેથી પ્રજા કદી તેમની અસલિયત જાણી શકે નહીં. આર્યન ખાનના કેસમાં મહારાષ્ટ્રના રાજકારણીઓનાં હિતો કંઈક એવી રીતે ટકરાયાં છે કે પેલી સમજૂતીનો ભંગ કરીને તેઓ એકબીજાનાં ગંદાં લૂગડાં જાહેરમાં ધોઈ રહ્યાં છે. જો મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે અને વર્તમાન પ્રધાન નવાબ મલિકે એકબીજા પર કરેલા આક્ષેપોની તટસ્થ અને તળિયાઝાટક તપાસ કરવામાં આવે તો તેમાંથી વિસ્ફોટક વાતો બહાર આવી શકે તેમ છે.

બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના પનોતા પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ તે પછી નવાબ મલિકે તે કેસની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ટોચના અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને પગલે તેમની દિલ્હી બદલી કરીને તેમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. નવાબ મલિકે દેવેન્દ્ર ફડનવિસ પર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ સમીર વાનખેડેના સાથમાં મુંબઈમાં ખંડણીનું રેકેટ ચલાવે છે. દેવેન્દ્ર ફડનવિસે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે નવાબ મલિકને માફિયા ગેન્ગ સાથે ઘરોબો છે. તેમણે મુંબઈ બ્લાસ્ટ કેસના ગુનેગારો પાસેથી સોનાની લગડી જેવી જમીન પાણીના ભાવે ખરીદી હતી.

હવે નવાબ મલિકે નવો ધડાકો કરતાં કહ્યું હતું કે માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત રિયાઝ ભાટી સાથે દેવેન્દ્ર ફડનવિસના સંબંધો છે. દેવેન્દ્ર ફડનવિસની મદદથી તે ભાજપના કાર્યક્રમમાં ઘૂસી ગયો હતો અને તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પણ પડાવ્યો હતો. દેવેન્દ્ર ફડનવિસે વળતો હુમલો કરતાં કહ્યું છે કે રિયાઝ ભાટીને ભારત છોડીને ભાગી જવામાં નવાબ મલિકે જ મદદ કરી હતી. રિયાઝ ભાટીને ક્રિકેટના વહીવટીતંત્રમાં સન્માન નેશનાલિસ્ટ કોંગ્રેસે જ અપાવ્યું છે. જો આ આક્ષેપો સાચા પુરવાર થાય તો અનેક રાજકારણીઓ જેલમાં જાય તેવું છે. પહેલાં આપણે નવાબ મલિક દ્વારા દેવેન્દ્ર ફડનવિસ પર કરવામાં આવેલા આક્ષેપોની છણાવટ કરીએ, કારણ કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન જેવા મહત્ત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. નવાબ મલિકના કહેવા મુજબ વરસોવાનો બિલ્ડર રિયાઝ ભાટી દાઉદ ઇબ્રાહિમનો ગુંડો છે તે બહુ જાણીતી વાત છે. તેની સામે ૨૦૧૯ માં ખંડણીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો, પણ તેને રાજકીય વગને કારણે બે જ દિવસમાં જામીન મળી ગયા હતા. કોર્ટે તેને દેશ છોડીને ભાગી નહીં જવાની શરતે જામીન આપ્યા હતા. ૨૦૨૦ ના ફેબ્રુઆરીમાં તે દુબઇ ભાગી જવાની કોશિશ કરતો હતો ત્યારે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇ.સ. ૨૦૧૫ માં પણ તે બોગસ પાસપોર્ટના ઉપયોગથી દેશ છોડી જતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ ઉપર ચાલતા ખંડણીના કેસમાં પણ રિયાઝ ભાટીનું નામ ચમક્યું હતું. મુંબઇ પોલીસે કરેલા આક્ષેપ મુજબ રિયાઝ ભાટી મુંબઇના હોટેલ અને બારમાલિકો પાસેથી ખંડણી વસૂલ કરતો હતો અને મુંબઇ પોલીસના સસ્પેન્ડેડ ઓફિસર સચીન વાઝેને પહોંચાડતો હતો. સચિન વાઝેને મહિને ૧૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાનું ટાર્ગેટ મુંબઇના ભૂતપૂર્વ પોલિસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું.

નવાબ મલિકનો આક્ષેપ છે કે મહારાષ્ટ્ર ભાજપે ૨૦૧૪ ની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે રિયાઝ ભાટીનો ઉપયોગ કર્યો હતો. તે ૨૦૧૪ ની ચૂંટણીઓ દરમિયાન ભાજપની કાર્યકારી સમિતિનો સભ્ય પણ હતો. ભાજપ ઉપરાંત કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ અને શિવસેનામાં પણ ગુંડાઓનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કરવામાં આવે છે.

નવાબ મલિકે દેવેન્દ્ર ફડનવિસ પર કરેલો બીજો આક્ષેપ વધુ ગંભીર કક્ષાનો છે અને તાત્કાલિક તપાસ માગે છે. તેમના કહેવા મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ૨૦૧૭ ના ઓક્ટોબરમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ૧૪.૫૬ કરોડ રૂપિયાની રદ કરવામાં આવેલી ચલણી નોટો પકડાઈ હતી. આ દરોડો સમીર વાનખેડે દ્વારા પાડવામાં આવ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસે તેમની વગનો ઉપયોગ કરીને કેસને દબાવી દીધો હતો. નવાબ મલિકના કહેવા મુજબ નોટબંધી પછી મહારાષ્ટ્રમાં નકલી નોટોનું જે ષડ્યંત્ર ચાલી રહ્યું છે તે માટે દેવેન્દ્ર ફડનવિસ જવાબદાર છે. નોટબંધીમાંથી અનેક રાજકારણીઓ ન્યાલ થઈ ગયા હશે; પણ પહેલી વખત રાજકારણીઓના ગોટાળા જાહેરમાં આવી રહ્યા છે.

હવે દેવેન્દ્ર ફડનવિસ દ્વારા નવાબ મલિક પર કરવામાં આવેલા આક્ષેપોની છણાવટ કરીએ, કારણ કે તે આક્ષેપો પણ ગંભીર પ્રકારના છે અને દેશની સુરક્ષા સાથે સંકળાયેલા છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સર્વોચ્ચ નેતા શરદ પવારથી માંડીને બીજા અનેક નેતાઓ ઉપર દાઉદ ઇબ્રાહિમની ગેન્ગ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો  થતા આવ્યા છે, પણ હજુ સુધી કોઈનો વાળ વાંકો થયો નથી. નવાબ મલિક પણ નેશનાલિસ્ટ કોંગ્રેસના નેતા છે. તેમના ઉપર આક્ષેપ છે કે તેમણે ૧૯૯૩ ના બોમ્બે બ્લાસ્ટ કેસમાં જેલની સજા પામેલા ગુનેગારો પાસેથી જમીનો ખરીદી હતી. જેલની સજા પામેલી કોઈ પણ વ્યક્તિ પાસેથી જમીન ખરીદવી તે ગુનો નથી બનતો; પણ તેને કારણે જમીન ખરીદનારના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો ઉજાગર થાય છે. જમીન ખરીદનાર વ્યક્તિ જો મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાનના હોદ્દા પર બિરાજમાન હોય તો તે સોદો દેશની સુરક્ષા માટે જોખમી બની જાય છે.

દેવેન્દ્ર ફડનવિસના આક્ષેપ મુજબ નવાબ મલિકે સરદાર શાહ વલી ખાન પાસેથી ૩૦૦ ચોરસ મીટર જમીન ખરીદી હતી, જેને બોમ્બે બ્લાસ્ટ કેસમાં સજા થયેલી છે. નવાબ મલિક કહે છે કે તેમણે તે જમીન તેના મૂળ માલિક પાસેથી ખરીદી હતી, પણ પ્રોપર્ટી કાર્ડમાં સરદાર વલી ખાનનું નામ નીકળતાં તેમણે તેને જગ્યાની કિંમત ચૂકવી દીધી હતી. દેવેન્દ્ર ફડનવિસનો આક્ષેપ છે કે બ્લાસ્ટ કેસના ગુનેગારની જમીન લેવા કોઈ તૈયાર નહોતું. નવાબ મલિકને તેમની સાથે સંબંધ હોવાથી તેમણે તે જમીન સસ્તામાં પડાવી લીધી હતી. નવાબ મલિક પણ તેનો ઇનકાર કરતા નથી.

નવાબ મલિક ઉપર બીજો આક્ષેપ છે કે તેમણે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના ગુંડા સલીમ પટેલ પાસેથી જમીન ખરીદી હતી. નવાબ મલિક તેનો પણ ઇનકાર કરતા નથી; પણ તેમની કથા કાંઇક અલગ છે. નવાબ મલિકના કહેવા મુજબ તે જમીનની માલિકી કોઈ મુનીરા પટેલ નામની મહિલાના નામ પર બોલતી હતી, પણ તેણે સલીમ પટેલને પાવર ઓફ એટર્ની આપી રાખ્યો હતો. રિયલ એસ્ટેટના ધંધામાં સ્ટેમ્પ ડ્યૂટી બચાવવા પાવર ઓફ એટર્ની વડે જમીનો ખરીદાતી હોય છે. જમીન ભલે મુનીરા પટેલની હતી, પણ દાઉદના ગુંડા સલીમ પટેલે તે ખરીદી હતી એટલું નક્કી છે. નવાબ મલિકે તેની સાથે જ સોદો કર્યો હતો અને દસ્તાવેજ પણ તેની સાથે કર્યો હતો. જે પ્રધાન દાઉદના ગુંડાઓ સાથે જમીનના સોદાઓ પાડતો હોય તે પ્રજાની રક્ષા કેવી રીતે કરી શકે? જો મહારાષ્ટ્રના રાજકારણીઓ દ્વારા એકબીજા પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની તપાસ કરીને સત્ય બહાર આણવામાં આવે તો અનેક રાજકારણીઓ જેલમાં ધકેલાઈ જાય તેમ છે.

Most Popular

To Top