SURAT

મનપા તંત્ર થાકી ગયું, પાર્લેપોઈન્ટ બ્રિજ નીચેનો મલ્ટિ એક્ટિવિટી ઝોન પીપીપી ધોરણે આપી દેશે

સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા (Surat Municipal corporation) દ્વારા પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Fly over bridge) નીચે તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોનની જાળવણી જ થતી નહીં હોવાના ‘ગુજરાતમિત્ર’ના અહેવાલને પગલે મેયર દોડતા થઈ ગયા હતા. મેયરે સ્થળ મુલાકાત લેવાની સાથે સફાઈ કરાવી સિક્યુરિટી ગાર્ડ મુકાવ્યા પણ, ફરીથી પરિસ્થિતિ જેમની તેમ જ થઈ ગઈ હતી. આજે પણ આ મલ્ટિ એક્ટિવિટી ઝોનમાં ઠેકઠેકાણે ગંદકી જોવા મળી હતી. મેયરે હવે થાકીને આ એક્ટિવિટી ઝોન પીપીપી ધોરણે આપી દેવા માટે કવાયત શરૂ કરી છે.

મનપા દ્વારા શહેરીજનો માટે કરોડોના ખર્ચે પ્રોજેક્ટો તો સાકાર કરી દેવામાં આવે છે. પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા જ તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી, એક મહિના પહેલા જ કરોડોના ખર્ચે સાકાર થયેલા મલ્ટિ પર્પઝ એક્ટિવિટી ઝોનની હાલત ખરાબ થઈ રહી છે. અહી સુશોભન માટે મુકાયેલી છત્રીઓ પણ ચોરાઈ રહી છે અને લોકો ગંદકી અને નુકસાન કરી રહ્યા છે.

તંત્ર તેની જાળવણી કરવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. જેથી હવે અહી મેઈન્ટેનન્સ માટે પીપીપી ધોરણે આપવામાં આવશે. મેયરની વિઝિટના બીજા જ દિવસે અહી ફરી ગંદકી થઈ ગઈ હતી. રાત્રે સિક્યુરિટી સ્ટાફ પણ હોતો નથી. જેથી હવે અહીંના મલ્ટિ એક્ટિવિટી ઝોનની જાળવણી કરવા માટે આ પ્રોજેક્ટને પીપીપી ધોરણે આપવા માટેની કવાયત કરવામાં આવી રહી છે તેમ મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, મનપા દ્વારા બ્રિજ (Bridge) નીચેની પાર્કિંગની (Parking) સાથે સાથે મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સાઈકલિંગ માટે કુલ 40 સ્ટેન્ડ તૈયાર કરાયાં છે. સાથે જ પે એન્ડ યૂઝ ટોઇલેટ બ્લોક પણ બનાવાયા છે. ઉપરાંત અહીં નવતર પ્રયોગ કરી એલઈડી સીટિંગ બેંચ બનાવાઈ છે. આ બ્રિજ નીચે 200 મીટર લંબાઈમાં 12 વિવિધ માઈલ સ્ટોન મુકાયા છે. જેમાં શહેરના ઈતિહાસ વિશે માહિતી અપાઈ છે. જેથી લોકો વોક કરતાની સાથે સાથે માહિતી મેળવી શકે. અહીં જોગિંગ અને સ્કેટિંગ કરી શકાય તે રીતની વ્યવસ્થા પણ છે.

તેમજ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના વિજેતાઓની જાણકારી આપતી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. સાથે જ બ્યુટિફિકેશનમાં વેસ્ટમાંથી બેસ્ટના કોન્સેપ્ટ પર સ્કલ્પચર તૈયાર કરી મુકાયા છે. જાહેર જનતા માટે આ પ્લેસ ખુલ્લી મુકાતા જ અહી મોટી સંખ્યામાં લોકો ફોટો પડાવવા અને ફરવા આવી રહ્યા છે પરંતુ લોકો દ્વારા વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે.

મનપા દ્વારા અહી સિક્યુરિટી સ્ટાફ મુકાયા છે પરંતુ અહી કોઈ સિક્યુરિટી સ્ટાફ હાજર રહેતા જ નથી જેથી શહેરીજનો બિન્દાસ્ત અહી તોડફોડ કરી રહ્યા છે. આ અંગેનો અહેવાલ ગુજરાતમિત્ર માં પ્રકાશિત થતાં તંત્ર દોડતું થયું હતું અને હવે આખરે પીપીપી ધોરણે તેને ફાળવી દેવાનો નિર્ણય લેવાયો છે.

Most Popular

To Top