Charchapatra

આધાર કાર્ડ દેશ માટે સૌથી મોટો “આધાર” બની શકે એમ છે

અગાઉની કોંગ્રેસ (યુ.પી.એ.) સરકારની દરેક યોજનાઓનો વિરોધ તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો,  જેમાં આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીએ આધારકાર્ડનો વિરોધ કરતાં દલીલ કરેલી કે એનાથી પ્રજાની પ્રાઇવસી જોખમમાં મુકાશે. પરંતુ આધારકાર્ડ દેશની સલામતિ અને વ્યવસ્થા માટે સૌથી મોટો “આધાર” બની શકે એમ છે. વિદેશોમાં જેમ સોશ્યલ સિક્યુરિટી નંબર હોય છે, તેમ દેશની સલામતી અને વ્યવસ્થા માટે આધાર કાર્ડ કઈ રીતે ઉપયોગી બની શકે એમ છે તેના કેટલાક મુદ્દાઓ વિશે વિચારીએ.

પ્રથમ તો દેશમાં જ્યાં જ્યાંથી ઘુસણખોરોની ઘૂસવાની સંભાવના અધિક છે એ સરહદોને જડબેસલાક શીલ કરવી જોઈએ. દેશમાં વસતા પ્રત્યેક નાગરિકને પૂરતા પુરાવાને આધારે આધાર કાર્ડ નિઃશુલ્ક provide કરવો જોઈએ. પછી ભલે આધારકાર્ડમાં સુધારા વધારા માટે એક નિશ્ચિત ફી  નક્કી થાય.  આવી વ્યવસ્થા જડબેસલાક ગોઠવાય તો સી.એ.એ. અને એન.આર.સી. જેવા કાયદાની કોઈ જરૂર નથી. જન્મ વખતે જ બાળકને આધાર કાર્ડ મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. નામ ભલે પાછળથી દાખલ થાય. મૃત્યુ થાય ત્યારે પણ આધાર કાર્ડની નોંધણી અનિવાર્ય બનાવવી જોઈએ.

જેથી દેશમાં દરરોજ કેટલા જન્મ અને કેટલા મરણ થયાં તેની સંખ્યા મળી રહે અને જેના કારણે દરરોજ દેશની કુલ સંખ્યાનો આંકડો પણ મળતો રહે.  આવી વ્યવસ્થાને કારણે દેશમાં થતી દર દશ વર્ષે વસ્તી ગણતરી પાછળ હજારો કરોડોના ખર્ચથી પણ બચી શકાય છે. બનાવટી આધારકાર્ડ કાઢી આપનારને માટે દાખલા રૂપ સજાની જોગવાઈ હોવી જોઈએ. માલમિલકત ઝવેરાત અને વાહન ખરીદતી વખતે આધારકાર્ડ ફરજિયાત બનાવવો જોઈએ,  જેથી સરકારને ખબર પડે કે ક્યાં કેટલા નાણાંનો વહીવટ થયો છે અને જેના આધારે ઇન્કમટેક્સનું આકલન પણ થઈ શકે એમ છે. ટૂંકમાં આધાર કાર્ડથી દેશમાં વસતા પ્રત્યેક નાગરિકનું નાગરિકત્વ નક્કી થશે. આધારકાર્ડને કારણે વસ્તીગણતરીના ખર્ચથી પણ બચી શકાશે. કાળા નાણાંને પણ નાથી શકાશે અને ઘણાં લોકોને ઇન્કમટેક્સના દાયરામાં પણ લાવી શકાશે.
સુરત     – પ્રેમ સુમેસરા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top