SURAT

સુરતમાં એક ટેક્સટાઈલ પાર્ક બનશે, બજેટમાં બે પાર્ક માટે જાહેરાત

રાજ્ય સરકારના નાણામંત્રી નિતિન પટેલે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 20202-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ટેક્સટાઇલ સેક્ટર માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઇ જાહેર કરી હતી. નાણામંત્રીએ કેન્દ્ર સરકારની યોજનાને આધારે રાજ્યમાં 2 ટેક્સટાઈલ પાર્કની જાહેરાત કરી હતી. નાણામંત્રીની આ જાહેરાતને પગલે કાપડ ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બે ટેક્સટાઇલ પાર્ક પૈકી એક ટેક્સટાઇલ પાર્ક સુરતને મળશે તેવી અપેક્ષા કાપડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે.

સુરતના કાપડ ઉદ્યોગકારો અને ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વેપારી સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી લાંબાં સમયથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્કની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દેશભરમાં સાત ટેક્સટાઇલ મેગા પાર્ક બનાવવા માટેની જોગવાઇની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારના બજેટમાં થયેલી ટેક્સટાઈલ પાર્ક માટે થયેલી જોગવાઈથી સુરતને એક ટેક્સટાઈલ પાર્ક ચોક્કસ મળે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

મંગળવારે જ ચેમ્બર દ્વારા ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીને ભરૂચના કંટિયાજાળ અને સુરતના ગભેણી ખાતે પાર્ક માટે સરકારના કબજાવાળી 2 જગ્યા શોધી કાઢવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો છે. પાર્ક તૈયાર કરવા માટેની ગાઈડલાઈન ઝડપથી જાહેર કરીને આ 2 જગ્યાએ સરકારી જમીન ફાળવણી કરવા માટે માંગ કરવામાં આવી છે. બુધવારે રાજ્ય સરકારના બજેટમાં કેન્દ્ર સરકારીની યોજના પ્રમાણે 2 પાર્ક તૈયાર કરવા જાહેરાત થઈ છે. તે પૈકી 1 પાર્ક સુરત અને 1 પાર્ક અમદાવાદમાં તૈયાર થઈ શકે તેવી ચર્ચા શરૂ થઈ છે.

ચેમ્બરના માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કરેલી જાહેરાતથી ચોક્કસ સુરતને 1 પાર્ક મળે તેવી સંભાવનાઓ સર્જાઇ છે. આવનારા 4 થી 5 દિવસમાં રાજ્ય સરકારને રૂબરૂ મુલાકાત લઈ સુરતમાં પાર્ક તૈયાર થાય તે માટેની શક્યતાઓ સહિતની રજૂઆત કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રિયલ પોલિસીમાં 1500 કરોડની જોગવાઇ કરવામાં આવી
રાજ્ય સરકારની ટેક્સટાઈલ પોલિસીના લાભાર્થીઓને ઈન્ડસ્ટ્રિયલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે 2020-2024 માટે જાહેર થનારી ઈન્ડસ્ટ્રિયલ પોલિસી માટે ઉદ્યોગકારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. ત્યારે 5 વર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા નવી ઈન્ડસ્ટ્રિયલ પોલિસી અંતર્ગત રૂ.1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પેટ્રોલ-ડીઝલમાં ટેક્સ ઘટાડવાની જરૂર હતી
વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા રાજ્ય સરકારના બજેટમાં આરોગ્ય ક્ષેત્રે અને એગ્રિકલ્ચર ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી જોગવાઇઓને આવકારદાયક ગણાવવામાં આવી હતી. જોકે પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવા તેમજ પેટ્રોલ, ડીઝલ પર વેટ ઘટાડવાની માંગ સંતોષાઇ નથી તેવું જણાવવામાં આવ્યું હતું.

સુરતની કોમન ફેસિલિટી સેન્ટરની માંગ પણ પૂર્ણ થવાની આશા
નાના એકમો આંતરાષ્ટ્રીય માર્કેટમાં હરિફાઈ કરી શકે તે માટે વિવિધ ટેકનોલોજી સપોર્ટ પૂરા પાડવા માટે કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર કરવા માટે રાજ્ય સરકારે રૂ.14 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે. સુરત ચેમ્બર દ્વારા રૂ.34 કરોડના ખર્ચે સીએફસી સેન્ટર તૈયાર કરવાનો પ્રપોઝલ રાજ્ય સરકારને આપવામાં આવ્યું છે. જેને પણ ટૂંક સમયમાં મંજૂરી મળી તેવી શક્યતા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આવકારદાયક બજેટ
વિવર અગ્રણી મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું બજેટ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખુબ આવકારદાયક છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સાત મેગા ટેક્સટાઇલ પાર્ક પૈકી બે ગુજરાતમાં લાવવાની વાતો કહી છે તેનાથી કાપડ ઉદ્યોગને મોટો લાભ થશે. સાથે સાથ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 1500 કરોડ અને લઘુ, સુક્ષ્મ તેમજ મધ્યમ ઉદ્યોગ માટે કરવામાં આવેલી જોગવાઇને લીધે રોજગારી સર્જાશે.

એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના માટે 50 કરોડની જોગવાઇ
જિલ્લા સહકારી આગેવાન જયશે એન પટેલ( દેલાડે) જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિકાસને ધ્યાને રાખી એગ્રો અને ફુડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજનાના માધ્યમથી બેકવર્ડ અને ફોરવર્ડ લીકેજીસની જરૂરિયાતોને પહોંચી વળવા 50 કરોડની જોગવાઇ કરવામા આવી છે. બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા 55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ફૂ઼ડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખ રૂપિયાની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 82 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામા આવી છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને એક ટોકર વિના મુલ્યે આપવા માટે 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top