Sports

સરફરાઝ ખાનને આખરે તક મળી, ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂના નવ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી

મુંબઈઃ (Mumbai) બેટ્સમેન સરફરાઝ ખાનનો (Sarfaraz Khan) આખરે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવનાર આ જમણા હાથના બેટ્સમેનને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો છે. તે ટીમમાં ઈજાગ્રસ્ત કેએલ રાહુલનું સ્થાન લેશે. સરફરાઝે તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2014માં રમી હતી. નવ વર્ષ બાદ તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. સરફરાઝે છેલ્લા કેટલાક વર્ષોમાં એવું પ્રદર્શન આપ્યું છે કે તેની અવગણના કરવી મુશ્કેલ હતી. જ્યારે પણ ટીમની પસંદગી કરવામાં આવી અને સરફરાઝ ત્યાં ન હતો ત્યારે પસંદગીકારોની ટીકા થતી હતી. હવે રાહુલની ઈજાના કારણે આ ખેલાડીનું નસીબ ખુલ્યું છે.

રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે અને બીજી ટેસ્ટ માટે ટીમની બહાર છે. બીસીસીઆઈએ આ જાણકારી આપી છે. જાડેજાને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે જ્યારે રાહુલને ક્વાડ્રિસેપ્સની ઈજા છે. હાલના સમયમાં રાહુલ ભારત માટે ટેસ્ટ મેચોમાં મિડલ ઓર્ડરમાં પણ રમી રહ્યો છે. સરફરાઝ પણ મુંબઈ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયા હૈદરાબાદમાં પ્રથમ મેચ 28 રને હારી ગઈ હતી. આ રીતે તે શ્રેણીમાં 0-1થી પાછળ છે. બીજી મેચ દરમિયાન ભારત પર ઘણું દબાણ રહેશે. હવે જોવાનું એ રહે છે કે સરફરાઝને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં, કારણ કે ટીમમાં અન્ય એક મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર છે. તે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવાની પણ રાહ જોઈ રહ્યો છે.

સરફરાઝ 2020 થી સારુ પ્રદર્શન કરી રહ્યો છે
સરફરાઝ 2020 થી સતત ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. 2022-23 સિઝનમાં સરફરાઝે છ મેચમાં 92.66ની એવરેજથી 556 રન બનાવ્યા છે જેમાં ત્રણ સદીનો પણ સમાવેશ થાય છે. 2021-22 સીઝનની છ મેચોમાં તેણે 122.75 ની સરેરાશથી 982 રન બનાવ્યા જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. 2019-20 સિઝનમાં સરફરાઝે મુંબઈ માટે છ મેચોમાં 154.66ની પ્રભાવશાળી સરેરાશથી 928 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સદી સામેલ હતી. મતલબ કે સરફરાઝે કુલ 10 સદી ફટકારી છે. તેના નામે ત્રણ ડોમેસ્ટિક સીઝનમાં 2466 રન છે જે એક મહાન રેકોર્ડ છે. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન નથી જેણે છેલ્લી ત્રણ સિઝનમાં આવી સિદ્ધિ મેળવી હોય.

સરફરાઝની એકંદર કારકિર્દી
સરફરાઝે અત્યાર સુધીમાં 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેણે 66 ઇનિંગ્સમાં 3912 રન બનાવ્યા છે. સરફરાઝની એવરેજ 69.85 છે. તેણે 14 સદી અને 11 અડધી સદી ફટકારી છે. સરફરાઝના નામે પણ ત્રેવડી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 301 રન છે.

Most Popular

To Top