Editorial

તાલિબાન માત્ર અફઘાનીઓ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખતરો

તાલિબાન જેમને કેટલાક લોકો તાલેબન તરીકે પણ ઓળખે છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પણ પોતાની ઓળખ આપનારા અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો છે જે હાલમાં સરકાર સામે જેહાદી યુદ્ધ ચલાવી રહ્યા છે. ૨૦૧૬થી તાલિબાનનો નેતા માલાવાવી હિબતુઉલ્લાહ અકુન્ન્ઝડા છે. એક સમયે અફઘાનિસ્તાનમાં એક ખૂબ રૂઢિચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઈ હતી. પરંતુ, ૧૧ સપ્ટેમ્બરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આંતકવાદી હુમલાના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા લોકશાહી રાજ્યતંત્રની સ્થાપના કરી. આ તાલિબાનને પાડોશી દેશો પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાનના આંતકવાદી સંગઠનોનો સહયોગ છે. તાલિબાનનું મુખ્યમથક અફઘાનિસ્તાનનું કંદહાર છે.

હાલમાં એટલે કે ઑગસ્ટ ૨૦૨૧ મા ફરી સત્તામાં ફરી તાલિબાનની સરકાર આવી રહી છે. અફઘાનિસ્તારન પર કબજો થતાંની સાથે જ એક પત્રકાર પરિષદને સંબોધતા તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદીએ વિશ્વાસથી કહ્યું કે અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દૂતાવાસ કે સંસ્થાને નુકસાન નહીં કરીએ. પ્રવક્તાએ કહ્યું કે આંતરાષ્ટ્રીય સમૂદાયે તાલિબાન સરકારને માન્યતા આપવી જોઈએ. પ્રવક્તાએ જણાવ્યું કે વીતેલા સમયમાં અમે જેની પણ સાથે યુદ્ધ કર્યું તેને અમે માફ કરી દીધા છે, તાલિબાન લોકોની સુરક્ષા કરવા કટિબદ્ધ છે. અમે કોઈની પણ સાથે બદલાની ભાવનાની કામ નહીં કરીએ.તાલિબાની પ્રવક્તાએ પડોશી દેશોને એવી પણ ખાતરી આપી કે આતંકવાદ માટે અમારા દેશનો કદી પણ ઉપયોગ નહીં કરવા દીએ. અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમૂદાય અમને માન્યતા આપશે. મુજાહિદે મહિલાઓ પર તાલિબાનની સ્થિતિ સ્પષ્ટ કરી અને કહ્યું કે તેઓ મહિલાઓને ઇસ્લામના આધારે તેમના અધિકારો આપવા પ્રતિબદ્ધ છે. તેઓ કહે છે કે મહિલાઓ આરોગ્ય ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરી શકે છે.

તેમનું કહેવું છે કે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. તાલિબાની પ્રવક્તાએ જણાવ્યું કે તાલિબાન સરકારના રાજમાં મહિલાઓ સ્કૂલો અને હોસ્પિટલોમાં કામ કરી શકશે. જો કે, તેમની વાત માત્ર કહેવા પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, સત્તામાં આવતાની સાથે જ 12થી લઇને 40 વર્ષની સ્ત્રીઓ સાથે બળજબરી તાલિબાનો શારીરિક સંબંધો બનાવી રહ્યાં છે. મહિલાઓની જાહેરાત વાળા પોસ્ટર્સ પર કાળો કલર મારવામાં આવી રહ્યો છે. ન્યૂઝ એન્કર મહિલાઓને પણ સ્ટુડિયોમાં કામ કરવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. બુરખા વગર મહિલાઓને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આ તો વાત થઇ તાલિબાનોના તેમના જ દેશમાં મહિલાઓ પર અત્યાચારની પરંતુ, તાલિબાન માત્ર અફઘાનો માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખતરો છે. કારણ કે, તાલિબાની આતંકવાદીઓ કોઇ શહેર કે પ્રદેશ પર નહીં પરંતુ એક આખા દેશ પર હુકુમત ચલાવશે.

સેનામાં આધુનિક હથિયારથી સજ્જ આતંકવાદીઓ હશે અને તેઓ તેમની વિચારધારા સમગ્ર દુનિયા પર લાદવા માટે અનેક આતંકવાદી આકાઓને શરણ આપશે. અફઘાનિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી બની જશે અને પછી દુનિયાના જુદા જુદા દેશો પર આતંકવાદી હુમલાઓ થશે એ દીવા જેવી સ્પષ્ટ બાબત છે. તાલિબાનની સત્તા સ્થપાતા જ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ગ્રેટર સિરિયા ફરીથી સક્રિય થઇ જશે. આ બંનેની વિચારધારા એક સરખી જ છે. આઇએસઆઇએસ પણ ઇરાક અને સિરિયાને ભેગા કરીને શરિયતના કાયદા ધરાવતું ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે એટલે તેના આતંકવાદીઓને પણ તાલિબાનોનું સમર્થન મળે અને અફઘાનિસ્તાનમાં તેમને પનાહ મળી જશે અને ત્યાંથી તેઓ ઇરાક અને સિરિયા પર કબજો કરવાની કોશિશ કરશે. ઇરાનની વાત કરીએ તો ઇરાનમાં શિયા મુસ્લિમની વસ્તિ 37 ટકા છે તેમ છતાં ત્યાં શિયાઓનું રાજ છે અને શિયા સુન્ની વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એટલે આ આતંકવાદી સંગઠનોથી ઇરાકને પણ મોટો ખતરો ઊભો થશે. લશ્કરે તૈયબા અને અલકાયદા બંને આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનમાં જ ટ્રેનિંગ અપાતી હતી એટલે હવે લશ્કરે તૈયબા વધુ મજબૂત થશે અને ભારત પર હુમલા કરાવશે.

આફ્રિકાની વાત કરીએ તો ત્યાંના અલકાયદા કરતાં પણ વધારે ખતરનાક આતંકવાદી બોકોહરામ વધુ મજબૂત થશે. બોકો હરામ હાલ આફ્રિકાના આઠ થી દશ દેશમાં સક્રિય છે અને ત્યાં તેમનો આતંકવ વધશે કારણ કે, તાલિબાન અને બોકો હરામ વચ્ચે સીધા સંબંધ છે. તેવી જ રીતે ઇઝરાયલ સામે લડત ચલાવતું હમાસ પણ ફરી વધુ સક્રિય થશે અને તેની તાકાત પણ પહેલાં કરતાં વધશે કારણ કે, તે પણ સુન્ની આતંકવાદી સંગઠન છે.અલ્જિરિયામાં સક્રિય આર્મ્ડ ઇસ્લામિક ગ્રુપ પણ તેના સ્યુસાઇડ બોમ્બર્સ માટે જાણીતું છે અને તે ઉત્તર આફ્રિકામાં ફરી આતંક મચાવવાનું શરૂ કરશે. આ તમામ સંગઠનોના સ્લીપર સેલ પશ્વિમી દેશોમાં પણ હયાત છે એટલે હવે તેઓ ફરી પશ્વિમી દેશો જેઓ તમામ આતંકવાદી સંગઠનોની રડાર પર છે તેમના પર હુમલાઓ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ તાલિબાનોની સત્તાના કારણે માત્ર અફઘાનોને જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ખતરો ઊભો થયો છે.

Most Popular

To Top