Columns

સાથે લઈને આગળ વધવું

અમુક ટુરીસ્ટો ગામડાની લાઈફ કેવી હોય તે જોવા માટે ખાસ પંદર દિવસ ગામડામાં રહેવા આવ્યા હતા.ગામનાં લોકોએ તેમનું સ્વાગત કર્યું …ગામની નદી ,મંદિર ,પાદર ,ખેતર ,બતાવ્યાં. સાંજે ગામના મુખીએ તેમને દેશી જમણ માટે આમન્ત્રણ આપ્યું અને રોટલો ને રીંગણાનો ઓળો, માખણ, છાશ વગેરે જમાડ્યા, મુખીના ઘરમાં કમ્પ્યુટર પણ હતું અને ચૂલો પણ …આમ આધુનિક જમાના અને જૂની રીત બંનેનો સમન્વય હતો તેમના ઘરમાં….એક ટુરિસ્ટે પૂછ્યું, ‘મુખી સાહેબ તમને કમ્પ્યુટર આવડે છે?’ મુખીએ ઉત્સાહથી કહ્યું, ‘મારા દીકરાને આવડે છે અને છેલ્લા બે મહિનાથી હું શીખી રહ્યો છું.

હવે મને ઈ મેઈલ મોકલતાં આવડી ગયું છે.’બીજાએ સવાલ કર્યો, ‘તમારો દીકરો વિદેશ રહે છે?’ મુખીએ કહ્યું, ‘ના ના મારો એકનો એક દીકરો છે. વિદેશ શું કામ મોકલું…મારો દીકરો તો અહીંની એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલીસ્ટ છે અને આધુનિક રીતે ખેતી કઈ રીતે કરવી તે ગામના લોકોને શીખવી રહ્યો છે અને કોલેજમાં પ્રોફેસર પણ છે.’એક ટુરિસ્ટથી બોલાઈ ગયું, ‘ગોલ્ડ મેડાલીસ્ટ છે તો પછી તે અહીં શું કામ સમય અને જિંદગી વેડફી રહ્યો છે …વિદેશમાં તેને ઘણા રૂપિયા મળશે. આ ગામડિયાઓને શીખવીને શું મળશે?’

મુખીને ગમ્યું નહિ, છતાં શાંત રહી બોલ્યા, ‘માફ કરજો, તમે બધા ગામના મહેમાન છો ..મારા મહેમાન છો અને મહેમાન તો ભગવાન બરાબર એ અમારી ગામડાની સન્સ્કૃતિ છે.પણ તમે જો એમ વિચારતા હો કે ગામડાં એટલે પછાત જ …અભણ ગરીબ લોકો …જાણકારી વિનાના …સુવિધા વિના અભાવો છે જેમ તેમ જીવન જીવતા લોકો …..પરંતુ આ તમારી ભૂલ છે.અમે અમારી સંસ્કૃતિને જાળવીને આગળ વધીએ છીએ.અમે શેરના લોકોની જેમ સ્વાર્થી નથી …શહેરમાં તમે બધા સ્વાર્થી જીવન જીવો છો …ભણીને ,જ્ઞાન મેળવીને દેશ છોડીને વિદેશ જવાના મોકા પાછળ દોડો છો.મારું જ્ઞાન મારા દેશ અને તેના લોકોને કઈ રીતે કામ આવે તેનો કોઈ વિચાર કરતા જ નથી.અમે અમારા મૂળથી જોડાયેલાં છીએ અને અમે વહેંચીને જીવવાની રીત શીખ્યા છીએ …આખું ગામ એક કુટુંબની જેમ રહે છે.મારા દીકરાની મહેનતથી છેલ્લાં બે વર્ષમાં અમારી બધી જ ખેતીલાયક જમીન પર આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિ પ્રમાણે ખેતી થાય છે અને માત્ર મારી નહિ આખા ગામના ખેડૂતોની ઉપજ અને આવકમાં વધારો થયો છે.વિદેશમાં જઈને મારો દીકરો પૈસા ચોક્કસ વધારે કમાત…પણ અહીં તેને માન સન્માન મળે છે …પોતાના કામનો તેને સંતોષ મળે છે …ગામલોકોના આશિષ મળે છે. આ બધું તેને વિદેશમાં નહિ મળે અને તમારી જાણ માટે કહું છું કે મારો દીકરો વિદેશની યુનિવર્સિટીમાં લેકચર આપવા પણ જાય છે અને ગામની ખેતી પણ સંભાળે છે.બધાને સાથે લઈને આગળ વધે છે અને તેનું મને અભિમાન છે.’મુખીની વાત સાંભળી ટુરિસ્ટ બધા ચૂપ થઈ ગયા.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top