Comments

જીવદયાના સ્થાને કેટલ ફાર્મને વ્યવસાય તરીકે અપનાવીએ

મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞ દેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન સંખ્યાથી મપાતી. પરંતુ યોગેશ્વર કૃષ્ણે પ્રાણી તરીકે ગાયનું પુન:પ્રતિષ્ઠાન કર્યું. ગોવાળિયા તરીકે, માખણચોર તરીકે, ગોચર-ગોવર્ધનના ધારક તરીકે ગાયોમાં માતૃ સ્વરૂપનું દર્શન, એક નવા આયામથી પ્રેર્યું અને પછી તો ભક્તો, સંતોએ પોતાનાં પદ-ગાન-કથન દ્વારા ગાયોમાં ૩૩ કોટિ દેવતાઓને સ્થાપ્યા. સામાજિક મૂલ્યોમાં ફેરબદલનો ત્રીજો તબક્કો આજથી ૩૨૦૦ વર્ષ પહેલાં જૈન ધર્મ દ્વારા પ્રેરિત થયો. ભગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મ, વિચારસત્ત્વના તાર્કિક અમલ માટે જીવદયાને પ્રચલિત કરી ગાય સ્વરૂપને કરુણામય જાણી. તીર્થંકરોએ ગોપાલનને નૈતિક, સદવ્યવહાર, પુણ્ય ઉપાર્જન માટેનાં અને ધર્મ તરીકે બિરાદાવ્યું.

ગુજરાતની ભૂમિ ઉપર તો મહાજન અને ગૌ સેવા એકમેકના પર્યાય શબ્દ બની ગયા. દીન-દુખિયારી ગાયો પણ ક્તલખાને ન જાય તે માટે પાંજરાપોળ શરૂ કરવામાં આવી. જીવદયાના રસ્તે જ ધર્મનું કાર્ય જાણી રાજવીઓએ રાજ્યની વણિક પ્રજાની ખુશહાલી માટે પાંજરાપોળોને વિશાળ ગૌચર ફાળવી. જૈન ધર્મીઓએ તો પાંજરાપોળની ગાયો માટે અઢળક દાન વહેવડાવ્યું. તો આજે એકલા ગુજરાતમાં ૧૭૦૦ પાંજરાપોળોમાં ૧૩,૬૦,૦૦/ – પશુઓ છે, જે રાજ્યની કુલ વસ્તીના ૯% છે. વર્તમાન સ્થિતિમાં ગાયો હિંદુ ધર્મનું પ્રતીક બની જતાં આજે ભેંસ, ઘેંટાં, બકરાં, ઊંટ પ્રકારનાં તમામ દૂધાળાં પ્રાણીઓને બાકાત રાખી માત્ર ગૌમાતાને પ્રતિબંધિત ધારા નીચે અભય વરદાન આપવામાં આવ્યું છે.

ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી પ્રા.ડૉ. લાકડાવાલાએ અર્થશાસ્ત્રમાં શિફટીંગ એજન્ડાનો વિચાર આપ્યો છે. તો ડૉ. વર્ગીસ કુરીયને શ્વેત ક્રાંતિના ખ્યાલ થકી દૂધ અને દૂધની આડ પેદાશો અંગે ભારતને તમામ દૂધાળાં પ્રાણીઓની ઉપયોગિતાથી વાકેફ કર્યા. ૧૯૭૨ થી ૨૦૦૧ના સમયગાળામાં ખેડૂતોના ૧૮ થી ૨૦ સંઘો રચી ગુજરાતનાં તમામ ગામડાંઓના પશુપાલકોના દૂધને અમૂલ બ્રાન્ડ નીચે સંકલિત કર્યું છે. એટલું નહિ પણ, એટલા અમૂલ ઉદ્યોગના માધ્યમથી વર્ષે ૩૫૦૦૦ કરોડની દૂધ અને દૂધની બાય પ્રોડકટનું વેચાણ વિસ્તાર્યું છે. આથી ગુજરાતમાં ૧૮ લાખથી વધુ પશુપાલકોની વાર્ષિક આવક રૂ.૮૬૪.૭ કરોડ સુધી પહોંચી છે.

જમીન ઉપરની બીજી હકીકત એ જોવા મળે છે કે ૨૧મી સદીમાં વિજ્ઞાન અને તકનીક વિકસતા મધ્યમ કદની ઈજનેરી વિદ્યા પ્રચલિત બનતાં ગુજરાતમાં છાણ આધારિત ગેસની તકનીક વર્ષોથી પ્રચલિત બની રહી છે. ઢોરનું છાણ હવનકાર્યમાં, મૃત્યુ સમયે કુલડીમાં કે સુવાવડીના શેક માટેના બળતણના છાણાથી વિશેષ ઔદ્યોગિક એકમ તરીકે જોવાતાં થયાં છે. છાણ એટલે ગંદવાડ નહીં, પણ ૬.૫ % મીથેન, ૪ % રૂઈબર, ૦.૭ %પ્રોટીન, ૦.૪ ફેટ%, ૨૦% કાબોહાઈડ્રેટ તરીકે રાસાયણિક ઉપયોગિતા ધરાવે છે. રસોડા માટેના ઉત્તમ બળતણથી વિશેષ પશુઓનું છાણ પાવર જનરેટર માટે ઉત્તમ ઇંધણ બન્યું છે. બાયોગેસ ઉપયોગમાં લેવાયા પછી ઉત્તમ સેન્દ્રિય ખાતર બને છે.

૨૪ કલાકમાં ૬૦ થી ૮૦ કીલો ઘાસચારો ખાતી પાંજરાપોળની જે એક ગાય રોજના ૬ થી ૮ કીલો પોદળો (છાણ) આપે છે. જેની કિંમત ૨.૪૫ થાય છે. જીવ માત્રના દેહમાં તેના કુલ વજનનો ૭૦% ભાગ પાણી અને ભેજ હોય છે. આથી પશુઓને જીવિત રહેવા રોજ ૨૪ કલાકમાં ૪૦ થી ૫૦ લીટર પાણી પીવું પડે છે. આથી પશુ શરીરમાં બનતું સૂત્ર પેશાબ વાટે ૨૪ કલાકમાં ૮ લીટર ઉત્સર્ગ પામે છે. આ ગૌમૂત્ર ઉત્તમ ખાતર છે. તેમાં રહેલ પેસ્ટીસાઈડથી ખેતીમાં દેખાતા ૧૯ પ્રકારના જીવાણુઓ કાબૂમાં રહી શકે છે અને આથી જ પ્રત્યેક ગાયના દિવસભરના મૂત્રમાંથી પ્રતિદિન રૂ.૫૮૦/- ની કિંમતનો પેશાબ ખાતર અને દવા રૂપે આવક મેળવી આપે છે.

એક જાણીતી ઉક્તિમાં કહેવાયું છે તેમ ‘જેનું નામ તેનો નાશ’ ગૌશાળા હોય કે પાંજરાપોળ, પાલતુ કે નોંધારુ જાનવર સહજ રીતે મૃત્યુ તો પામે જ છે. આ સંદર્ભમાં ખાલી ગુજરાતમાં રોજના ૨૭૦૦ પશુઓ નૈસર્ગિક રીતે મૃત્યુ પામે છે. ત્યારે એક પુખ્ત વયના પશુમાંથી મળતા સરેરાશ ૬ થી ૮ સ્કેવર ફૂટ લેધરની બજાર કિંમત રૂ. ર૪૦૦ થી ૨૭૦૦/- થવા જાય છે.
પ્રાણીઓના અસ્તિત્વનો આધાર તેનું હાડપિંજર છે. એક તંદુરસ્ત ગાય-ભેંસનાં ૨.૫ ટન વજનમાં હાડકાંનો હિસ્સો ર૭% હોય છે. પ્રાણીજન્ય હાડકાંમાં ફોસ્ફરસ, મીનરલ, પૉટેશિયમ, કૅલ્શિયમ પ્રકારે પ્રાણીજન્ય તત્ત્વો રહેલાં હોય છે. જમીનને ફળદ્રુપ કરવા માટે મૂળભૂત રીતે જોઇતાં તત્ત્વ NPK પૈકી પોટાસ અને ફોસ્ફરસનું વાહક પશુઓનાં હાડકાં જ બને છે. એટલું નહિ, પણ પ્રાણીઓનાં પોલાં હાડકાંમાં રહેલ બોર્નમેરોમાંથી જીલેટીન મળે છે. જે લગભગ-લગભગ તમામ તૈયાર ખોરાકોમાં ઉમેરાયેલ હોય છે. કહેવાય છે તો હાથી માટે પણ ગાય-ભેંસ પણ મરે ત્યારે પૈસાથી માપી શકાય તેવું મૂલ્ય મૂકીને માનવજાતને અલવિદા કહે છે.

આમ, એક દૂધાળા ગાય રોજના સરેરાશ ૩.૨ લીટર દૂધ ૮ થી ૧૨ કીલો છાણ તથા ૬ થી ૮ લીટર મૂત્ર દ્વારા તેની યુવાનીના દિવસોમાં સરેરાશ રૂ.૩૩૦/-નું ઉત્પાદન આપે છે અને પોતાના ૯ વર્ષના આયુષ્યમાં માલિકને રૂ.૮ લાખ રળાવી આપે છે. ગાયો પાછળના ઘાસ-ચારાને પાણીના ખર્ચને બાદ કરીએ તો પણ માલિકને રૂ.૩.૫ લાખનો ચોખ્ખો નફો આપે છે. પાંજરાપોળમાં દાન-ભીખથી મરવાના વાંકે જીવતા પશુ પણ જીવતા જીવ રોજના રૂ.૪ર તથા મૃત્યુ પછી તેના હાડ-ચામડાંના રૂ.૧૬૦૦/- ચૂકવીને પૃથ્વી ઉપર વિદાય થાય છે.

એક ગણતરી અનુસાર પેટ્રોલિયમ ઉદ્યોગમાં રોકેલા રૂ.૩૦૦/- રોજના ૧૦ રૂપિયા તરીકે વળતર આપે છે. જયારે પશુઉછેર પાછળ રોકેલ ૧૦ રૂપિયાથી રોજના ૩૦૦/- રૂપિયા બનીને સમાજમાં વૅલ્થ જનરેટ કરે છે. એક કહેવતમાં તો કહેવાયું છે, જ્યાં કાળી (ભેંસ) ત્યાં રોજ દિવાળી, જ્યાં લાલ-ધોળી (ગાય) ત્યાં રોજ ઉજાણી. મનુષ્યને પ્રકૃતિ સાથે જોડીને તેને ગૌરવપૂર્ણ સ્વરોજગાર આપનાર એકમ પશુ છે. પોતાના મળમૂત્રના ઉત્સર્ગથી ધરતીને ફળદ્રુપ કરી બાયોમાસને વિસ્તારનાર પશુઓ છે. પર્યાવરણના મિત્ર પશુઓ જ છે. માનવજાતનાં ટકાઉપણાને મદદરૂપ થનાર પશુઓ જ છે. આ વાતને સમજીએ.


બદલાતા પરિવેશમાં શહેરોમાં ઉકરડા ઉપર નભતાં પશુઓના સ્થાને હવે પશુઉછેરને ઉદ્યોગ તરીકે અપનાવવાનો સમય પાકી ગયો છે. ઘટતા ગૌચરના સ્થાને એગ્રોવેસ્ટમાંથી પશુ આહાર તૈયાર કરીએ. જીવદયાના ક્ષેત્રમાંથી પાંજરાપોળોને બહાર કાઢી પ્રાકૃતિક સાયકલને જાળવીને કેટલ ફાર્મ તૈયાર કરવાનો સમય ગુમાવીશું. તો સરવાળે માનવજાત પોતાના કર્મે જ પોતાનો વિનાશ વહોરી લેશે. મહાવીર સ્વામીના જીવદયાનાં સૂત્ર પાછળ મૂળ વિચાર માનવજાતનો વૈજ્ઞાનિક વિકાસ છે અને અમુલ સંસ્થાએ દૂધના વ્યવસાયથી વિશ્વમાં ગુજરાતને ઉંચેરું કરી આપ્યું છે. તેની વધુ મોટું પ્રમાણ શું હોઈ શકે!
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top