Comments

મારી ચરબી ઉતારો મહારાજ રે..!

કુદરતની કૃપા હોય કે અવકૃપા, મારી જેમ કોઈના શરીરમાં ભરચક ચરબીનો મેળો જામ્યો હોય, એની વાત મારે કરવી નથી. એના માટે ૩૩ કરોડ (વધતાં ઓછાં હોય તો ખબર નથી, મારું ગણિત મુદ્દલે કાચું છે..!) દેવતાને પ્રાર્થના કરું છું કે, તેઓને ચરબીના બદલે બુદ્ધિ પ્રદાન કરજો. જે લોકો આડેધડ ‘ભચળ-ભચળ’કરીને પેટનો પેટાળ પ્રદેશ ‘સમૃદ્ધ’બનાવે છે, તેમના માટેની આ મંગલ-મસ્તી છે..! ચરબી બહુત બૂરી ચીજ હૈ બાબૂ..! અમુક તો એવાં આડેધડ વધી જાય કે, ચારેય બાજુથી ખાટલા ટૂંકા પડે..! રસ્તા ઉપર ચાલે ત્યારે, હવામાંથી પ્રાણવાયુ ખેંચવાનું મશીન આવતું હોય એવું લાગે. કોઈના લગનનું તેડું આવતાં જ વાર..! નાની સાઈઝથી મોટી સાઈઝ સુધીના મેમ્બર હાજરાહજૂર થઇ જાય..!

ચરબીવર્ધક પ્રસંગ આવ્યો હોય એમ, આખું ઘર ભોજન સમારંભમાં તૂટી પડે. ભોજન સમારંભનો સમય બારથી બે લખ્યો હોય તો, પુરા સમય સુધી પંગતની શોભા વધારે. લગનમાં આવ્યો છે કે, ચાંદલો વસુલ કરવા એ જ નહિ સમજાય..! ખિસ્સામાં પરચુરણ રાખવાનો ભાર લાગે, પણ ચરબીનો ભાર નહિ લાગે..! ખાધા પછી ચાલ તો એવી બદલાઈ જાય કે, આપણને દયા આવે યાર..! કે આ જનાર્દન શરીર ઢસડીને કેમનો ચાલશે? એક તો ઓપનીંગ બેલેન્સમાં ચરબીનો રાફડો એવો ફરી વળેલો હોય કે, પોતે તો દેખાય જ નહિ, માત્ર એનો ‘ચરબો’જ દેખાય..! માઈનસ ડીગ્રીમાં બરફ જામી ગયો હોય એમ, શરીરમાં અડો ત્યાં ચરબીના થર જામેલા હોય..! ભાઈને ઊંચકીને ઘરે મૂકી આવવાની પણ ઈચ્છા  થાય,પણ ડર એ વાતનો લાગે કે, એને ઊંચકવામાં આપણે ઉંચકાઈ ગયા તો..?

આ આખોયે મામલો ખુદ મારા મિત્ર શ્રીશ્રી ભગાનો છે. શ્રીશ્રી ભગો એટલે ચરબીનું ઝાડ જેવો..! મને કહે,’રમેશિયા..! આ શરીર મારું, ચરબી મારી, એના કપાળમાં લીંબુ નિચોવું, ચરબી મને ક્યાંય નડતી નથી, પણ પણ લોકોનાં ટોણાં હવે સહેવાતાં નથી. જે કોઈ સામે મળે તે, એમ જ કહે, ‘ભગાભાઈએ ચરબીનો સ્ટોક ભરપૂર રાખ્યો છે ને..?’તમારા શરીરમાં તો ચરબીએ અફલાતુન માળો બાંધ્યો છે યાર..!’પેટ છૂટી વાત કરું તો, “પૈણવા ગયો ત્યારે સાવ સુકલકડી હતો, આ કારભાર લગન પછી વધ્યો. પરિવાર પણ વધ્યો ને ચરબી પણ વધી.

પેટ ફરતે એવી ફરી વળી કે, ચરબી પેટને છોડતી નથી, ને પેટ ચરબીને છોડતું નથી. મારા જેવા ચરબીકુમાર સાથે આજે કોઈ ‘સેલ્ફું’લેવા તૈયાર નથી બોલ્લો..! રીક્ષાવાળાને હાથ કરું તો, ઊંટગાડીવાળો બતાવે..! રીક્ષાવાળો તો શું છકડાવાળો પણ ડોકું ધુણાવે..! વાત પણ સાચી, ખુદ તમે જુઓ તો તમે પણ એમ કહો કે, શું ચરબી છે..? મને તો ચરબી કહેવાની પણ શરમ આવે, એને ‘ચરબો’જ કહેવાય..! એ વાત સાચી કે, આ દુનિયામાં એક પણ માણસ ચરબી વગરનો નથી. ભાગ્ય પ્રમાણે, ભગવાને દરેકને થોડી થોડી આપી છે. પણ શ્રીશ્રી ભગામાં તો ચરબીનું આખું પીપ ઢોળાઈ ગયેલું. જ્યાં-જ્યાં તમારી નજર ઠરે ત્યાં ચરબી જ નજરે ચઢે..!

આપણે ત્યાં ‘રક્તદાન’ના કેમ્પ કરવાનો મહિમા છે. ‘ચરબીદાન’ના કેમ્પ થતાં નથી. એટલે કોઈએ ‘ચરબી-દાન’ કરવું હોય તો દાનેશ્વરી જાય પણ ક્યાં..? આ વાત થઇ દેખીતી ચરબીની, બાકી અમુકમાં તો ‘હિડન’ચરબી હોય..! કોઈને પૈસાની ચરબી હોય, સત્તાની ચરબી હોય, જ્ઞાનની ચરબી હોય કે મોટા માથાના ઓળખાણની પણ ચરબી હોય..! કુદરતની થપાટ પડે ત્યારે આવી ચરબી તો ઉતરી જાય, શરીરની ચરબીને ઉતારવી કેમ..? મંદિરે મંજીરા વગાડીને એમ થોડું કહેવાય કે, ‘મારી ચરબી ઉતારો મહારાજ રે, શામળા ગિરધારી..!’

ભગવાન આત્માનો અધિકારી છે. ભેંસનાં શીંગડાં ભેંસને ભારી, ભગવાન તો એટલું જ જુએ કે, આત્માની વધવી જોઈએ નહિ. શરીરમાં વધેલી ચરબી કાઢવાના લોક કલ્યાણ મેળા ત્રિલોકનાથ રાખતા નથી..! પુજારી સાથે તો ભગવાનનો રોજનો નાતો, એટલું તો વિચારો કે, પહેલાં પૂજારીની ચરબી ઓછી કરે કે આપણી..? ચરબીના મામલામાં ભગવાનને નંખાય જ નહિ. સાલા તેલ-મસાલાના ચટાકા આપણે કરવાના ને ઉકેલ ભગવાન પાસે માંગવાનો? આ તો કોઈ શિષ્ટાચાર છે..? મંદિર એ માંગવાની જગ્યા નથી, ભૂલોનો એકરાર કરવાનું સ્થાનક છે.

પણ આપણી આદત એવી ને કે, સમજવા કરતાં વિચારે વધારે, ને બોલવા કરતાં બકે વધારે..! ચરબી સાથે એક વાર પેટનો સંબંધ બંધાયા પછી, માયા જલ્દી છૂટતી નથી. માણસ આજકાલ વંટોળિયો બની ગયો છે મામૂ..? એનું શરીર ક્યાં ભટકતું હોય, આત્મા ક્યાં રઝળતો હોય, એ તો એનો રતનજી જ જાણે, એને તો માત્ર એની ચરબી ક્યાં લટકતી હોય એટલી જ ખબર હોય..! શરીર સાથે આત્માનું જોડાણ હોય તો, એને યોગ કહેવાય અને છાશવારે ભચળ-ભચળ ઝાપટી ચરબી વધારે તો એને રોગનું ઘર કહેવાય..!

માણસ વિકાસના રવાડે ચઢ્યો છે એ સાચું, પણ મૂળભૂત વિકાસને તડકે મૂકી, શરીરનો વિકાસ વધારવામાં ધાબે-ધાબે ભટકી ધબધબાટી બોલાવે છે. ત્યારે એમ થાય કે, આ જીવ શું કામ પૃથ્વી ઉપર ભાર વધારતો હશે..? ચાલને એની આભાર વિધિ કરી નાંખીએ..? ચામડી નીચે ચરબીનો થર એવો જમાવીને બેઠો હોય કે, પેટ પેટારા જેવું ને માથું શ્રીલંકાના નકશા જેવું દેખાય..! આ ‘ચરબીલીલા’ક્યારે અટકશે? જો કે, જેનામાં ચરબીનો સૂકો દુકાળ છે, એમણે હરખાઈને ફટાકડા ફોડવાની જરૂર નથી. આ લોકોની ચરબી તો દેખાય, બાકીની તો એવી ‘હિડન’ કે બોલે ત્યારે જ ઓળખાય કે, ‘ભાઈનામાં તો બહુ ચરબી છે..?’

 લાસ્ટ ધ બોલ
 અંધારી રાત હતી. સુમસામ રસ્તાઓ હતા. ભેજામાં ભૂત અને ડાકણનાં ડાકલાં વાગતાં હતાં અને તમરાંઓનો અવાજ વાતાવરણને વધારે ભેંકાર બનાવતો હતો. ઘડિયાળમાં જોયું તો બારના આંકડા ઉપર બંને કાંટા અટકેલાં હતાં. ત્યાં વડના ઝાડ ઉપરથી એક ચામાચીડિયું માથા ઉપર પડ્યું, ઓઈઇ મા નીકળી ગયું..! ઘર માત્ર ૧૦૦ ડગલાં દૂર હતું, છતાં ડરને કારણે પગ ધ્રૂજતા હતાં. હનુમાન ચાલીસાનું પઠન કર્યું, ત્યારે દિમાગમાં બત્તી થઇ..! જોરથી બૂમ પાડી,
ચાલો..ચાલો..લીંબુ ૧૦ રૂપિયે કિલો..૧૦ રૂપિયે કિલો..૧૦ રૂપિયો કિલો..!
પછી શું..?
લોકો પહેરેલે કપડે ઘરની બહાર આવ્યા ને, મારામાં હિંમત આવી ગઈ..!
એના કપાળમાં લીંબુ નિચોવું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top