National

ગંભીર સમસ્યા: ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ પસંદગી એક મોટી માથાકૂટ બની

ભારત (India)ની બેન્ચ સ્ટ્રેન્થ એવી મજબૂત છે કે જ્યારે ભારતીય પસંદગીકારો ટી-20 વર્લ્ડકપ (T-20 world cup) માટે જ્યારે ટીમ પસંદ (Team selection) કરવા બેસશે ત્યારે તેમના માટે આ ટીમ પસંદગી એક મોટી માથાકૂટ બની રહેવાની સંભાવના છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા ટી-20 વર્લ્ડકપ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો તેની સાથે કેટલાક દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા ટી-20 વર્લ્ડકપ માટેની ટીમો જાહેર કરવા માંડી છે.

સૌથી પહેલા ન્યુઝીલેન્ડે (New Zealand) પોતાની ટીમ જાહેર કરી અને હવે ઓસ્ટ્રેલિયા (Australia)એ પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. જો કે ભારતીય ટીમની પસંદગી કરવામાં માત્ર પસંદગીકારો જ નહીં પણ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી માટે મુશ્કેલ સ્થિતિ સર્જાશે. આઇસીસી દ્વારા માત્ર 15 ખેલાડીઓની ટીમની પરવાનગી આપવામાં આવી છે અને તે સિવાયના વધારાના ખેલાડીઓ જે તે દેશના બોર્ડે જાત ખર્ચે લાવવાના રહેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ પહેલીવાર ટી-20 વર્લ્ડકપ રમવા માટે મેદાને પડશે. આ મેગા ઇવેન્ટ માટે જો કે ટીમના ફાઇનલ ફિફ્ટીનમાં 10 ખેલાડીને સીધી એન્ટ્રી મળશે. કારણકે આ 10 ખેલાડીઓએ છેલ્લા ઘણાં સમયથી પોતાના પ્રદર્શનને કારણે બધાને પ્રભાવિત કર્યા છે અને તેઓ ત્રણેય ફોર્મેટમાં નિયમિત રમી રહ્યા છે. જો કે જે પાંચ ખેલાડીઓનું સ્થાન બાકી રહે છે તેમાં કોનો સમાવેશ કરવો તે જ મોટી મગજમારી બની રહેશે.

ભારતીય ટીમમાં જે 10 ખેલાડીઓને સીધી એન્ટ્રી મળી શકે તેમ છે તેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સ્પિનર યજુવેન્દ્ર ચહલ, ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહના નામો સામેલ છે. જો કે તેમાં ચહલના સ્થાન અંગે થોડું ઢચુપચુ કહી શકાય પણ યુએઇની વિકેટોને ધ્યાને લેતા તેનો સમાવેશ જરૂરી બની રહે છે. આ તો થયા 10 ખેલાડીઓ. હવે વાત કરીએ બાકીના પાંચ ખેલાડીઓની તો અહીં મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. ભારતીય ટીમ પાસે ઓપનર તરીકે રોહિત શર્મા અને કેએલ રાહુલ પ્રથમ પસંદગી ગણીને ચાલીએ તો શ્રીલંકા પ્રવાસમાં કેપ્ટન તરીકે ગયેલા શિખર ધવનનું શુ? વળી પૃથ્વી શોને પણ અવગણવો શક્ય નથી. મિડલ ઓર્ડરમાં મનિષ પાંડે, ઇશાન કિશન, શ્રેયસ ઐય્યર, સંજૂ સેમસનને ક્યાં ફિટ કરવા તે પણ મોટી સમસ્યા બનશે.

આ ઉપરાંત ત્રીજા ઓલરાઉન્ડર તરીકે કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ તેમજ વોશિંગ્ટન સુંદરની પણ દાવેદારી છે. વળી ટીમમાં બીજા સ્પીનર તરીકે કુલદીપ યાદવ અને રાહુલ ચાહર પણ પોતાનું નામ સામે કરી રહ્યા છે. ઝડપી બોલિંગ વિભાગમાં મહંમદ શમી, મહંમદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને દીપક ચાહર લાઇન લગાવીને ઊભા છે અને તેમાં ગુજરાતના ચેતન સાકરિયાનું નામ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહ પણ લાઇનમાં છે. અત્યારે તો આ સિનારીયો છે પણ જ્યારે આઇપીએલની બાકીની મેચો રમાશે ત્યાર પછીનો સિનારિયો શું હોઇ શકે તે કોઇને સમજાતું નથી. આઇપીએલનો બીજો તબક્કો યુએઇમાં જ રમાશે અને તેના પછી યુએઇમાં જ ટી-20 વર્લ્ડકપ યોજવાનો છે.

આ સ્થિતિમાં પસંદગીકારો આઇપીએલના પ્રદર્શનને ચોક્કસ જ ધ્યાને લેશે અને તેમાં વધુ એકાદ બે દાવેદારો સામે આવી શકે છે, તો જે હાલના દાવેદારો છે તેમાંથી કેટલાક બાકાત પણ થઇ શકે છે. હાલની જે ભારતીય ટીમની સ્થિતિ છે તેને ધ્યાને લેતા એવું કહી શકાય કે આ વખતે ટી-20 વર્લ્ડકપ માટેની ટીમ પસંદગી બીજા કોઇ માટે તો નહીં પણ ખુદ પસંદગીકારો માટે મોટી કસોટીરૂપ બની રહેવાની સંભાવના દેખાઇ રહી છે.

Most Popular

To Top