Vadodara

ગાંઠની સાથે ગર્ભાશયની શસ્ત્રક્રિયા

વડોદરા: વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર હેઠળના જરોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સેવાનિષ્ઠ તબીબ અને તેમની સમર્પિત ટીમે સરકારી હોસ્પિટલમાં મળતી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓનો ઉજળો દાખલો બેસાડ્યો છે.   તાજેતરમાં આ દવાખાનામાં કાર્યરત ડો.કલ્પેશ ગઢવીએ સી.એસ.આર.હેઠળ મળેલા અદ્યતન સોનોગ્રાફી યંત્રની મદદ થી  સમયસર સચોટ નિદાન અને ઇમરજન્સી શસ્ત્રક્રિયાઓ કરીને નાજુક હાલત અને જીવનની કટોકટીમાં મુકાયેલી એક મહિલા અને એક યુવતીને સફળતાપૂર્વક ઉગારી લીધી હતી.

 પહેલા કિસ્સામાં ઇન્દ્રાલ ગામના 40 વર્ષના મહિલાની સોનોગ્રાફી તપાસમાં ગર્ભાશયમાં વકરી ગયેલી હાલતમાં અને જીવન જોખમાય તેવી ગાંઠ( ફાયબ્રોઇડ) હોવાનું નિદાન થયું. સોનોગ્રાફી દ્વારા થયેલા સચોટ નિદાનને આધારે ડો. ગઢવી એ તાત્કાલિક હિસ્ટરેકટોમી કરવાનો નિર્ણય લીધો અને ગાંઠની સાથે ગર્ભાશય કાઢી નાંખીને મહિલાની જીવન રક્ષા કરી. આ મહિલાને ચાર વાર લોહી આપવામાં આવ્યું.

બીજા કિસ્સામાં 20 વર્ષની યુવતી જે 34 સપ્તાહનો ગર્ભ ધરાવતી હતી,તેને રૂટિન પ્રમાણેની સોનોગ્રાફીક તપાસમાં દાક્તરી ભાષામાં પ્રેગ્નન્સી વીથ ઓલિગો હાઈડ્રોમ્નીઓસની ગંભીર પરિસ્થિતિ જણાતા  ડો. ગઢવી એ ફરી એકવાર સોનોગ્રાફી કરીને પરિસ્થિતિ નું સચોટ આકલન કર્યું અને માતા અને બાળક બંને ને બચાવી લેવા શસ્ત્રક્રિયા થી તાત્કાલિક પ્રસૂતિ કરવા એટલે કે સિઝેરિયન સેક્શન નો નિર્ણય લીધો  અને સફળ સારવાર કરી હતી.

Most Popular

To Top