SURAT

સુરતીઓ આવું પાણી પીએ છે? કોઝવેનું પાણી ગંધાઈને લીલા ઝેર જેવું બની ગયું

સુરત: (Surat) સ્માર્ટસિટી (Smart City) સુરતના લોકો હાલ લીલ વાળું પાણી પીવા (Drinking Water) મજબૂર બન્યા હોય તેવું દૃશ્ય સામે આવ્યું છે. વિયર કમ કોઝવેનું (Weir Come Causeway) બંધીયાર પાણી શિયાળામાં ગંધાઈ ઉઠ્યું છે. જે અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના સ્થાયી સમિતિ ચેરમેનને કરવામાં આવી છે. એક તરફ સુરત મનપા તંત્ર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવનિયુક્ત મનપા કમિશનર દ્વારા સફાઈ ઝુંબેશ માટે આરોગ્ય વિભાગની સાથે સાથે ઝોનલ ચીફને પણ જવાબદારી સોંપી છે. તો બીજી બાજુ શહેરના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત એવા કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહીં આવી રહી છે. પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવી પ્રતિતી થઈ રહી છે. ઘણા પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા આ અંગે મનપા કમિશનરને ફરીયાદ કરાઈ છે પરંતુ મનપા કમિશનર આ ફરીયાદથી હજી અજાણ છે.

મનપા દ્વારા તાપી શુધ્દિકરણ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે જેથી તાપી નદી શુધ્ધ થાય. ગંદા આઉટલેટોનું પાણી અહી છોડવાનું બંધ કરી દેવાયું છે અને તબક્કાવાર આ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા કોઝવે તરફ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. કોઝવેના પાણીનો કલર લીલો થઈ ગયો છે. કોઝવે પરથી પસાર થતા વાહનચાલકોને રીતસર અહી નાક બંધ કરીને પસાર થવાનો વારો આવ્યો છે. પરંતુ સ્વચ્છતામાં અગ્રેસર ગણાતા સુરત મનપાના અધિકારીઓની ટીમ હજી કોઝવેની ગંદકી દુર કરવામાં આળસ કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. મનપા કમિશનરે હાલ શહેરમાં ગંદકી દુર કરવા અને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે ખાસ સર્વેની ટીમ ઉતારી છે પરંતુ આ સર્વેની ટીમ હજી કોઝવે સુધી પહોંચી શકી નથી.

પર્યાવરણ પ્રેમીઓ દ્વારા મનપા કમિશનરને આ હકીકત જણાવવા માટે ફોટા અને વિડીયો વોટ્સએપ પર મોકલ્યા છે. પર્યાવરણવિદ એમ.એસ.એચ શેખ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમણે તાપી નદીનો લીલ વાળા પાણી વાળો વીડિયો અને ફોટો પણ શેર કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોઝવેનું બંધીયાર પાણી કોથમીરના જ્યુસ જેવું લીલું થઈ ગયું છે.

ગાંધીનગર આવી હોવાથી હજી મેસેજ જોયા નથી: શાલિની અગ્રવાલ, મનપા કમિશનર
કોઝવેમાં પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઈ છે. કોઝવેનું બંધિયાર પાણી ખુબ જ ગંધાઈ રહ્યું છે. જે અંગે શહેરના એક પર્યાવરણ પ્રેમીએ આ અંગે વિડીયો પણ બનાવ્યા છે. કોઝવેને પ્રદુષણમુક્ત કરવા માટે મનપા કમિશનરને ઓનલાઈન ફરીયાદ કરવામાં આવી છે. આ અંગે પાલિકા કમિશનરને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓ હાલ કામ માટે ગાંધીનગર ગયા હોવાથી હજી સુધી તેઓએ આ મેસેજ જોયા નથી.

Most Popular

To Top