SURAT

યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા બાદ પ્રવેશ નહીં લેનારા 786 વિદ્યાર્થીએ બેંક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) બીકોમ, બીબીએ, બીસીએ અને બીકોમ એલએલબીમાં પ્રવેશ ફોર્મ ભર્યા બાદ પ્રવેશ (Admission) લીધો ના હોય તેવા વિદ્યાર્થીઓને (Student) એક હજાર રૂપિયો ટોકન ફી (Tocken Fee) પરત કરવાનો નિર્ણય કર્યો હતો. પણ 7866 વિદ્યાર્થીએ બેંક એકાઉન્ટ નંબર ખોટા લખતા જ રૂ.7.86 લાખ અટવાયા છે. જેને કારણે યુનિવર્સિટીએ 786 વિદ્યાર્થીનાં નામની યાદી જાહેર કરીને તેમની પાસે સાચા બેંક એકાઉન્ટ નંબર મંગાવ્યા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએ, બીસીએ અને બીકોમ એલએલબીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તેવામાં જ સેનેટ સભ્યો અને વિવિધ વિદ્યાર્થી પાંખોની રજૂઆતોને જોતાં યુનિવર્સિટીએ પ્રવેશ ફોર્મ ભર્યા બાદ પ્રવેશ નહીં લેનારા વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયાની ટોકન ફી પરત કરવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન યુનિવર્સિટીએ તે મુજબ કાર્યવાહી પણ હાથ ધરી હતી. જો કે, 786 વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરતી વખતે બેંક એકાઉન્ટ નંબર ખોટો લખ્યો હતો. જેને કારણે તે વિદ્યાર્થીઓનાં બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થયા નથી. જે હાલમાં યુનિવર્સિટી પાસે જ છે. આમ, આવા વિદ્યાર્થીઓની યાદી યુનિવર્સિટીએ તૈયાર કરીને વેબસાઇટ પર પર મૂકી છે, જેમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ બેંકની પાસબુકની નકલ એકેડેમિક વિભાગના ઇ-મેઇલ આઇડી પર મોકલવાની રહેશે. આ પછી કાર્યવાહી વિદ્યાર્થીઓએ આગામી 16 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે.

યુનિવર્સિટીએ પીજી મેડિકલના ડેઝરટેશન ઓનલાઇન કર્યું, 445 વિદ્યાર્થીના 60 લાખ બચ્યા
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના ફાઇનલ યરના ડેઝરટેશન ઓનલાઇન કર્યા છે. જેને કારણે 445 વિદ્યાર્થીના 60 લાખ બચશે. આમ, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળતા સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીએ કુલપતિ ડો. કે. એન. ચાવડાને સોમવારે પત્ર લખી આભાર વ્યક્ત કર્યો હતો.

યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીએ કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કુલસચિવ ડો. આર. સી. ગઢવીને પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના ત્રણ વર્ષના અભ્યાસમાં છેલ્લી ટર્મમાં વિદ્યાર્થીઓએ ડેઝરટેશનની પાંચ હાર્ડ કોપી યુનિવર્સિટીને આપવાની હોય છે. એ કોપી યુનિવર્સિટી એક્સર્ટનલ અને ઇન્ટરનલ પરીક્ષકને મૂલ્યાંકન માટે મોકલે છે. આ મૂલ્યાંકનમાં વિદ્યાર્થી પાસ થાય તો જ તે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા માટે માન્ય ગણાય છે. પણ પાંચ હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપીથી એટલે કે ઇ-મેલથી વિદ્યાર્થીઓ ડેઝરટેશન યુનિવર્સિટીમાં જમા કરાવી શકે તેમજ પરીક્ષકોને પણ તે રીતે ડેઝરટેશન મૂલ્યાંકન માટે મોકલવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. આમ, આ સુવિધા આવ્યા બાદ પેપરનો બચાવ થવા સાથે પર્યાવરણ બચશે અને પોસ્ટલ સહિતના ખર્ચ પણ ઘટશે.

વિદ્યાર્થીઓના ડેઝરટેશનની સોફ્ટ કોપીઓ લાઇબ્રેરીમાં મૂકી શકાય અને વેબસાઇટ પર પણ અપલોડ કરી શકાય છે. આમ, આ સુવિધાથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ કે પછી ફેકલ્ટીઓને પોતાના જે તે વિષયમાં રિસર્ચમાં આ ડેઝરટેશનની મદદ મળી રહેશે. સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરીના આવેદન પત્ર બાદ યુનિવર્સિટીએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં એમ જણાવાયું છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના એમડી, એમએસ, ડિપ્લોમા, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીમાં, માસ્ટર ઓફ નર્સિંગમાં અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રીમાં ડેઝરટેશનની સોફ્ટ કોપી ઇ-મેલ કરવાની રહેશે. જે મામલે કોલેજોના પ્રિન્સિપાલોએ વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે.

દરમિયાન સોમવારે સેનેટ ડો. વિપુલ ચૌધરીએ કુલપતિ ડો. કે. એન. ચાવડાને પત્ર લખતા જણાવ્યું હતું કે મેડિકલના ફાઇનલ યરમાં 302, નર્સિંગ ફાઇનલ યરમાં 72, ફિઝિયોથેરાપીમાં ફાયનલ યરમાં 39 અને ઓપ્ટોમેટ્રીમાં ફાઇનલ યરમાં 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં થીસીસની હાર્ડ કોપી માટે વિદ્યાર્થી દીઠ રૂ. 12 હજાર ખર્ચ થાય છે, જ્યારે પરીક્ષકને હાર્ડ કોપી મોકલવાનો વિદ્યાર્થી દીઠ રૂ. 1,400 ખર્ચ થાય છે. આમ, કુલ રૂ. 59,63,00નો ખર્ચ થાય છે. પણ હવે ડેઝરટેશન ઓનલાઇન કરતા જ તે રૂપિયા બચશે. જેનાથી ભારતની ઇકોનોમીમાં પણ લાભદાયી રહેશે.

Most Popular

To Top