SURAT

સુરતના આ વિસ્તારમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનના રેમ્પનું સ્થળ બદલાયું, રેમ્પની એન્ટ્રી એક્ઝિટ હવે અહીં બનશે

સુરત: (Surat) શહેરમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશન (Underground station) માટે પાઇલિંગ પણ શરૂ કરી દેવાયું છે. અને ટીબીએમ (ટનલ બોરિંગ મશીન) પણ હવે એસેમ્બલ થઈ જતા ટુંક સમયમાં આ મશીન પણ ઉપયોગમાં લઈ અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરી શરૂ કરી દેવાશે. ત્યારે અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ખારવા ચાલ પાસે સ્ટેશનનો રેમ્પ માટે જગ્યા નક્કી કરાઈ હતી પરંતુ સ્થાનિકોના વિરોધને કારણે હવે આ ડિઝાઈનમાં ફેરફાર કરવાનો વારો આવ્યો છે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉથી નક્કી કરાયેલી જગ્યા પર બનાવાયેલી ગાઈડ વોલનો ખર્ચ હવે માથે પડે તેમ છે. રૂા. 1 કરોડના ખર્ચે બનાવાયેલી ગાઈડ વોલ બીજી જગ્યાએ બનાવવી પડશે.

  • લંબેહનુમાન ભૂગર્ભ મેટ્રો રેમ્પની એન્ટ્રી એક્ઝિટ હવે ખારવાચાલ ખાતે નહીં બને
  • ખારવાચાલને બદલે હવે રેમ્પ રેલવે કોલોની ખાતે બનાવવામાં આવશે
  • મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનના રેમ્પનું સ્થળ બદલાતા ગાઈડવોલનો ખર્ચ માથે પડશે

ચોકબજારથી રેલવે સ્ટેશન સુધીના 3.6 કિમી લાંબા ભુગર્ભ રૂટ પર લંબે હનુમાન રોડ ખાતે પાઇલિંગના કામ શરૂ કરી દેવાયું છે. તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા અહીં ઘણી કામગીરી પણ કરી દેવાઈ છે. લંબે હનુમાન ભુગર્ભ મેટ્રો સ્ટેશનના રેમ્પની એન્ટ્રિ-એક્ઝિટ ખારવા ચાલ પાસે નક્કી હતી. જેથી કોન્ટ્રાક્ટરોએ આ કામ શરૂ કરી દીધું હતું. ટનલ બોરિંગ મશીનના લોન્ચિંગ અને ઓપરેટિંગ સમયે જમીનમાં કંપન થાય અને માટી ધસી ન પડે તે માટે આ ગાઇડ વોલ બનાવાઇ હતી.

આ વોલ નવેમ્બરમાં તૈયાર થઇ ગયા બાદ ખારવાચાલના રહીશો દ્વારા જમીન સંપાદન પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી હવે આ ગાઈડવોલ રેલવે કોલોની પાસે બનાવવી પડશે અને આ શીફ્ટીંગની કામગીરી કરવાનો વારો કોન્ટ્રાક્ટરોને આવ્યો છે. આ રૂટ પરનું એલાઇન્ટમેન્ટ પણ 3 મીટર જેટલું શિફ્ટ થશે. જેથી નવી ગાઈડ વોલ બનાવવાનો ખર્ચે માથે પડશે.

Most Popular

To Top