SURAT

સુરતના વરાછામાં વેપારીને તેના જ સેલ્સમેને ઉલ્લું બનાવ્યો, હવે શેઠ ખાય છે પોલીસ મથકના ધક્કા

સુરતઃ (Surat)પૂણા ગામમાં સહજાનંદ એન્ટરપ્રાઈઝના નામે ટાયરના વેપારીને ત્યાં સેલ્સમેન (Sells man) તરીકે નોકરી કરતા વિનયે ગ્રાહકો (Customer) પાસેથી 4.97 લાખનું પેમેન્ટ (Payment) ઉઘરાવી પોતે વાપરી કાઢ્યું હતું. વેપારીએ ગ્રાહકો પાસેથી ઉઘરાણી કરતા તેમણે પેમેન્ટ સમયમર્યાદામાં ચુકવી કાઢ્યું હોવાનું કહેતા વિનયને પુછતા તેણે રૂપિયા વાપરી કાઢ્યાનું કબુલ્યું હતું. બાદમાં 30 દિવસમાં ચુકવવાનો વાયદો કરી પોતે ગાયબ થઈ જતા પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • પૂણા ગામના ટાયરના વેપારી સાથે છેતરપિંડી
  • સેલ્સમેન વિનય મિશ્રાએ ગ્રાહકો પાસેથી પેમેન્ટ લઈ જમા નહીં કરાવ્યું
  • ભાંડો ફૂટ્યો તો ટૂકડે ટૂકડે રૂપિયા આપવાનું વચન આપ્યું
  • ઘર બંધ કરી ક્યાંય ભાગી છૂટતા વેપારીએ ફરિયાદ આપી

મોટા વરાછા ખાતે સુમેરુ સ્કાય એબીસી સર્કલ પાસે રહેતા 37 વર્ષીય કેતનભાઈ અરવિંદભાઈ ધાનાણી પૂણા ગામ તળાવ નજીક સહજાનંદ એન્ટરપ્રાઈઝ નામની ટાયરની દુકાન ધરાવે છે. કેતનભાઈએ પૂણા પોલીસ સ્ટેશનમાં તેમના નોકર વિનય શેષમાન મિશ્રા (ઉ.વ.આશરે 50, રહે- સહજાનંદ સોસાયટી, ગોડાદરા તથા મુળ ભદોઇ, ઉત્તર પ્રદેશ) ની સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વિનય મિશ્રા “સહજાનંદ એંટરપ્રાઇઝ”પેઢીમા સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. જેથી કેતનભાઈએ તેના ઉપર વિશ્વાસ કરી પેઢીના વેપારના રૂપિયાનુ કલેક્શનની અને ઓર્ડર લેવાની કામગીરી તેને સોંપી હતી. વિનય મિશ્રાએ તેમની સાથે વિશ્વાસઘાત કરી કેતનભાઈની જાણ બહાર તેમના ગ્રાહકો પાસેથી વેપારના કુલ રૂપિયા ૪,૯૭,૬૦૪ મેળવી લીધા બાદ પરત આપ્યા નહોતા. અને આ રૂપિયા લઈને તે ક્યાંક ભાગી ગયો હતો. સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી મહત્તમ 35 દિવસમાં પેમેન્ટ લેવાનું હોય છે. જેનું કલેક્શન વિનયને સોંપવામાં આવ્યુ હતું. ઘણા ગ્રાહકોનું પેમેન્ટ 35 દિવસ પછી પણ નહીં આવતા કેતનભાઈએ તેમની પાસે ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ ગ્રાહકો દ્વારા પેમેન્ટ સમયસર વિનયને આપી દીધાનું કહ્યું હતું. જેથી વિનયને બોલાવીને પુછતા તેણે ગ્રાહકોના પેમેન્ટના સાત-આઠ લાખ ખર્ચ કર્યો હોવાનું કબૂલ્યું હતું. અને કેતનભાઈના ભાગીદારને લેખિતમાં 30 દિવસમાં ટુકડે ટુકડે રૂપિયા ચુકવી આપવા લખાણ આપ્યું હતું. જોકે બાદમાં વિનય તેનું મકાન ખાલી કરી ક્યાય નાસી ગયાની જાણ થતા પૂણા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top