SURAT

સુરત: સારોલી ટેક્સટાઈલ માર્કેટ નજીકનો પુણા પાટીયાનો આ રોડ 9 દિવસ માટે બંધ કરાયો

સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો (Metro), ડ્રેનેજ (Drainage) રિપેરિંગ સહિતની કામગીરીઓ ચાલી રહી હોવાના લીધે ઠેરઠેર રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે, જેના લીધે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. હવે ખોદકામના લીધે વધુ એક રસ્તો બંધ કરાયો છે. સુરત શહેરની મહાનગરપાલિકા (SMC) દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હોય પુણા પાટીયા ફ્લાય ઓવર બ્રિજ નીચેનો રસ્તો 9 દિવસ માટે બંધ કરી દેવાયો છે. પહેલાં દિવસે જ અહીં ટ્રાફિક (Traffic) જામ સર્જાયો હતો. સારોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે, જેના લીધે અહીં આખો દિવસ કાપડના તાકા લઈ જતા ટેમ્પોની તેમજ શહેર બહાર જતા અને અંદર આવતા વાહનોની અવરજવર રહેતી હોય છે, તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી યુદ્ધસ્તરે હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજથી પુણા પાટીયા ફ્લાય ઓવર બ્રિજ નીચેનો રસ્તો પણ 9 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રેનેજની કામગીરીને પગલે આ રસ્તો વાહન – વ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવતાં મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્કને વધુ સુદ્રઢ બનાવવા માટેની તજવીજ હાથ ધરી છે. જેના ભાગરૂપે જ વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ પરવટ પાટીયા કેનાલ રોડ પર આવેલા વિશ્વકર્મા જંક્શન પાસે આજથી ડ્રેનેજની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ કામગીરીને પગલે આગામી નવ દિવસ સુધી પુણા પાટીયા ફૂલાય ઓવરબ્રીજ નીચેના ભાગને વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની કામગીરીને પગલે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા શહેરીજનો માટે સિરદર્દ સમાન સાબિત થઈ રહી છે ત્યારે હવે સારોલી ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારોને સાંકળતા પુણા પાટીયા ફલાય ઓવર બ્રિજની નીચેનો ભાગ પણ ડ્રેનેજની કામગીરી માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં લોકોને સવારથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પહેલા જ દિવસે પીક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે વાહન ચાલકોને કામ – ધંધે પહોંચવામાં નવ નેજા પાણી આવ્યા હતા. અલબત્ત, મનપા દ્વારા જે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે ત્યાં પણ સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Most Popular

To Top