SURAT

ઉત્રાણ-સાયણ વચ્ચે કોચુવેલી સહિત પાંચ ટ્રેનો પર પથ્થરમારો

સુરત: સુરત (Surat) રેલવે સ્ટેશનની (Railway Station) આસપાસના વિસ્તારોમાં અવાર-નવાર ટ્રેનો (Train) પર પત્થરમારાના (stoning) બનાવ બનતા રહે છે. શુક્રવારે દિવસ દરમિયાન ઉત્રાણ અને સાયણ વચ્ચે પાંચ ટ્રેનો પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી કોચના વિન્ડોને નુકસાન થયું હતું. સદભાગ્યે કોઈ પેસેન્જરને ઇજા થઈ ન હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એસી કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલવેના અધિકારીઓ કાંઈ સમજે તે પહેલા અન્ય ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવતા રેલવે તંત્ર ચોંકી ગયું હતું. તેમાં કોચુવેલી એક્સપ્રેસ, દેહરાદુન એક્સપ્રેસ અને લખનઉ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચ પર વારાફરતી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તમામ ટ્રેનોના એસી કોચના કાચ તૂટ્યા હતા. સદભાગ્યે કોઈ પેસેન્જરને ઇજા થઈ ન હતી.

રેલવે ટ્રેકની આસપાસ મોટા પાયે દારૂ-જુગારની પ્રવૃત્તિ થાય છે
પથ્થરમારાના મસેજ બાદ રેલવેના અધિકારી, રેલવે પોલીસ અને આરપીએફના જવાનો ઉત્રાણ-સાયણ સ્ટેશને પહોંચ્યા હતા.રેલવે પોલીસે આસપાસના લોકો અને મજૂરો તેમજ ખેડુતોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી છે. આ મામલે અંકલેશ્વર રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ઉત્રાણ, કોસાડ, ગોથાણ ગામ અને સાયણ રેલવે ટ્રેકની આસપાસ મોટા પાયે દારૂ-જુગારની પ્રવૃત્તિ થાય છે. રેલવે જીઆરપી આવી પ્રવૃત્તિ કરનારા અસામાજીક તત્વો સામે સખતાઈથી કાર્યવાહી કરે તો પથ્થરમારાની આવી પ્રવૃત્તિ ડામી શકાય છે.

દારૂ-ગાંજાના આરોપીઓએ રેલવે ટ્રેક પર લોખંડનું ટેબલ મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો
2018માં સુરતથી ઉત્રાણ રેલવે સ્ટેશન વચ્ચે ઉત્કલનગર પાસેથી અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી. રાત્રે આશરે સાડા દસેક વાગે ગાંજા-દારૂના આરોપીઓએ ટ્રેક પર લોખંડનું ટેબલ મુકી દીધું હતું. પુરી એક્સપ્રેસ ટ્રેન ટેબલને અથડાઈ હતી. આશરે 100 ફુટ સુધી ટેબલ એન્જિન સાથે ઘસડાયું હતું. ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના બનતી રહી ગઈ હતી. જો ટ્રેનની સ્પીડ વધુ હોતે તો ટ્રેન ઉથલી પડવાની સંભાવના હતી.

ઉધનામાં પણ ઘણી વખત ટ્રેનો પર પથ્થરમારો થાય છે
ઉધના રેલવે સ્ટેશનેથી મુંબઈ તરફની દિશામાં અડધા કિલોમીટરના અંતરે સંતોષીનગર આવેલું છે. ત્યાં આવેલા કંજરવાડ વિસ્તાર અને ભીમનગર વિસ્તારમાં પણ અવાર-નવાર ટ્રેનો પર પથ્થરમારાના બનાવ બને છે. તે વિસ્તારમાં ટ્રેનો દરવાજા અને વિન્ડો પાસે બેસેલા પેસન્જરોના ફોન અને ઘરેણાં ચોરીના ઘણા બનાવ બને છે. ટ્રેકની આસપાસ દારૂ-જુગાર પણ મોટા પાયે રમાય છે. જો રેલવે જીઆરપી આવા તત્વો પર કાબુ મેળવે તો પથ્થરમારા જેવી ઘટના બનતા પણ રોકી શકાય છે.

Most Popular

To Top