SURAT

સુરતમાં દેશી પિસ્તોલ અને ચાર કાર્ટિઝ સાથે બે આરોપી ઝડપાયા

સુરત : કારમાં (Car) દેશી પિસ્તોલ અને ચાર કાર્ટિઝ લઇને જતા બે આરોપીને મહિધરપુરા પોલીસે (Police) પકડી પાડ્યા હતા. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં (Petroling) હતો. ત્યારે તેઓએ બાતમીના આધારે તેમણે મારુતિ સુઝુકી ઇકો કારને દિલ્હીગેટ (Delhigate) પાસે અટકાવી હતી. આ કારમાં તપાસ કરવામાં આવતાં તેમાં મુકેશ જગન બાબુલ અને દીપક દેગરૂ ચૌહાણને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી તપાસ કરતાં દેશી તમંચો અને ચાર કાર્ટિઝ મળી આવ્યા હતા. પોલીસે આ બંનેની પૂછપરછ કરતાં તેઓએ કહ્યું કે, અમે મધ્યપ્રદેશના વતની છીએ અને ત્યાં પિસ્તોલ સાથે જ રાખીએ છીએ. અહીં અમે અમારાં ભાભીને મળવા માટે આવ્યા હોવાનું રટણ કર્યુ હતું.

લિંબાયતમાં હત્યાના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
સુરત: લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં નજીવા ઝઘડાની અદાવતમાં થયેલા રાયોટિંગ અને હત્યાના કેસમાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. એસઓજી ટીમને બાતમી મળી હતી કે, લિંબાયત વૃંદાવન સોસાયટી, બૈધનાથ મહાદેવ મંદિરની પાછળ હત્યાનો આરોપી છુપાયો છે. એસઓજીની ટીમે આરોપી ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ રામઅચલ યાદવને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં ગત તા.29 એપ્રિલ-2020ના રોજ તેના મહોલ્લામાં પોતે તથા તેનો ભાઈ અજય યાદવ, સૂરજ ઉર્ફે વકીલ યાદવ તેમજ મિત્રો રજુ ઉર્ફે રાજુ બજરંગ યાદવ, સંજય યાદવ, સૂરજ ઉપાધ્યાય, ચંદન ઉપાધ્યાય, શિવમ દુબે તથા વિનોદ યાદવ સાથે મળી સુશીલ ઉર્ફે ગુરુ યાદવની હત્યા કરી નાંખી હતી.

અમરોલીમાં યુવતીને ભગાડી ગયેલા યુવકના ભાઈનું અપહરણ કરી માર મરાયો
સુરત: કાપોદ્રાના વિરાટનગરમાં રહેતા યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રાની વિરાટનગર સોસાયટીમાં રહેતા અને અડાજણમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતા શૈલેષ ખોડીદાસ જાદવનું મોટા વરાછા સુદામા ચોક પાસેથી દીપક જગદીશ પરમાર અને તેના બે સાગરીત બાઈક પર અપહરણ કરી વરાછા રણજિતનગરના પોપડામાં અવાવરુ જગ્યા પર લઈ જઈ માર માર્યો હતો. યુવકનો ભાઈ અમરેલીથી યુવતીને ભગાડી લાવ્યો હતો. તેની ભાળ મેળવવા યુવતીના સંબંધીઓએ સુરત આવી યુવકનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top