Dakshin Gujarat

ઓલપાડ કુડસદ સ્ટેશન પાસે કોલસા ભરેલી માલગાડીમાં અચાનક આગ ફાટી નીકળી

સુરત: (Surat )જિલ્લાના ઓલપાડ ખાતે આવેલ કુડસદ રેલવે સ્ટેશન પાસે બુધવારે મોડી રાત્રે માલગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કોલસાથી ભરેલી માલગાડીના (Goods Train) હોટ એક્સેલમાં અચાનક આગ ફાટી નિકળી હતી. દુર્ઘટનાને પગલે માલગાડી એક કલાક સુધી અટકાવવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે પહોંચેલા રેલવે તંત્રના કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યા બાદ લગભગ બે કલાક બાદ આ લાઈનનો રેલ વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. ટ્રેન કોલસાથી (Coal) ભરેલી હતી. ગેટમેનની સમય સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગેટમેન દ્વારા માલગાડીના વ્હીલમાં લાગેલી આગ સંદર્ભે જાણ કરવામાં આવતાં તાત્કાલિક ટ્રેન (Train) અટકાવવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે લગભગ 12 કલાકે ઓલપાડ તાલુકાના કુડસદ રેલવે સ્ટેશન પાસેથી માલગાડી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન ગુડ્સ ટ્રેનની બોગીના વ્હીલમાં લગાવવામાં આવેલ હોટ એક્સેલમાં આગ ફાટી નીકળી હતી. ગુડ્સ ટ્રેનમાં કોલસો હોવાને કારણે મામલો વધુ તંગ બન્યો હતો. દુર્ઘટના અંગે ગેટમેનને જાણ થતાં તેણે સૌ પ્રથમ ટ્રેનને અટકાવી હતી. જે ડબ્બામાં આગ લાગી હતી તેને તુરંત અલગ કરી દેવામાં આવ્યો હતો. રેલવેના કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એક કલાકની જહેમત બાદ રેલવે તંત્ર દ્વારા ગુડ્સ ટ્રેનમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને લગભગ બે કલાક બાદ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો.

વડોદરા-મુંબઈ મેઇન અપ લાઈન ઉપર જ બનાવ બન્યો હોવાથી અન્ય ૬ પેસેન્જર ટ્રેનને જે-તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા ગુડ્ઝ ટ્રેનના ક્ષતિગ્રસ્ત થયેલા વ્હીલની એક્સેલને બદલી ૧૨.૩૫ કલાકે ખોરવાઈ ગયેલો અપ લાઈનનો ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. વ્હીલની એક્સેલ જામ થઈ જતાં ઘર્ષણને લીધે એક્સેલ ગરમ થવાથી આગ ભભૂકી ઊઠી હોવાનું બહાર આવ્યું હતું. દુર્ઘટનાને પગલે આ રૂટની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ, ભુજ – પુને એક્સપ્રેસ, અમદાવાદ–બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ, અમદાવાદ–ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ, અમરપુર–અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેન તેના રાબેતા મુજબ સમય કરતાં દોઢથી બે કલાક મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top