SURAT

શહેરમાં વધી રહ્યાં છે જર્જરિત મકાન પડવાના કિસ્સા: આ વિસ્તારમાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો

સુરત: (Surat) ચોમાસુ (Monsoon) આવતા જ શહેરમાં જર્જરિત જુના મકાનો (Old building) પડવાનો બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એવા ઘણા જુના મકાનો આવેલા છે જેને ઉતારી પાડવાની જરૂર છે. ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેથી ભયના માહોલ વચ્ચે પડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70 વર્ષ જુના જર્જરિત મકાનમાં 40 દિવસ પહેલા કાટમાળ પડી જવાની ઘટના બની હતી. ઉપરાંત વારંવાર બનતી ઘટનાઓને લઈ મકાન ઉતારી પાડવા પાલિકામાં સ્થાનિકોએ અરજી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગોપીપુરામાં ચબુવલ્લભ પોળમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું એક જર્જરિત બંધ મકાનમાં વહેલી સવારે 06.26 મિનિટે અચાનક બીજા માળની ગેલેરીનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઇને સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા નવસારી બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં લાશ્કરોએ તૂટેલા કાટમાળને રસ્તા પરથી દૂર ખસેડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી.

હાલમાં જ સુરતના ગોલવાડ વિસ્તારમાં એક ચાર માળનું મકાન તૂટી પડ્યું હતું. આ પહેલાં પણ અવારનવાર શહેરમાં મકાનોની ગેલેરી કે મકાન તૂટી પડવાના બનાવો બને છે. ભેસ્તાન આવાસમાં છતનો કાટમાળ પડતા એક વર્ષની બાળકીનું મોત થયું છે. ત્યારે તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનોને ઉતારી લેવા અંગે કાર્યવાહી થાય તે જરૂરી થઈ પડ્યું છે.

અગાઉ પાલિકામાં મકાન ઉતારી પાડવાની અરજી કરવા છતાં પણ કોઇ કામગીરી કરાઇ નહીં
પડોશી ધવલ જરીવાલાએ જણાવ્યું હતું કે, મારા મકાનની સુરક્ષાના ભાગરૂપે અગાઉ પાલિકામાં મકાન ઉતારી પાડવાની અરજી પણ કરી છે. છતા આજદિન સુધી કોઇ કામગીરી કરાઇ નથી. આ મકાનના માલિક એક નહીં ત્રણ જણા છે. બાલકૃષ્ણ મોહનલાલ જરીવાલા, બીપીનચંદ્ર પ્રાણલાલ જરીવાલા અને રાજેશભાઈ જરીવાલા છે. જેઓ બે વર્ષ પહેલા જ મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા છે. આશરે 40 દિવસ પહેલા પણ આ ગ્રાઉન્ડ પલ્સ ત્રણ માળના મકાનના પ્રથમ માળની સીલિંગ તૂટી પડી હતી.

Most Popular

To Top