SURAT

સુરત જિલ્લાના તત્કાલિન ભૂસ્તરશાસ્ત્રી ડીકે પટેલની રેતીચોરો સાથે ભાગીદારી

સુરત: સુરત (Surat) શહેર અને જિલ્લા સહિત નવસારી (Navsari) અને તાપી (Tapi) જિલ્લામાં ભૂસ્તર અધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા ડી.કે.પટેલ સામે રેતી અને ખનિજના વેપારીઓ સાથે ભાગીદારીની ફરિયાદો ઉઠી છે. જિલ્લા કલેકટરે આ મામલે બારડોલી પ્રાંત ઓફિસરને હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો.

સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરના ખનિજ માફિયાઓને આંખમાં કણાની જેમ ખૂંચતા તત્કાલિન ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલ સામે ગંભીર ફરિયાદ થતા વિવાદ પેદા થયો છે. અત્યાર સુધી કડક છાપ ધરાવતા ખાણ ખનિજ અધિકારી ડી.કે.પટેલનો પગ કુંડાળામાં પડી જતા રાજયભરના ખાણખનિજ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. ફરિયાદીએ રાજયના મુખ્યમંત્રી સહિત ખાણ ખનિજ વિભાગના ઉચ્ચસ્તરે ફરિયાદ કરી હતી કે સુરતના તત્કાલિન ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલ હિરેન ઓડ અને ભાવેશ ઓડ નામના ખનિજ વેપારીઓ તેમજ લીઝ હોલ્ડર સાથે સીધી ભાગીદારી કરી છે.

આધાર-પુરાવા સાથે થયેલી આ ફરિયાદમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસન ગામમાં એક ડેમના ડિસિલ્ટીંગ માટે બારોબાર હિરેન અને ભાવેશ ઓડને પરવાનો આપી દેવાયો હતો. આ બ્લોક સરકારે પાડેલા હતા. અને ઓનલાઇન હરાજીથી તે ફાળવવાના હોય છે. પરંતુ ડી.કે.પટેલએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી સરકારને નુકસાન કરી ભાવેશ અને હિરેન ઓડની તરફદારી કરી હતી. તેવી જ રીતે વાડાગામમાં પણ એક બિનઉપજાઉ અને ઉજજડ જમીનને નવસાધ્ય કરવાના નામે માટી ખોદવા પરમિટ આપી દીધી હતી.

હિરેન ઓડ અને ભાવેશ ઓડના ફલેટમાં અધિકારી રહેતા હોવાના આરોપ
ફરિયાદીએ મુખ્યમંત્રી તેમજ ખાણખનિજ વિભાગમાં ઉચ્ચસ્તરે કરેલી રાવમાં ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલએ સરકારી આવાસને બદલે ખાનગી આવાસમાં રહેતા હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. આ અધિકારી પાલમાં ખનિજવેપારીના ફલેટમાં રહેતા હતા.

મુખ્યમંત્રીમાંથી કાગળ આવતા કલેકટરે બારડોલી પ્રાંતને તપાસ સોપી
સુરત જિલ્લાના ભૂસ્તશાસ્ત્રી ડી.કે.પટેલ સામે ગંભીર ફરિયાદને પગલે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ તાજેતરમાં ભૂસ્તરશાસ્ત્રી સામે તપાસના આદેશ આપ્યા છે. તેમને બારડોલી પ્રાંત ઓફિસરને તપાસ કરી આ મામલે હકીકતલક્ષી અહેવાલ મંગાવ્યો હતો.

Most Popular

To Top