SURAT

સુરત: સંઘના નામે યુનિ.ની જગ્યા પચાવવાનો ‘ખેલ’, દુકાનો, જમીન ભાડે પટ્ટે લેવા કરાયું આ કામ

સુરત: (Surat) નર્મદ યુનિ. કેમ્પસમાં (Narmad University Campus) પેધા પડેલા કેટલાંક તત્વો રાષ્ટ્રીય સ્યવંસેવક સંઘની (RSS) ગરિમાને પણ વટાવવા નીકળી પડયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ગરિમાને લાંછન લાગે તે રીતે કેટલાંક લોકો યુનિ.ની માલમિલકતો 99 વરસના ભાડા પટ્ટે (Lease) લેવા તલપાપડ બન્યા છે.આ માટે યુનિ.ને અરજી કરવામાં આવી છે. કુલપતિ દ્વારા પણ મામલો સિન્ડિકેટ પર છોડી દેવામાં આવ્યો છે પરંતુ જે રીતે આ કારભાર કરવામાં આવી રહ્યો છે તે જોતાં આ મોટો ‘ખેલ’રચવામાં આવ્યો છે અને તેમાં કેટલાક લોકો પોતાના ‘રોટલા’શેકી રહ્યા છે.

નર્મદ યુનિ. પાસે હાલમાં જમીનો ઘણી છે. યુનિ. દ્વારા ધીરેધીરે આ જમીનો પર એક પછી એક શૈક્ષણિક ભવનો ઊભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ યુનિ.ની આ જમીન સુરતના પોશ વિસ્તારમાં આવી હોવાથી આ જમીન પર લેન્ડગ્રેબરોનો ડોળો છે. ભૂ-માફિયાઓ આ જમીન પચાવી પાડવા માટે સતત સક્રિય રહેતા હોય છે. જોકે, હાલમાં યુનિ.માં થયેલી અરજીએ મોટો વિવાદ સર્જ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં એવી પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે કે,યુનિવર્સિટીની માલિકીની ઉધના-મગદલ્લા રોડ પર આવેલી કિંમતી દુકાનો તથા મેનેજમેન્ટ ભવનની બાજુમાં આવેલીયુનિવર્સિટીની કરોડોની જમીન ઉપર કેટલાક મહાનુભાવોનો ડોળો છે, તેઓ સિફતપૂર્વક પોતાના મામકાઓને આ દુકાનો તથા જમીન 99 વર્ષના પટ્ટે અપાવી દેવાની પેરવીમાં છે. જો આ વાત સાચી હોય તો મૃદુ સ્વભાવ ધરાવતા અને સંકલન કર્તાઓનો પડ્યો બોલ ઝીલતા સજ્જન કુલપતિ ચાવડા આ બાબતમાં કડક વલણ અખત્યાર કરેતે જરૂરી છે.

હજુ અરજી જ આવી છે, નિર્ણય તો સિન્ડિકેટ સભાએ જ કરવાનો છે
આ અંગે પુછપરછ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડાએ કહયુ હતુ કે હજી તેમની પાસે અરજી આવી છે. આ બાબતે આખરી નિર્ણય સિન્ડીકેટ સભા જ કરશે. સંઘ પરિવારની ભગીની સંસ્થાએ સેવાના ઉમદા આશય સાથે જગ્યા માંગી છે. જોકે ડો.ચાવડાની આ વાત સરળતાથી ગળે ઉતરે તેમ નથી. કારણ કે ઉધના મગદલ્લા રોડ ઉપર સરકારી જમીનો ઉપર ભૂતકાળમાં એફપી પણ જમ્પ કરાવી કેટલાંક બિલ્ડરો આરએસએસના નામે હવા જોઇ સૂપડા ફેરવી ગયા હતા.

ભૂતકાળમાં પણ યુનિ.ની 180 એકર જમીનનો ભોગ લેવાતો રહી ગયો હતો
વીર નર્મદ યુનિ.ના પ્રાઇમ લોકેશનને કારણે કેટલાંક સમયથી કેટલાંક તત્વો યુનિ.ની ખુલ્લી જમીનો અને મિલકતો ઉપર નજર ટાંપીને બેઠા છે. ભૂતકાળમાં યુનિ.ની 180 એકર જમીન મામલે પણ આવો ખેલ થયો હતો. પરંતુ કેટલાંક ખમીરવંત અને નૈતિક મનોબળ ધરાવતા લોકોને કારણે યુનિ.ની અબજો રૂપિયાની મિલકતો ઓહિયા થતી બચી ગઇ હતી. આ મામલે જે તે સમયે પણએક ટોચના મંત્રીની સંડોવણી ખુલીને બહાર આવી હતી. પંરતુ યુનિ.નુંહિત હૈયે રાખી નિડરતા સાથે મલીન ઇરાદાઓ ધરાવનારાઓને પડકારવામાં આવ્યા હતા.

ડો.ચાવડાએ આખું કેમ્પસ વેચવાનું જ બાકી રાખ્યું હોવાની ચર્ચા
નર્મદ યુનિ.ને સદભાગ્યે સ્થાનિક કુલપતિ મળતા શિક્ષણવિદોનો ઉત્સાહ સમાતો નહોતો. પરંતુ આ ઉત્સાહ ગણતરીના દિવસોમાં જ ઓસરી ગયો છે. સ્થાનિક કુલપતિ ડો.કે.એન.ચાવડા યુનિ.નો વહિવટ સમસૂતરો પાર પાડવાને બદલે યુનિ.ને ખાડામાં નાંખી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. વિશ્વ વિઘાલયની જે પ્રતિષ્ઠા હોય જે સંસ્કાર અને સભ્યતા હોય તે તમામને પડીકું વાળી ફેંકી દેવાયા છે. યુનિ. કેમ્પસમાં ઠેરઠરે ખાનગી આયોજકો ઘૂસી ગયા છે. યુનિ.કેમ્પસની મોકાની જમીનો ઉપર સંશોધન કેન્દ્ર કે પ્રયોગશાળા બનાવવાને બદલે ભળતી પ્રવૃતિઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી આખુંયુનિ.કેમ્પસ રૂપિયાની લાલચમાં ગીરવે મૂકી દેવાયુંછે. યુનિ.માં નજીવા દરે ખાનગી આયોજકો મસમોટા આયોજનો મેળા કે પ્રદર્શન કરી મબલખ કમાણી કરી ગયા છે. યુનિ.કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિને ઉત્તેજન આપવાને બદલે ડો.ચાવડાએ વેપારીકરણનને પ્રોત્સાહન આપ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Most Popular

To Top