SURAT

સુરત: સોપારીના વેપારીને ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ

સુરત: જહાંગીરપુરામાં ડી-માર્ટની પાસે સોપારીના વેપારી (Betelnut Trader) પાસેથી રૂ.1.20 લાખની ઉઘરાણી કરવા ચપ્પુના (Knife) ઘા મારી દેવાયા હતા. દોડતા દોડતા આ યુવકે પોતાના પરિવારજનોની (Family) મદદ લઇ સિવિલમાં સારવાર કરાવી હતી. જે અંગે પોલીસે (Police) ચાર ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ ગામમાં શ્રીલેખા એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક બીપીન ઠક્કર સોપારીનો હોલસેલમાં વેપાર કરે છે. છ મહિના પહેલાં હાર્દિકે કતારગામ પાસે પાર્થ સોસાયટીમાં રહેતા કૃણાલ જગદીશ કલસરિયા પાસેથી રૂ.1.20 લાખ હાથ ઉછીના લીધા હતા. આ ઉપરિયાની ઉઘરાણી કરવા માટે કૃણાલે હાર્દિકને ફોન કરીને જહાંગીરપુરાના ડી-માર્ટ ચાર રસ્તા પાસે સિટિઝન મેડિકલ સ્ટોર નજીક બોલાવ્યો હતો. હાર્દિક ત્યાં મળવા માટે ગયો ત્યારે કૃણાલ રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યો હતો. હાર્દિકે દિવાળી સુધી થોભી જવાનું કહેતાં કૃણાલ ઉશ્કેરાયો હતો. કૃણાલની સાથે આવેલા નિલેશ નામના યુવકે પેન્ટના પાછળના ખિસ્સામાંથી કાચની બોટલ કાઢી હાર્દિકને માથામાં મારી દીધી હતી. ત્યારબાદ કૃણાલ પણ ચપ્પુ વડે હાર્દિક ઉપર હુમલો કરી દીધો હતો. હાર્દિક બેભાન થઇ જતાં તે નીચે પડી ગયો હતો, ત્યારે કૃણાલે કહ્યું કે, આજે તો તને પતાવી જ દેવો છે કહીને ફરીવાર મારવા લાગ્યો હતો. આ દરમિયાન જ હાર્દિકના સંબંધીઓ આવી જતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઇ ગયા હતા. આ બનાવ અંગે હાર્દિકે કૃણાલ ઉપરાંત તેની સાથે આવેલા નિલેશ દરબાર, પ્રદીપ તરસરીયા અને બીજા એક અજાણ્યા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વરાછામાં લૂંટનો પ્રયાસ કરનાર ચાર ઝડપાયા
સુરત: કાપોદ્રાના ચાર રસ્તા શ્રદ્ધા કોમ્પ્લેક્સ ચામુંડા હોટલ પાસે આવેલી એસ.કે.ચોકસી નામની જ્વેલર્સમાં મેનેજર તરીકે કામ કરતા કર્મચારી રાજેશભાઇ હાજર હતા, ત્યારે તેમની પાસે ત્રણ ઇસમ આવ્યા હતા. આ ઇસમોએ રાજેશભાઇની પાસેથી ચાંદીની સામે રૂપિયા માંગ્યા હતા, પરંતુ રાજેશભાઇએ તેમને ના પાડતાં આ ત્રણેયે રાજેશભાઇના માથા ઉપર પિસ્તોલ મૂકીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. રાજેશભાઇએ બૂમાબૂમ કરતાં ત્રણેય ભાગી છૂટ્યા હતા.

આ બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ વરાછા પોલીસને માહિતી મળી હતી કે, અશ્વિનીકુમાર ઝૂંપડપટ્ટી બ્રિજ નીચે એક પલ્સર મો.સા. નં.(GJ-05-PJ-2128) ઉપર બે ઇસમ બેસેલ છે અને બીજા બે ઇસમ ત્યાં તેની પાસે ઊભા છે, આ ચારેયની પાસે તમંચા જેવી વસ્તુ છે અને મોટી ચોરી કરવાની વાત કરી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે અમન સુનેરીલાલ ખટીક, વિજય પ્રભુદયાલ ખટીક, રમણ સુનેરીલાલ ખટીક અને ભરત રાજેન્દ્ર ખટીકની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતાં આ ચારેયે રાજેશભાઇને તમંચો બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ ચારેય પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, 8 કાર્ટિઝ, દોઢ કિલો ગન બનાવવાનો પાઉડર, 2 રમકડાંની ગેસવાળી પિસ્તોલ, એક બેગ અને ચાર મોબાઇલ પણ મળી આવ્યા હતા. પોલીસે પકડી પાડેલી પલ્સર મોટરસાઇકલ પણ ચારેય ઇસમે ચોકબજાર પોલીસમથક વિસ્તારમાંથી ચોરાયેલી હોવાની વિગતો મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તમામ આરોપીઓએ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદી રાજેશભાઇએ બૂમાબૂમ કરતાં તેઓ ભાગી છૂટ્યા હતા.

ગન પાઉડર અંગે પોલીસની તપાસ શરૂ
પોલીસે ચારેય લુંટારુઓની પાસેથી દોઢ કિલો ગન પાઉડર કબજે કર્યો હતો. આ પાઉડરનો ઉપયોગ તેઓએ ક્યારે કર્યો અને ગન પાઉડર ક્યાંથી લાવ્યા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી દેશી તમંચો પણ પકડાયો છે અને તે દેશી તમંચો ક્યાંથી લાવ્યા તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઇ છે.

Most Popular

To Top