SURAT

ડાયમંડ બુર્સ બાદ સુરતમાં વધુ એક શાનદાર ઈમારત સાકાર થશે, આ પ્રકારનો દેશનો પહેલો પ્રોજેક્ટ બનશે

સુરત: સુરતમાં છેલ્લાં કેટલાંય સમયથી સુરત ડાયમંડ બુર્સની શાનદાર ઈમારતની ચર્ચા થઈ રહી છે. વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે સુરતમાં બુર્સ જેવી જ શાનદાર ઈમારત બનવા જઈ રહી છે.

  • સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ડિસેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર ખુલ્લુ મુકાશે
  • સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ( એમએમટીએચ) આ પ્રકારનો દેશનો પહેલો મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે
  • જેમાં રેલવે, જીએસઆરટીસીની બસો, બીઆરટીએસ બસો, સિટિ બસ અને સુરત મેટ્રોને એકજ સ્થળે આવરી લેવાયું છે
  • જેથી એક વખત પેસેન્જર એકજ સ્થળેથી ટ્રાન્સપોર્ટના કોઈ પણ મોડનો ઉપયોગ કરી શકશે

એક સમય હતો જ્યારે સુરતીઓ રેલવે સ્ટેશન ઉપર જતા પણ સૂગ અનુભવતા હતાં. જો કે, હવેના સમયમાં અહીં ચોખ્ખાઇ જોવા મળે છે પરંતુ જો અધિકારીઓના દાવાને સાચો માનીએ તો 2026માં સુરતનું રેલવે સ્ટેશન મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બની જશે તેની ડિઝાઇન જોતા તો એવું લાગે છે કે તે, ફાઇવ સ્ટાર હોટલને પણ પાછળ રાખી દેશે.

હાલના સુરત રેલવે સ્ટેશન ખાતે આકાર લેનારૂં સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ડિસેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર લોકો માટે ખુલ્લુ મુકાશે. સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ(એમએમટીએચ) આ પ્રકારનો દેશનો પહેલો મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. જેમાં રેલવે, જીએસઆરટીસીની બસ, બીઆરટીએસ બસ, સિટિ બસ અને સુરત મેટ્રોને એકજ સ્થળે આવરી લેવાયું છે. જેથી એક વખત પેસેન્જર એકજ સ્થળેથી ટ્રાન્સપોર્ટના કોઈ પણ મોડનો ઉપયોગ કરી શકશે. આ પ્રોજેક્ટ માટે ખાસ સુરત ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન લિમિટેડ( સિટકો) નામનું સ્પેશિયલ પરપોઝ વહીકલની રચના કરવામાં આવી છે.

સુરત માટે મોટી સિદ્ધી, ભારતનો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ
પત્રકાર પરિષદમાં સિટકોના ચેરમેન અને રેવેન્યુ વિભાગના ગુજરાત સરકારના વધારાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે આ સુરત માટે બહુ મોટી સિદ્ધી છે. આ પ્રકારનો ભારતમાં આ પહેલા પ્રોજેક્ટ છે. આ પ્રોજેકેટમાં પહેલા ફેસમાં 878 કરોડ રૂપિયાના ખર્ચ અને બીજા ફેસમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ થનાર છે. ત્યાર પછી જે કમર્શિયલ ડેવપલમેન્ટ કરાશે તે પીપીપીના ધોરણે કરાશે. જેમાં પ્રાઈવેટ ઇન્વેસ્ટરો રોકાણ કરશે. જેનાથી રેલવેએ પહેલા જે રોકાણ કર્યું છે તે રૂપિયા પણ રેલવેને પરત મળી જશે અને રોકાણકારોને સારો લાભ થશે.

આ પ્રોજેક્ટ ઇન્ડિયન રેલવે, ગુજરાત સરકાર અને એસએમસીનું સંયુક્ત સાહસ છે. આ હબનું પ્લાનિંગ આગળના 50 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ હશે જેનો જોટો કદાચ ક્યાંય ન મળે. હાલના રેલવે સ્ટેશન પર જે રેલવે ટ્રેક છે તેના પર પણ કોનકોર્સ એરિયો બનાવવામાં આવશે. કોનકોર્સ એરિયાની લંબાઈ 145 મીટર અને પહોડાઈ 85 મીટર હશે. જાન્યુઆરી 2024થી ઇન્વેસ્ટરો પાસેથી ઓફરો મંગાવવામાં આવશે. સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ડિસેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર લોકો માટે ખુલ્લુ મુકાશે. સૌથી પહેલા ઇસ્ટ તરફનું રેલવે સ્ટેશન અને જીએસઆરટીસીનું કમર્શિયલ ટાવર બનશે. ત્યાર બાદ વેસ્ટ તરફનું રેલવે સ્ટેશન બનશે.

બે સબઅર્બન પ્લેટફોર્મ બનાવવામાં આવશે
પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી કે હાલના રેલવે સ્ટેશન પાસે લંબે હનુમાન ગરનાળા પાસે જે ગુડ્સ યાર્ડ છે ત્યાં એક સબઅર્બન પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ઉપરાંત ઉત્તર તરફની દિશામાં સુમુલ ડેરી રોડ તરફ પણ એક સબઅર્બન પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ બંને પ્લેટફોર્મ સ્કાયવોકથી જોડાયેલા હશે.

હબ બન્યા બાદ ઇઆઈ સિગ્નલિંગથી ટ્રેનો દોડશે
હાલમાં ટ્રેનો જુની સિગ્નલ સિસ્ટમ આરઆરઆઈથી ચાલે છે. પરંતુ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બન્યા બાદ ઇઆઈ સિગ્નલિંગ સિસ્ટમથી ટ્રેનો દોડશે. તેના કારણે ઘણી સરળતાથી ટ્રેનોનું સંચાનલ સંભવ બનશે.

પહેલા ઇસ્ટ તરફનું રેલવે સ્ટેશન બનશે
હાલમાં વધુ દબાણ સુરતના વેસ્ટ તરફના રેલવે સ્ટેશન પર છે. પરંતુ એમએમટીએચમાં વેસ્ટ અને ઇસ્ટ બંને તરફ રેલવે સ્ટેશન બનનાર છે. હાલમાં ઇસ્ટ તરફના રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યુ છે. જે કામ પૂર્ણ થયા બાદ રેલવેની તમામ અવર-જવર ઇસ્ટ તરફના રેલવે સ્ટેશન પર જશે અને પછી વેસ્ટ તરફનું રેલવે સ્ટેશન ડેવલપ કરાશે. હાલમાં રેલવે સ્ટેશન પર 1.60 લાખથી વધુ પ્રવાસીઓની અવર-જવર છે. જે હબ બન્યા પછી 5 લાખ પ્રવાસીઓની અવર-જવર સંભવ બનશે.

મેટ્રોમાંથી ઉતરીને પેસેન્જર બીઆરટીએસ, એસટી અને સિટી બસમાં બેસી શકશે
એમએમટીએચમાં પેસેન્જર એક જ સ્થળેથી કોઈ પણ વાહનમાં બેસી શકશે. મેટ્રોમાં આવતા પ્રવાસી માટે 6 એક્ઝિક-એન્ટ્રી પોઈન્ટ હશે. જેથી તે મેટ્રોમાંથી સીધો ઇસ્ટ તરફના રેલવે સ્ટેશન, વેસ્ટ તરફના રેલવે સ્ટેશને, જીએસઆરટીસીની બસમા, સિટિ બસમાં અને બીઆરટીએસ બસમાં પ્રવેશ કરી શકશે.

ઉપરાંત તમામ બસોમાંથી ઉતરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકશે.તે માટે કોઈ પણ પ્રવાસીને એમએમટીએચ બિલ્ડિંગની બહાર રસ્તા પર આવવાની જરૂરત નથી. ઉપરાંત તમામ મોડ એક સાથે સાથે ઇન્ટરનલ કનેક્ટેડ છે. તે માટે સ્કાઈ વોક બનાવવામાં આવ્યો છે. ઉપરાંત લંબે હનુમાન રોડ અને વરાછા મેન રોડને હબ પાસે એલીવેટેડ રોડ બનાવવામાં આવશે. જેથી પ્રવાસી મેન રોડ પરથી સીધો એમએમટીએચમાં પ્રવેશી શકે.

એમએમટીએચ હેઠળ સુરત રેલવે કોલોની ગ્રાઉન્ડ પ્લસ 32 ની બનશે
એમએમટીએચ હેઠળ સુરત રેલવે કોલોની ગ્રાઉન્ડ પ્લસ 32માળની બનશે. જેનો બીલ્ટ અપ એરિયા 412900 સ્ક્વેર મીટર હશે. રેલવે યાર્ડમાં 27 માળની બિલ્ડિંગ બનશે. જેનો બીલ્ટ અપ એરિયા 221100 સ્ક્વેર મીટર હશે. ઇસ્ટ અને વેસ્ટ રેલવે સ્ટેશન 7-7 માળનું હશે. જીએસઆરટીસીનું કમર્શિયલ ટાવર 26 માળનું હશે.જેનો બીલ્ટ અપ એરિયો 191600 સ્ક્વેર મીટર હશે. જીએસઆરટીસીનું ટ્વીન ટાવર 27 માળનું હશે. તેનો બીલ્ટ અપ એરિયા 119450 સ્ક્વેર મીટર હશે.

Most Popular

To Top